મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યિક કૃતિઓના અનુવાદ આપનારાં લેખિકા શરીફાબેન વીજળીવાળાંનાં આ મહીને ત્રણ નવાં પુસ્તકો આવ્યાં છે; ડૉ. રાહી માસૂમ રઝાનું ‘આધા ગાંવ,’ ‘ઇંતઝાર હુસૈનનું બસ્તી’ અને મન્નુ ભંડારીનું ‘મહાભોજ.’ આ ત્રણે પુસ્તકો નવલકથા સ્વરૂપે છે. પહેલી બે નવલકથાઓ, ‘આધા ગાંવ’ અને ‘બસ્તી’, વિભાજનના ઈતિહાસની કરુણાંતિકાને સ્પર્શ કરે છે, જયારે ‘મહાભોજ’ આઝાદ ભારતમાં રાજનીતિ અને અપરાધના ગઠબંધનની વાત કરે છે. ‘બસ્તી’ આમ તો પાકિસ્તાની ઉર્દૂ નવલકથા છે અને તેમાં પાકિસ્તાનના હિંસક ભૂતકાળ અને માનવીય સંબંધોના અનિશ્ર્ચિત ભવિષ્યની ચિંતા છે.
એમાં ‘આધા ગાંવ’ વિશેષ રસ પડે તેવું સર્જન છે. એક તો, તેના રચનાકાર ડૉ. રાહી માસૂમ રઝાનું નામ ઘેર-ઘરે જાણીતું છે અને બીજું, તેમની આ અત્યંત લોકપ્રિય નવલકથામાં ભારત-પાકિસ્તાનના વિભાજનને કથિત હિંદુ-મુસ્લિમ નજરથી જોવાને બદલે ભારતીય, અથવા એથીય આગળ, માનવીય દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ છે.
‘આધા ગાંવ’ ૧૯૬૬માં પ્રકાશિત થઇ હતી. વાચકોએ તેની એટલી સરાહના કરી કે રાહી ભારતના ઉચ્ચ કોટિના વાર્તાકારોમાં ગણાવા લાગ્યા હતા. એક રીતે તે આત્મકથાત્મક છે. તેમાં ઉત્તર પ્રદેશના ગાજીપુર જીલ્લામાં આવેલા ગંગોલી નામના ગામની વાત છે. રાહીનું ગામ પણ એ જ છે. રાહી કામકાજની તલાશમાં મુંબઈ આવ્યા હતા અને હિન્દી ફિલ્મોમાં જાણીતા સંવાદ લેખક તરીકે સ્થાપિત થયા હતા (મૈ તુલસી તેરે આંગન કી, મિલી, લમ્હે, ગોલમાલ, કર્ઝ). જગજીતસિંહ-ચિત્રાસિંહના અવાજમાં તેમની એક ગઝલ ‘હમ તો હૈ પરદેશ મેં દેશ મેં નિકલા હોગા ચાંદ’ બેહદ લોકપ્રિય નીવડી હતી.
રાહી સ્પષ્ટતાવાદી અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણવાળા હતા. ‘આધા ગાંવ’ તેનું પરિણામ છે. બી. આર. ચોપરાની બહુચર્ચિત ધારાવાહી સિરિયલ મહાભારત’ના સંવાદો રાહીએ લખ્યા હતા. શરૂઆતમાં તેમણે ચોપરાજીને ના પાડી દીધી હતી કારણ કે ફિલ્મોની વ્યસ્તતાને કારણે તેમની પાસે સમય નહોતો, પણ તે પહેલાં ચોપરાએ સંવાદ લેખક તરીકે ડૉ. રાહીનું નામ જાહેર કરી દીધું હતું. તેનું પરિણામ એ આવ્યું કે અમુક કટ્ટર હિંદુઓએ ચોપરાજી પર કાગળો લખ્યા કે તમને ‘મહાભારત’ માટે બીજું કોઈ નહીં ને એક મુસ્લિમ લેખક મળ્યો?
ચોપરાએ એ પત્રો ડૉ. રાહીને મોકલી આપ્યા. તેઓ ભડકી ગયા. તેમણે ચોપરાને ફોન જોડીને કહ્યું, હવે તો હું જ લખીશ. હું ગંગાનો દીકરો છું (તેમનું વતન ગંગા કિનારે હતું). મારાથી વધુ હિન્દુસ્તાનની સભ્યતા અને સંસ્કૃતિની કોને ખબર હોય? એટલા માટે રાહી તેમને ગંગાપુત્ર અને ગંગા કિનારે વાલા ગણાવતા હતા.
રાહીએ ભારત-પાકિસ્તાનના વિભાજનને ગંગોલીમાં અનુભવ્યું હતું. ગંગોલી બે ભાગમાં વહેંચાયેલું ગામ છે; ઉત્તર-પટ્ટી અને દક્ષિણ-પટ્ટી. એમાં શિયા અને સુન્ની મુસ્લિમો રહે છે. એટલા માટે તેનું નામ ‘આધા ગાંવ’ છે. ગામમાં હિંદુ સહિતની અન્ય જાતિઓ પણ રહે છે. વિભાજનની વાતોના કારણે ગામમાં જે રીતે વૈમનસ્ય ઊભું થાય છે અને કેવી રીતે સંબંધોમાં પરિવર્તન આવે છે તેની વાર્તા આ નવલકથામાં છે. ૧૯૪૭માં, સાંપ્રદાયિક ઘટનાઓના કારણે ભારતનો ગ્રામીણ અને શહેરી સમાજ તમામ ભિન્નતાઓ હોવા છતાં કેવી રીતે વિભાજિત થવા લાગ્યો તેના પર બહુ ઓછું લખાયું છે. ‘આધા ગાંવ’ એ અર્થમાં મહત્ત્વની કૃતિ છે.
નવલકથાની પ્રસ્તાવનામાં ડૉ. રાહી માસૂમ રઝા લખે છે, “આ વાર્તા ન તો અમુક લોકોની છે કે ન તો અમુક પરિવારોની. એ ગામની પણ વાર્તા નથી જેમાં આ વાર્તાનાં સારાં-ખરાબ પાત્રો પોત-પોતાને પૂર્ણ બનાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વાર્તા ન તો ધાર્મિક છે, ન તો રાજનૈતિક કારણ કે સમય ન તો ધાર્મિક હોય છે કે ન તો રાજનૈતિક…આ વાર્તા સમયની છે. આ ગંગોલીમાં પસાર થનારા સમયની વાર્તા છે.
સમય તો માત્ર માણસનો હોય છે. તે હિંદુ અને મુસ્લિમનો સહિયારો હોય છે. ભારતમાં આવા સહિયારાપણાનો ભાવ એકતાનો પરિચય આપતો હતો અને એ એકતાનાં મૂળિયાં અડધા ગામમાં જોવા મળે છે. એમાં વિભાજનની રાજનીતિ આવી અને ગામની એકતામાં ખલેલ પડી. રાહી નવલકથામાં એક જગ્યાએ લખે છે, વાસ્તવમાં ગંગોલી ઈતિહાસથી બેખબર હતું. તેને એટલો સમય જ મળતો નહોતો કે વડના ઝાડ નીચે ઠંડી છાયામાં લાંબા થઈને તેના ઈતિહાસ બાબતે વિચારે જે રામાયણથી પણ આગળ સુધી ફેલાયેલો છે.
મિયાં મંદિરમાં જતા હોય અને
હિંદુ તાજિયામાં શરીક થતા હોય એવું એ ગામ હતું. ગંગોલી એટલું માસૂમ હતું કે પાકિસ્તાન શું ચીજ છે, એનું સ્વરૂપ શું હશે, એ ક્યાં આવ્યું તે કોઈને ખબર નહોતી. ગંગોલીના લોકોએ એ સમજમાં આવતું નહોતું કે મુસલમાનોને અલગ વતનની કેમ જરૂર પડી છે. તેમને થતું હતું- પાકિસ્તાન જતા રહેવાથી તેમની પ્રગતિ કેવી રીતે થશે? આ એક વણઉકલ્યો કોયડો હતો.
જેમ-જેમ વિભાજન નિશ્ર્ચિત થવા લાગ્યું, તેમ-તેમ ગંગોલીમાં રાજનીતિમાં તેજી આવી. કલકત્તા અને બિહારમાં કોમી તોફાનોના સમાચારો ગંગોલીમાં આવતા હતા અને એક બુઝુર્ગ ફૂન્નન મિયાંને સમજમાં આવતું નહોતું કે સેંકડો વર્ષો પહેલાં મુસલમાન શાસકોએ કરેલા અત્યાચારનો બદલો હવે કેમ લેવામાં આવી રહ્યો છે. કલકત્તાના મુસલમાનોનો બદલો બારિખપુરના મુસલમાનોથી કેમ લેવામાં આવે છે. કોઈ કહેતું, અમે તો ઓરંગઝેબને નથી જાણતા, કદાચ કોક બદમાશ હશે.
ગંગોલીનો સમય બદલાઈ રહ્યો હતો. રાહી બહુ માર્મિક રીતે આ વાત લખે છે;
અહીં થોડા દિવસોથી ગંગોલીમાં ગંગોલીવાળાઓની સંખ્યા ઓછી થઇ રહી છે અને સુન્નીઓ, શિયાઓ અને હિંદુઓની સંખ્યા વધી રહી છે. કદાચ એટલે જ નુરુદ્દીન શહીદની સમાધિ પર એટલો મેળો નથી થતો અને ગંગોલીનું વાતાવરણ ‘બેલ મહમદી યા હુસૈન’ની અવાજોથી એવું નથી ગુંજતું, જે રીતે ક્યારેક ગુંજી ઊઠતું હતું.
વાસ્તવમાં, ગંગોલીમાં બે જ જાતિ હતી; જમીનદારો અને કિસાન-કારીગરો. ‘હિન્દુસ્તાન’ ‘બને કે પાકિસ્તાન,’ લોકોની ગરીબી અને મજબૂરીમાં કોઈ ફરક પડવાનો નહોતો. ‘ગંગોલી’ હોય કે ‘કરાચી,’ મહેનત-મજદૂરી તો સરખી જ રહેવાની હતી. વિભાજન અને પાકિસ્તાનના નિર્માણની સાથે જમીનદારી પણ ખતમ થઇ ગઈ. એ સાથે જ ગામનું આર્થિક માળખું તૂટી ગયું. જમીન-જાયદાદ અને મજૂરી વગરના લોકો માટે ગાજીપુર અને કરાચી સરખું જ હતું, એટલે દૂર કોઈ શહેરમાં મજૂરી કરવાની શરમ નહીં આવે તેવું માનીને ગંગોલીને છોડી ગયા. ટૂંકમાં, ગંગોલીનો મુસલમાન પાકિસ્તાન નહોતો ગયો. એ કામની તલાશમાં એક માણસ ગયો હતો. અને ગયો હતો તો હિંદુઓના ડરથી ગયો નહોતો. એ કરાચી ગયો, લાહોર ગયો, ગયા ગયો, ઢાકા ગયો પણ પાકિસ્તાન નહોતો ગયો.
‘આધા ગાંવ’ની આ અસલી હકીકત હતી. આશા છે શરીફાબેને ગુજરાતીમાં ગંગોલીની ગંગાને ઉતારવાનો જે પ્રયાસ કર્યો છે, તેને વાચકો આચમન માનીને વધાવશે.