જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
ધરાલી
જેઠ સુદ ૧૧, શુક્રવાર, ૨૫.૦૫.૨૦૧૮
આજે સવારે જ ૨૦ કિ.મી. વિહાર કરી ધરાલી પહોંચ્યા છીએ, વિહાર લાંબો તો થયો પણ ઉતરાણ જ હતું તેથી ઘણું લાગ્યું નહિ. અહીં એક બાબાજીનો આશ્રમ છે. ચારે બાજુ સફરજનની વાડીઓ છે. નાનાં નાનાં સફરજન લાગેલાં છે. શ્રાવણ મહિના સુધી પાકી જશે. અહીં પ્રાચીન મહાદેવનું મંદિર છે. માત્ર મંદિરનું શિખર જ ઉપર દેખાય છે. નીચે આખો ગભારો પાણીમાં છે. ગભારામાં અંદાજે ૧૨ ફૂટ ઊંડું પાણી છે. બાજુમાં ગંગા વહી રહી છે. દૃશ્ય મન લુભાવન છે.
અહીં એક વૃદ્ધ બાબાજી છે. આખો હિમાલય એમણે જોયેલો છે. અમને પણ આમંત્રણ આપ્યું. તમે પાછા આરામથી હિમાલયમાં આવો. ‘હમણાં તો તમે બદરીનાથ જાઓ છો. હું રોકી શકીશ નહીં, પણ અસલી હિમાલય અને હિમાલયના યોગીઓનો સાક્ષાત્કાર તો ઊંડા હિમાલયમાં જાઓ તો જ થાય.’ અહીં ઉપર જ મોટાં મોટાં ૭ સરોવર છે. ૨ સુકાઈ ગયાં છે. બાકી પાંચમાં પાણી છે. તેમાં બ્રહ્મકમળ થાય છે. જુઓ સામે આળિયામાં ભગવાનનું મંદિર બનાવ્યું છે. તેના તોરણમાં બ્રહ્મકમળ લાગેલાં છે. અમે પણ ઘણા દિવસથી બ્રહ્મકમળની ચર્ચા સાંભળેલી હતી, પણ શ્રાવણ મહિનામાં જ ફૂલ આવે એવું જાણીને થોડા નિરાશ થયેલા, પણ અહીં તો નજરની સામે જ આટલાં બધાં બ્રહ્મકમળ હતાં, પણ બધાં સુકાઈ ગયેલાં. બાબાજીએ સાચવીને રાખેલાં. ખબર નહીં બાબાજીને શું થયું મનમાં? કે એમાંથી એક બ્રહ્મકમળ કાઢીને અમને આપ્યું. અમે સ્વીકાર્યું. બાબાજી ખુશ થયા.
અહીં આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલુ જ છે. ચાલીને યાત્રા કરનારા ગમે તેટલા યાત્રિકો આવે તેઓ માટે રહેવાનું અને જમવાનું ફ્રી છે. બાબા અમને આગ્રહ કરીને રોકી લે છે.
અમે સાંજે આગળ નીકળ્યા. ઝાલા આવ્યા. ૧૦ કિ.મી. થયું. અનુક્રમે સુખી ગામ થઈ ભટવાડી પહોંચ્યા. અહીં પણ એક સારા માણસના ઘરમાં સ્થિરતા થઈ. અમને આગળનો રસ્તો લખી આપ્યો.
ભટવાડીથી કેદારનાથ જવા માટે અહીંથી કાચો રસ્તો છે. ૧૦ દિવસમાં કેદારનાથ પહોંચાય. પણ એકલું જંગલ જ છે. વચ્ચે બરફ નથી આવતો પણ લીલોતરી અને નીલફૂગ ખૂબ હોય છે. લોકોની અવરજવર નહીંવત્ હોય.
ભટવાડીથી કેદારનાથનો શોર્ટકટ રસ્તો-
ભટવાડી- લાટા- સોરા- થાતીકઠુડ- રીહ- ગંગી- સોનપ્રયાગ- કેદારનાથ કાચા રસ્તે ભોમિયો રાખવો. આહારપાનીની વ્યવસ્થા સાથે રાખવી. સામાન માટે ખચ્ચર રાખવો. ખચ્ચરવાળો એક દિવસમાં ઓછામાં ઓછા ૫૦૦૦/- લે.
ભટવાડીથી ૩-૪ કિ.મી. આગળ મલ્લા કરીને ગામ આવે છે. અહીંથી પણ એક કાચો રસ્તો છે. તે આ રીતે…
મલ્લાથી કેદારનાથ
મલ્લાથી
સીલ્લા ૭ કિ.મી.
કુશકલ્યાણ ૧૧ કિ.મી.
ક્યારકી ૧૨ કિ.મી.
સહતાલ ૧૪ કિ.મી.
કલ્યાણી ૨૬ કિ.મી.
ખરસોલી ૧૪ કિ.મી.
કેદારનાથ ૨૬ કિ.મી.
મલ્લાથી કેદારનાથ
મલ્લાથી
બુઢાકેદાર ૪૩ કિ.મી.
ત્રિયોગીનારાયણ ૫૦ કિ.મી.
સોનપ્રયાગ ૫ કિ.મી.
ગૌરીકુંડ ૬ કિ.મી.
કેદારનાથ ૧૪ કિ.મી.
મલ્લાથી કેદારનાથ વાયા બુઢાકેદાર
મલ્લાથી
સીલ્લા ૭ કિ.મી.
ચુન્ન ૫ કિમી.
બેલાક ૪ કિ.મી.
ઝાલા ૯ કિ.મી.
બુઢાકેદાર ૮ કિ.મી.
રીહ ૧૫ કિ.મી.
ગંગલ ૧૦ કિ.મી.
મગ્ગુ ૧૦ કિ.મી.
ત્રિયોગીનારાયણ ૨૦ કિ.મી.
સોનપ્રયાગ (પાકો રસ્તો) ૧૨ કિ.મી.
ગૌરીકુંડ (પાકો રસ્તો) ૬ કિ.મી.
કેદારનાથ ૧૪ કિ.મી.
મલ્લા- સૌરા- બુઢાકેદાર- હટકુંડી- ગટ્ટ- પવાલી- ત્રિજુગીનારાયણ- સોનપ્રયાગ- કેદારનાથ
મલ્લા- સૌરા- સુંદરનાથનું સ્થાન- કુશ કલ્યાણ- પીંડ સ્વાર- બુઢાકેદાર
મલ્લાથી સૌરીગાડ –
૬ (વાયા ચુનાચટ્ટી – પંગરાના – ઝાલા થઈ)
બુઢાકેદાર – ૨૫
ઘટ્ટ – ૧૭
કૌનખોલા – ૧૯
ત્રિજુગીનારાયણ – ૨૨ – સોનપ્રયાગ
– ગૌરીકુંડ – કેદારનાથ મલ્લા, સૌરીગાડ, ચુનાચટ્ટી, કુશકલ્યાણી, ત્રિજુગીનારાયણ, ગૌરીકુંડ, સોનપ્રયાગ, કેદારનાથ
કોઈપણ રસ્તે ચાલો ૧૦-૧૨ દિવસ તો થાય જ છે. પણ જેણે ઊંડા જંગલનો આનંદ લેવો હોય તે જઈ શકે.
જૈન સાધુઓએ દોષપ્રચુર આ રસ્તાથી જવું નહીં.
વાતાવરણ સારું હોય તો ઠીક છે નહીં તો ખૂબ ખરાબ રીતે અટવાઈ જવાય. રસ્તામાં જતા આવતા માણસો મળે. મુસલમાન ગુર્જરો ભેંસો લઈને રસ્તામાં ફર્યા કરતા હોય છે અને એમને ત્યાંંથી જ આહારાદિ લાવવાનો રહે. અમે એ રસ્તે ગયા નહીં. પ્રમુખ કારણ એક જ અનંતકાય આદિની વિરાધના અમને મંજૂર નથી. દિવસ ઓછા છે. ચાલવાનું ઘણું છે.
કેદારનાથ દૂર છે કદાચ નહીં જવાય તો ચાલશે. બદ્રીનાથમાં આદેશ્ર્વર દાદાના દર્શન કરીને પાવન થઈશું. અને આગળ વધશું. પરમાત્માના તીર્થ સિવાય અન્ય અન્ય સ્થાને જવાનું કારણ તો હિમાલયની સ્પર્શના જ છે. આદિશ્ર્વર પ્રભુ અહીં જ ક્યાંક પધાર્યા હશે. પરમાત્માના ચરણ સ્પર્શથી અતિ પાવન બનેલી આ ધરતીની સ્પર્શના જીવનમાં ઓછામાં ઓછા એકવાર કરવાનું મન તો થાય.
અસ્તુ.
આગળ ચાલતા પાયલોટ બાબાનો આશ્રમ આવ્યોે. સાવ ગંગાકાઠે સરસ વિશાળ આશ્રમ બનાવેલ છે. વળી તેમાં તો ૫૦ ફૂટથી પણ વધુ ઊંચી શંકરજીની મૂર્તિ છે. આશ્રમમાં વિશાળકાય ઘણા દેવી-દેવતાઓની રચના કરી છે. જેમકે સપ્તર્ષિ – ૧૦ અવતાર – ૯ દુર્ગા – રામ દરબાર – વિષ્ણુ લક્ષ્મી નારદજી આદિ. અમારે રાત્રિ વિશ્રામ અહીં જ થયો.
પાયલોટ બાબા પૂર્વકાળમાં વાયુસેનાના પાયલોટ હતા પછી સંન્યાસી થયા. એટલે જ તો એમનું નામ પાયલોટ બાબા પડ્યું. હમણા એ દેશ-વિદેશમાં જ યોગ-સમાધિનો અભ્યાસ કરાવે છે. ભારતમાં તો હરિદ્વાર – નૈનિતાલ અને અહીં એમના આશ્રમ ક્યારેક આવે. તેઓએ ૩૦ દિવસ સુધી પાણીની અંદર ડૂબ્યા રહી સમાધિ લગાવી હતી. પછી બાહર નીકળ્યા એ જ રીતે બંધ કાંચની પેટીમાં પણ ૩૦ દિવસ હવા વગર રહ્યા. આવા અજબના યોગ કાર્યમાં સફળ થયા છે. આશ્રમમાં આ બધા પ્રસંગનોના ફોટા લાગેેેલા છે. એમના લખેલા અનુભવોના કેટલાક પુસ્તકો અહીં આશ્રમમાંથી જ પ્રાપ્ત થઈ.
આશ્રમમાં ૩-૪ તો ગુજરાતી જ શિષ્યો છે. એમણે અમને સારી વ્યવસ્થા આપી. ૫-૬ વિદેશીઓ અહીં યોગ સાધનાનો અભ્યાસ કરી રહ્યા છે. અન્ય કોઈને પણ સાધના માટે આગળ વધવું હોય તો આ સમુચિત જગ્યા છે. જૈન સાધુને યોગ્ય તમામ અનુકૂળતાઓ અહીં ઉપલબ્ધ છે. જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ
રહેવાની છૂટ છે. વિશેષ જાણકારી માટે તો એમના અનુભવોના લખાયેલાં પુસ્તકો વાંચવાં.
અમે આગળ વિહાર કરી પાછા ઉત્તરકાશી પહોંચ્યા, આજ સુધીનો વિહાર આનંદદાયી રહ્યો.
હવે ચાતુર્માસના દિવસો ઓછા છે. ચાલવાનું ઘણું છે. ઉપર મેઘમહારાણીની મહેર ક્યારે થાય કંઈ ખબર નથી બસ હવે જલદી બદ્રીનાથ પહોંચીએ આદિશ્ર્વર પ્રભુને ભેટીએ એજ એક મનમાં ઈચ્છા છે. પાછા મેદાની પ્રદેશ તરફ આગળ વધવું જ પડશે.
હિમાલય ૫૦૦૦ માઈલ લાંબો અને ૧૨૦૦ માઈલ પહોળો છે. (ક્રમશ:)