મુંબઇ: અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ એન્ડ ટેક્નોલોજીસે ગયા વર્ષે રૂ. ૪૦૦ કરોડમાં એર વર્કસ હસ્તગત કરવા માટે સમજૂતી કરાર કર્યા હતા, પરંતુ આ સોદો હજુ સુધી પૂર્ણ થયો નથી અને તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે.
અદાણી ગ્રૂપ દ્વારા મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ કંપની એર વર્ક્સના પ્રસ્તાવિત સંપાદન સંબંધિત સોદો વિલંબિત થવાનું કારણ એ છે કે એર વર્કસની એક મોટી શેરહોલ્ડિંગ કંપની લિક્વિડેશનમાં ગઈ છે અને તેના કારણે ડીલ પૂર્ણ થવામાં સતત વિલંબ થઈ રહ્યો છે. પ્રસાર માધ્યમોના અહેવાલ અનુસાર એર વર્ક્સ અને અદાણી ગ્રૂપ વચ્ચેના એમઓયુ પહેલાથી જ બે વાર સમાપ્ત થઈ ચૂક્યા છે અને અંતિમ સમયમર્યાદા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ચોથા ત્રિમાસિક ગાળાની હતી.
અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીએ કુલ રૂ. ૪૦૦ કરોડમાં એર વર્ક્સને હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અદાણી ગ્રૂપ દ્વારા કંપનીના એક્વિઝિશન સાથે સંબંધિત સોદો હજુ પૂરો થવાનો બાકી છે કારણ કે એર વર્કસમાં ૨૩ ટકા હિસ્સો ધરાવતા પુંજ લોયડ ગ્રૂપ લિક્વિડેશનમાં ગયું છે.