ગાંધીનગર: દેશભરમાં અદાણી ગ્રૂપનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ઉઠાવેલા પ્રશ્ર્નના ઉત્તરમાં સરકારના પ્રધાને જણાવ્યું હતું કે, અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રને ટેન્ડર વગર જ રૂ.૧૩.૯૮ કરોડનો કોન્ટ્રાકટ અપાયો છે અને ૨૦૨૧ અને ૨૦૨૨માં આ કેન્દ્રમાં એક પણ અનુસૂચિત જાતિના યુવાનને તાલીમ આપવામાં આવી નથી. અનુસૂચિત જાતિના યુવાનોને તાલીમ આપવા માટે ‘અદાણી કૌશલ્ય વિકાસ, અમદાવાદ’ને કોન્ટ્રાક્ટ અપાયો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં પ આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્ર્નના જવાબમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામકે માર્ચ ૨૦૧૯માં અનુસૂચિત જાતિના યુવાનોને તાલીમ આપવા માટે સંસ્થા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને ઑગસ્ટ ૨૦૧૯માં વર્ક ઓર્ડર જારી કર્યો હતો. કરાર મુજબ રાજ્ય સરકાર આ યુવાનોને તાલીમ આપવા માટે અદાણી કૌશલ્ય વિકાસને રૂ.૧૩.૯૮ કરોડ ચૂકવશે જેમાંથી છેલ્લાં બે વર્ષમાં રૂ.૭.૮૭ લાખ ચૂકવવામાં આવ્યા છે.
ટેન્ડર પ્રક્રિયા અનુસરવામાં આવી હતી કે કેમ તે અંગેના પૂરક પ્રશ્ર્નના જવાબમાં બાબરીયાએ નકાર કરતા કહ્યું હતું કે સંસ્થા દ્વારા ૨૦૨૧ અને ૨૦૨૨માં એક પણ અનુસૂચિત જાતિના યુવકને તાલીમ આપવામાં આવી ન હતી. દરમિયાન વેબસાઈટ મુજબ ‘અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ એક સેક્શન ૮ (કંપની અધિનિયમની) બિન-નફાકારક કંપની છે જે કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અદાણી ફાઉન્ડેશનની વેબસાઈટ મુજબ, સક્ષમ એ અદાણીનો કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટ છે જે કૌશલ્ય આધારિત તાલીમ આપીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે અને તે રીતે રોજગાર ક્ષમતામાં વધારો કરે છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (એએસડીસી) દ્વારા આ પ્રોજેક્ટ સરકારી સ્કિલ ઈન્ડિયા મિશનને અનુરૂપ કામ
કરે છે.