મંદીના માહોલમાં અજય દેવગનની ‘દૃશ્યમ – ૨’ને મળેલા સારા આવકારને પગલે પાર્ટ ટુ માટેનો ઉત્સાહ ફરી એક વાર નજરે પડતાં એવી અન્ય ફિલ્મો બનાવવા પ્રેરણા મળશે
કવર સ્ટોરી – હેન્રી શાસ્ત્રી
સાત વર્ષ પહેલા આવેલી નિશિકાંત કામત દિગ્દર્શિત ‘દૃશ્યમ’ની સિક્વલ ‘દૃશ્યમ – ૨’ને બોક્સ ઓફિસ પર સારો આવકાર મળી રહ્યો છે. હિન્દી ફિલ્મ માટે ૨૦૨૨નું વર્ષ એકંદરે મંદીનું રહ્યું છે ત્યારે સિક્વલ ફિલ્મ સાત દિવસમાં ૯૬ કરોડનું કલેક્શન મેળવવામાં સફળ રહી છે એ હરખાવાની વાત છે. અજય દેવગન, શ્રિયા સરન, અક્ષય ખન્ના અને તબુ ફિલ્મના પ્રમુખ કલાકાર છે અને તમે આ વાંચશો ત્યારે ફિલ્મ ૧૦૦ કરોડનું કલેક્શન મેળવી ચૂકી હશે એવી પૂરેપૂરી સંભાવના છે. પ્રથમ અઠવાડિયાના કલેક્શનમાં આ વર્ષની સૌથી સફળ ફિલ્મ રણબીર કપૂર – આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ રહી છે અને અજયની ‘દૃશ્યમ ૨’ બીજા ક્રમે વટથી બિરાજે છે. આ ફિલ્મને મળેલી સફળતાને પગલે સિક્વલ સફળતાના નવા સરનામા તરીકે ફિલ્મ વર્તુળમાં ચર્ચાઈ રહી છે. ફિલ્મ વ્યવસાયિકોએ આપેલી માહિતી અનુસાર અત્યારે દસથી વધુ સિક્વલ બનવાની દિશામાં આગળ વધી રહી છે. આ વર્ષે જે જૂજ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે એમાં ‘દૃશ્યમ ૨’ ઉપરાંત ‘ભૂલભૂલૈયા ૨’ પણ અક્ષય કુમારની ‘ભૂલભૂલૈયા’ (૨૦૦૭)ની સિક્વલ છે. કાર્તિક આર્યનની ફિલ્મે અક્ષયની ફિલ્મ કરતા પણ વધુ વકરો કર્યો હતો. પહેલી ફિલ્મમાં કશુંક અધૂરું રહી ગયું હોય અથવા વાર્તા આગળ વધી શકે એમ હોય ત્યારે સિક્વલ બનાવવામાં આવતી હોય છે. ‘બાહુબલી: ધ બિગિનિંગ’ (૨૦૧૫)ના અંતે ‘કટપ્પાને બાહુબલી કો ક્યું મારા’ એ ટેગલાઈને સિક્વલ માટે જબરજસ્ત કુતૂહલ નિર્માણ કર્યું હતું અને પરિણામે ’બાહુબલી ૨: ધ ક્ધકલુઝન’ને ભવ્ય સફળતા મળી હતી. ૧૦૦૦ કરોડનું કલેક્શન મેળવનાર એ પ્રથમ ફિલ્મ સાબિત થઈ હતી. કોવિડની મહામારીના સમયમાં દર્શકોની બદલાઈ ગયેલી રુચિ અને દમદાર વિષયનો અભાવ જેવાં કારણે સિક્વલને બહેતર વિકલ્પ તરીકે જોવાઈ રહ્યો છે. અલબત્ત ‘ભૂલભૂલૈયા ૨’ અને ‘દૃશ્યમ ૨’ હિટ જાય તો ‘બાગી ૨’ જેવું ફ્લોપનું પણ ઉદાહરણ છે. અત્યારે હિન્દી ફિલ્મના દર્શકોને જેનું ઘેલું લાગ્યું છે એ સાઉથની આ વર્ષે સફળ થયેલી ફિલ્મોમાંથી ‘કેજીએફ: ચેપ્ટર ૨’ પણ સિક્વલ છે. નજીકના ભવિષ્યમાં બોલિવૂડની જે ફિલ્મોની સિક્વલ જોવા મળશે એના પર એક ઉડતી નજર નાખીએ.
આરઆરઆર ૨: અટકળોનો અંત આવી ગયો છે અને ‘આરઆરઆર’ના દિગ્દર્શક એસ એસ રાજામૌલીએ મીડિયાને જણાવ્યું છે કે તેમના લેખક પિતાશ્રી વિજયેન્દ્ર પ્રસાદ ‘આરઆરઆર’ની સિક્વલ પર કામ કરી રહ્યા છે. યુએસના શિકાગો શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજામૌલીએ કહ્યું હતું કે ‘સિક્વલ બનાવવા હું ખૂબ ઉત્સુક’ છું. અત્યારે ફિલ્મની કોઈ વિગત નહીં આપી શકું પણ પિતાશ્રી સાથે મેં ચર્ચા કરી છે અને તેઓ વાર્તા લખી રહ્યા છે.’ આ જાહેરાતને હાજર રહેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
બાહુબલી ૩: એસ. એસ. રાજામૌલીની બંને બાહુબલી ફિલ્મ ટેક્નિકલી ભલે સાઉથની ફિલ્મ ગણાતી હોય, હિન્દી ફિલ્મ જોતા દર્શકોએ પણ એ બંને ફિલ્મ માણી છે અને એની ભવ્ય સફળતામાં નિમિત્ત બન્યા છે. હિન્દીમાં ડબ થયેલી આ ફિલ્મોએ નોંધપાત્ર કલેક્શન કર્યું હતું અને પ્રભાસ – અનુષ્કા શેટ્ટી દેશભરમાં જાણીતા થઈ ગયા. રાજામૌલી ‘બાહુબલી ૩’ ૨૦૨૪માં રિલીઝ કરે એવી ગણતરી છે. મળેલી માહિતી અનુસાર
આ ફિલ્મ સાઉથની ચાર ભાષા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ ઉપરાંત
અને હિન્દી અને ભોજપુરીમાં પણ ડબ થશે. કટપ્પાને બાહુબલી કો
કયું મારા જેવી કોઈ વ્યૂહરચના ત્રીજી ફિલ્મ માટે અપનાવાય છે કે કેમ એ જોવાનું રહે છે.
રાઝી ૨: આલિયા ભટ્ટને અભિનેત્રી તરીકે ઊંચે આસને બેસાડવામાં નિમિત્ત બનેલી ‘રાઝી’ની સિક્વલ બનાવવા મેઘના ગુલઝાર ઉત્સુક હોવાનું જાણવા મળ્યું છે. ‘રાઝી’માં આલિયા ભટ્ટના ટ્રેનરનો રોલ કરનાર ખાલિદ મીરએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જાસૂસ કથા ધરાવતી ફિલ્મની વાર્તા આગળ વધારવાનો સારો સ્કોપ હોય છે અને પહેલી ફિલ્મમાં આલિયાનું પાત્ર જીવંત રહ્યું હોવાથી સિક્વલની સંભાવના ઘણી છે. મેઘના એ દિશામાં વિચારી રહી છે અને કશુંક નક્કર થશે પછી જાહેરાત કરશે.
ક્રિશ ૪: રાકેશ રોશન ક્રિશની સિરીઝ આગળ ધપાવવા ઘણા સમયથી ઉત્સુક છે. ’બ્રહ્માસ્ત્ર’ની વિઝ્યુઅલ ઈફેક્ટ્સથી અત્યંત પ્રભાવિત થયેલા રાકેશ રોશન બહુ જલદી ‘ક્રિશ ૪’ શરૂ કરી દેશે એવું જાણવા મળ્યું છે. સિક્વલની સ્ટોરીને આખરી ઓપ આપવાની સાથે હોલિવૂડના ધોરણનું વીએફએક્સ ફિલ્મમાં દર્શકોને જોવા મળે એ રાકેશ રોશનની પ્રાથમિકતા છે.
દોસ્તાના ૨: કરણ જોહરની ‘દોસ્તાના’ (૨૦૦૮)માં અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમે ધમાલ મચાવી હતી અને ફિલ્મને સારી સફળતા મળી હતી. આ ફિલ્મની સિક્વલ બનશે એ વાત ઘણા સમયથી જાહેરાતથી આગળ જ વધતી નહોતી. જોકે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર કાર્તિક આર્યન સિક્વલમાંથી ખસી ગયા બાદ હવે અક્ષય કુમારને ચમકાવી કરણ સિક્વલનું નિર્માણ કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આ વર્ષે અક્ષય કુમારનો બોક્સ ઓફિસ રેકોર્ડ જોતા કરણ જોહર ફેરવિચાર કરે તો નવાઈ નહીં લાગે.
હેરાફેરી ૩: પહેલી બંને ફિલ્મ ‘હેરાફેરી’ અને
‘ફિર હેરાફેરી’ને ફાંકડી સફળતા મળી હતી. ત્રીજી ફિલ્મના ભણકારા ઘણા સમયથી વાગી રહ્યા છે. પહેલી બંને ફિલ્મમાં અક્ષય કુમાર હતો પણ ત્રીજી ફિલ્મમાં એ નહીં હોય એવા સમાચાર મીડિયામાં ઝળક્યા હતા. હવે અક્ષયના રોલ માટે કાર્તિક આર્યનને સાઈન કરવામાં આવ્યો છે. રાજુ, શ્યામ અને બાબુરાવની ત્રિપુટી ફરી ધમાલ મચાવી દર્શકોને ખડખડાટ હસાવે છે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે.
આ સિવાય સલમાનની ‘ટાઈગર ૩’ અને ‘કિક ૨’ આવશે અને સાઉથની ’પુષ્પા ૨’ અને ‘કેજીએફ ચેપ્ટર ૩’ પણ દર્શકોનું મનોરંજન કરશે એવી માન્યતા છે. ટૂંકમાં હવે દર્શકોની રુચિ સિક્વલ તરફ ઢળી હોય એવું તારણ નીકળ્યું છે.