(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સોમવારથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો .રાજ્યની ૯૮૫૬ ખાનગી પ્રાથમિક સ્કૂલોની ૮૨,૫૦૯ જેટલી બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ-૧માં પ્રવેશ માટે આજ થી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં વાલીઓ સોમવારથી આગામી તા. ૨૨મી એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયુ હતું. આ વખતે વાલીઓએ ફોર્મ ભરતી વખતે ઈન્કમટેક્સ રિટર્ન પણ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. જો ઈન્કમટેક્સ રિટર્ન ભરતા ન હોય તે સંજોગોમાં આવકવેરાને પાત્ર આવક થતી ન હોવા અંગેનું સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે. તાજેતરમાં આરટીઈની પ્રવેશ કાર્યવાહીને લઈને સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જેમાં ૯ એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ એક્ત્ર કરવા માટેનો સમય આપવામાં આવ્યા બાદ હવે ૧૦ એપ્રિલથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ ૧માં પ્રવેશ હાંસલ કરનારા બાળકની ઉંમર છ વર્ષ હોય તેવા વાલીઓ ફોર્મ ભરવાનું રહેશે.