કોરોનાવાયરસ પછી હવે દેશ એડેનોવાયરસ નામની બિમારીના ભયનો સામનો કરી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ રોગ બેકાબૂ બની ગયો છે. શ્વસન ચેપથી પીડાતા બાળકોના કારણે રાજ્યભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બાળ ચિકિત્સક વોર્ડ ઝડપથી ભરાઈ રહ્યા છે, જેમાંથી ઘણાને એડેનોવાયરસ હોવાની શંકા છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં 11 બાળકોના મોત થયા છે. તેના લક્ષણો સામાન્ય તાવ જેવા હોય છે. નિષ્ણાતોના મતે, 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ વાઇરસનો ચેપ લાગવાની સંભાવના વધારે છે એટલે કે તેમના માતા-પિતાએ આ બાળકો વિશે વધુ સતર્ક રહેવાની જરૂર છે.
કોલકાતામાં ચેપી રોગના એક નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું હતું કે એડેનોવાયરસ બાળકોને ચેપ લગાડે છે. તેનો નવો સીરોટાઈપ ખૂબ જ ઘાતક છે. તેના સામાન્ય લક્ષણોમાં ખૂબ જ તાવ, વહેતું નાક, આંખોની લાલાશ અને શરીર પર ફોલ્લીઓ છે. તેમણે કહ્યું હતું કે તેને છાતીનો ચેપ પણ કહેવામાં આવે છે. તેની અસરમાં શાળાના બાળકો આવી રહ્યા છે. જો બાળકો સર્જિકલ માસ્ક લગાવે તો તેનો ફેલાવો રોકી શકાય છે. કોવિડની જેમ, તેમાં પણ સ્વેપ ટેસ્ટ છે, પરંતુ તે ખૂબ ખર્ચાળ છે.
એડેનોવાયરસ માટે હાલમાં કોઈ ચોક્કસ સારવાર નથી. વધુ તાવ આવે તો પેરાસીટામોલ લઈ શકાય. આ દરમિયાન વ્યક્તિએ વધુ પાણી પીવું જોઈએ. હાલમાં બંગાળના આરોગ્ય વિભાગે આ સૂચનાઓ જારી કરી છે.
જો બાળકોને ત્રણથી પાંચ દિવસ સુધી તાવ આવે તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જાઓ.
જો શ્વાસની તકલીફ હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે.
બીમાર બાળકોને શાળાએ ન મોકલો. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
માસ્ક પહેરો અને જો ઓક્સિજનનું સ્તર 92 ટકાથી ઓછું હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરો.