નમાલા મુખ્ય પ્રધાન: થાણેમાં જનપ્રક્ષોભ રેલીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી રહેલા આદિત્ય ઠાકરે (જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય તથા યુવાસેના નેતા આદિત્ય ઠાકરેેએ બુધવારે થાણેમાં પોલીસ કમિશનરની ઓફિસ પાસે પહોંચેલા મોરચાનું નેતૃત્વ કરતા સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની જબરદસ્ત નકલ કરી હતી, જેને મોરચામાં જોડાયેલા સેંકડો કાર્યકર્તાઓએ ‘વન્સ મોર’ કહીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
થાણેમાં મહાવિકાસ આઘાડીએ બુધવારે જોરદાર શક્તિપ્રદર્શન કર્યું હતું. ઠાકરે ગ્રૂપના કાર્યકર્તા રોશની શિંદે પર કરવામાં આવેલા હુમલા પરથી શિવસેના અને પોલીસના વિરોધમાં મહાવિકાસ આઘાડીએ મોરચો કાઢ્યો હતો, જેનું નેતૃત્વ યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કર્યું હતું.
થાણે પોલીસ કમિશનરની ઑફિસ પાસે આ મોરચો પહોંચ્યા બાદ આદિત્ય ઠાકરેએ જોરદાર ભાષણ તો કર્યું હતું પણ સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની જબરદસ્ત નકલ પણ કરી હતી. આદિત્ય ઠાકરેએ પોતાના ભાષણ વખતે બે વખત મુખ્ય પ્રધાનની નકલ કરી હતી.
‘મહિલા પર હાથ ઉપાડવો, સુષમા તાઈ, સુપ્રિયા તાઈને અપશબ્દો કહેવા અને મર્દાનગી દેખાડવી’ એવી ટીકા કરીને આદિત્યએ પહેલી વખત મુખ્ય પ્રધાનની નકલ કરી હતી. એ વખતે તેમણે શર્ટને ઝાટક્યું હતું અને અહીંયા-ત્યાં જોવાનું નાટક કર્યું અને બાદમાં દાઢીને હાથ લગાવ્યો હતો. તેમની આ નકલ પર અનેક કાર્યકર્તાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ત્યાર બાદ તેમણે ફરી એક વખત શિંદેને નિશાના પર લેતા કહ્યું હતું કે મહિલા કાર્યકર્તા પર થયેલા હુમલાને લઈને શિંદેના હોમગ્રાઉન્ડ પર જ મહિલા કાર્યકર્તાની મારપીટ કરીને તેમને ધમકાવવામાં આવી રહી હોવાનું કહીને આદિત્યએ ફરી એકનાથ શિંદેની નકલ કરી હતી.