વિપુલ વૈદ્ય
રાજ્યમાં ભાજપની સરકાર સત્તામાં આવતા જ નવી મુંબઇની વીજળી અદાણી જૂથને સોંપી દેવાની હિલચાલ શરૂ થઇ ગઇ છે. અદાણી જૂથ દ્વારા અત્યારે મુંબઇના ઉપનગરોમાં (ભાંડુપ-મુલુંડ)ને બાદ કરતા વીજળીનું વિતરણ કરવાના અધિકારો છે.
આધારભૂત સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ અદાણી જૂથ મુંબઇના ભાંડુપ-મુલુંડના ઉપનગરો ઉપરાંત થાણે, નવી મુંબઇ, રાયગઢના ખારઘર, તળોજા, પનવેલ, ઉરણ વગેરે વિસ્તારોમાં વીજ વિતરણના અધિકારો પોતાના હાથમાં લેવા માટેની તૈયારી કરી રહ્યું છે.
રાજ્ય વીજ નિયંત્રણ પંચ (એમઇઆરસી) સામાન્ય નાગરિકોનો વિરોધ ફગાવીને અદાણી જૂથની અરજીને મંજૂરી આપી દેશે એવું લાગી રહ્યું છે. અત્યારે આ બધા જ વિસ્તારોને મહારાષ્ટ્ર સરકારની કંપની મહાવિતરણ વીજ પુરવઠો કરી રહી છે.
અદાણી ઇલેક્ટ્રિસિટી નવી મુંબઇ લિમિટેડ નામથી અદાણી જૂથે એમઇઆરસી પાસે એક અરજી કરી છે, જેમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 14ની 6 નંબરની જોગવાઇને આધારે અદાણી જૂથને વીજ વિતરણના અધિકારો આપવાની માગણી કરવામાં આવી છે. પંચે અદાણી જૂથની અરજી 25મી નવેમ્બરે જ સ્વીકારી લીધી છે. હવે આના પર વાંધા-વિરોધ-સૂચનો મંગાવ્યા બાદ એમઇઆરસી અદાણીને અધિકારો આપવા કે નહીં તેનો નિર્ણય લેશે.
અદાણી જૂથ દ્વારા જે વિસ્તારોમાં વીજ વિતરણના અધિકારો માગવામાં આવ્યા છે તેમાં મુંબઇ મનપા, ઉરણ નગર પરિષદ, જેએનપીટી, મુંબઇ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એમઆઇડીસી વગેરેનો સમાવેશ થાય છે. પરવાનગી મળ્યા બાદ પાંચ લાખથી વધુ ગ્રાહકોને પાંચ વર્ષમાં વીજળી આપવાનું લક્ષ્યાંક અદાણી જૂથે રાખ્યું છે.