Homeઉત્સવઅદાણી એ ઈન્ડિયા નથી ભારતીય અર્થતંત્ર-બજાર મજબૂત અને વિશાળ!

અદાણી એ ઈન્ડિયા નથી ભારતીય અર્થતંત્ર-બજાર મજબૂત અને વિશાળ!

દેશમાં તાતા, બિરલા, અંબાણી સમાન ઘણાં નાનાં-મોટાં ગ્રુપ છે

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

અદાણી પ્રકરણને પરિણામે ભારતના અર્થતંત્રને વિપરિત અસર થવાની સંભાવના નથી, જયોર્જ સોરોસના નિવેદનને કારણે પણ ભારતમાં આવતા વિદેશી રોકાણ પ્રવાહને અસર થવાની શકયતા પણ નથી. ભારત વિશાળ દેશ છે, તેની પાસે વિકાસની અનેક સંભાવના છે. ફુગાવો એ સમસ્યા ખરી, કિંતુ તેનો અંત બહુ દૂર નથી, તેને કારણે ગ્રોથને તદન રોક લાગી જાય એવું પણ નથી. બીજીબાજુ અદાણી એક ઔધોગિક ગ્રુપ છે, ભારતમાં એક ઔધો.ગ્રુપ નબળું પડવાથી ભારતની મજબૂતી હલી જાય એવું નથી.
શું ભારત માટે હાલનો ફુગાવો એ બહુ મોટી અને ગંભીર સમસ્યા છે? શું ભારતીય અર્થતંત્ર પર અદાણી પ્રકરણની અસર છે? અથવા પડી શકે છે? તાજેતરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર જયોર્જ સોરોસે ભારતની લોકશાહી અંગે કરેલી ભારે ટીકાની વિદેશી રોકાણ પ્રવાહ પર અસર થઈ છે યા થશે? વિશ્વ સામે હાલ કઈ સૌથી મોટી યા ગંભીર સમસ્યા છે? આવા સવાલો હાલ આર્થિક જગતમાં મુખ્ય ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે આ સવાલોના જવાબો વિશે નિષ્ણાંતો-અનુભવીઓ શું માને છે, શું કહે છે તે જાણવા-સમજવાનો પ્રયાસ કરીએ.
આ વાત-વિષયની શરૂઆતમાં જ કહી દઈએ કે આ બધી ધારણાઓ અને માન્યતાઓ છે, હકીકતો જુદી બની શકે અથવા હોઈ શકે. જગત સમક્ષ ઘણાં નકારાત્મક કારણો-પરિબળો છે, પરંતુ ભારત આમાં કયાંક ચોકકસ બાબતે અપવાદ છે. તેથી ટેન્શનમાં આવ્યા વિના કે પેનિક થયા વિના આ વિષયની શરૂઆત કરીએ.
ડિજિટલનો ફાળો વધશે
સૌપ્રથમ ભારતના બેન્કિંગ જગતમાં ટોચનું અને વિશ્વસનીય નામ ગણાતા કે.વી. કામથ (આઈસીઆઈસીઆઈ વાળા) કહે છે, ફુગાવાની ચિંતા વધુ પડતી થઈ રહી છે, વાસ્તવમાં મોંઘવારીનાં આંક સાથે અર્થતંત્રના અન્ય નિર્દેશાંકો પણ જોવા જોઈએ. તેમાં ઘણી પ્રગતિ હોવાનું નોંધવું જોઈએ. અદાણી ગ્રુપની સમસ્યાને કારણે ભારતીય અર્થતંત્ર ખોરંભે ચઢી જાય એવું કંઈ નથી. તેમણે એક મહત્વની બાબત પ્રત્યે ધ્યાન દોરતા કહયું છે કે આગામી પાંચ વરસમાં ભારતમાં ડિજિટલનો ફાળો ૨૦થી ૨૫ ટકા જેટલો થઈ જશે. આ વિધાન ભારતમાં કેવી ડિજિટલ ક્રાંતિ થવાની છે તેનો સંકેત આપે છે. અદાણી ગ્રુપ બાબતે ચાલતી ચર્ચાના સંદર્ભમાં કામથનું કહેવું છે કે ભારત જેવા દેશને કોઈ એક ઔધોગિક ગ્રુપ નબળું પડવાથી બહુ મોટી અસર થાય એવું બને નહી. ભારતની ક્ષમતા ઘણી ઊંચી છે.
આપણા દેશનો ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ બહુ ઝડપ પકડશે અને તેમાં ખાનગી ક્ષેત્રનો ફાળો પણ નોંધપાત્ર રહેશે એમ જણાવતા તેમણે કહયું કે, ઈન્ફલેશન રેટ અને ઈન્ટરેસ્ટ રેટને અલગ રીતે જોવાનો સમય છે. આ બંનેને જુદા સંદર્ભે જોવાની જરૂર છે. દેશનો સ્થાનિક વિકાસ યોગ્ય પાટા પર દોડી રહયો છે, તે પાટાથી નીચે ઉતરે એવો નથી. માળખાંકીય વિકાસમાં રેલ, પોર્ટસ વગેરેની ભુમિકા મહત્વની રહેવાની છે. રિઝર્વ બેંક અને સરકાર છેલ્લા બે વરસથી સિચ્યુએશનને સારી રીતે મેનેજ કરી રહયા છે.
ઈન્ફલેશનનો ભય ખરો
જાણીતા અને આખા બોલા શેરબ્રોકર, એનાલિસ્ટ અને જીકવાન્ટ ઈન્વેસ્ટેકના સ્થાપક શંકર શર્મા તેમની સ્પષ્ટ શૈલીમાં જણાવે છે કે દેશ સામે ફુગાવો ધારણા કરતા વધુ સમસ્યા ઊભી કરી બેઠો છે. જોકે હવે રિઝર્વ બેંક તેની કડક નીતિને હળવી કરશે એવી આશા રાખી શકાય. ઊંચા વ્યાજદરની ડિમાંડ પર અસર જોવા મળે છે, તેમાં હવે રોક આવશ્યક જણાય છે. જો આરબીઆઈ આ વિષયમાં હળવી નીતિ અપનાવે તો એ માર્કેટ માટે સારું ટ્રિગર બની શકે. જોકે ગ્લોબલ લેવલે પણ હજી ઈન્ફલેશનનો ભય ઊભો છે. રશિયા -યુક્રેન યુધ્ધનો અંત નજીક દેખાતો નથી, જે ભાવોને ઊંચા રાખવામાં કારણ બની શકે છે.
ન્યુએજ કંપનીઓથી દૂર રહો
ન્યુએજ કંપનીઓ સામે કડક અને બેધડક નિવેદન કરતા શંકર શર્માનું કહેવું છે કે આવી કંપનીઓ વધુ પડતા ઊંચા ભાવે આઈપીઓ લાવી હતી, એ પછી તેનો ભાવ ઘટે તેનો અર્થ એ નથી કે તેનો ભાવ અગાઉ યોગ્ય હતો, એ ઓફર ભાવ જ ખોટા હતા અને બેવકુફ રોકાણકારો તેમાં ખોટી રીતે આકર્ષાઈને ફસાયા હતા. તેઓ માને છે કે જો તમારે પૈસાનો વેડફાટ કરવો જ હોય તો ન્યુએજ કંપનીઓ કરતા બીજા ઘણાં માર્ગ છે.
દેશમાં ઘણાં ઔધોગિક જૂથ
શું હિન્ડનબર્ગનો રિપોર્ટ અને જયોર્જ સોરોસના નિવેદનની ભારતીય આર્થિક વિકાસ યાત્રા પર અવળી કે નેગેટિવ અસર થઈ શકે છે? એવા સવાલના જવાબમાં શર્માજી સ્પષ્ટ કહે છે કે, આવું માનવું કે વિચારવું એ બહુ મોટી ભુલ છે. સૌથી પહેલાં તો હિન્ડનબર્ગ અને સોરોસની વાત જ જુદી-જુદી છે, તેને એક માનવાની કે સમાન દ્રષ્ટિએ જોવાય જ નહી. ભારતમાં એકમાત્ર અદાણી ગ્રુપ જ નથી કે તેના નબળાં પડવાથી ભારતનું અર્થતંત્ર નબળું પડી જાય, આપણે ત્યાં તાતા છે, બિરલા છે, અંબાણી છે, અનેક નાના-મોટા ગ્રુપ છે. ભારત જેવો મહાન દેશ અને વિશાળ માર્કેટ એકાદ ઔધોગિક ગ્રુપ આફતમાં આવવાથી નબળો પડી જાય એવું માનવું-વિચારવું તેને અન્યાય કરવા બરાબર છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ એ અદાણી ગ્રુપ માટેનો રિપોર્ટ છે, ભારત માટેનો નહી. અદાણી એ ઈન્ડિયા નથી. આ સમસ્યા માર્કેટની પણ સમસ્યા નથી. અદાણી ગ્રુપની સમસ્યા છે, જે તેનો સામનો કરશે.
ડાયરેકટ ઈકિવટી કરતાં મ્યુચ્યુઅલ ફંડ બહેતર
ભારત સામે કોઈ સમસ્યા હોય તો એ
ફિસ્કલ ડેફિસિટની ગણાય, સરકાર મુડીખર્ચ વધારીને વિકાસની ગાડીને તેજ બનાવવા પગલાં ભરી રહી છે. જોકે સામાન્ય રોકાણકારે ઈકિવટીમાં ૩૦-૪૦ ટકાથી વધુ રોકાણ કરવાનું ટાળવું જોઈએ, આમાં જોખમ ઊંચું રહેશે. જેથી સાવચેત રહેવું જોઈશે.
દરમ્યાન આઈએમએફના વડા અને વિશ્વ બેંકના ચીફ ભારતના વિકાસ માટે ઊંચો આશાવાદ ધરાવે છે. તેઓ આર્થિક સુધારા અને તેના લાંબાગાળાના પરિણામ માટે પણ આશાવાદી છે. બાકી વચ્ચેના સમયમાં આવતા અદાણી-હિન્ડનબર્ગ જેવા મુદા કે સોરોસ જેવા લોકોના નિવેદનથી ભારતની વિકાસ યાત્રા અટકી કે ભટકી જશે નહી. તેમછતાં માર્કેટમાં હાલ તો વોલેટિલિટી રહેવાની શકયતા ગણીને ચાલવું. જોખમ લેવાની ક્ષમતા ન ધરાવતા વર્ગે મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ પસંદ કરવો અથવા ફિક્સડ ઈન્કમનો માર્ગ અપનાવવો જોઈએ. હાલ બેંક એફડી પરના વળતર પણ વધ્યા છે. વર્તમાન સમયમાં બજારની વધઘટ અને અનિશ્રિંતતાને ધ્યાનમાં રાખતા મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ અને એસઆઈપી સમાન પ્લાન વધુ બહેતર રહેશે.
અદાણી ગ્રુપમાં વિશ્ર્વાસની વાપસી?
દરમ્યાન આ લખાય છે ત્યારે (બુધવારે) અદાણી ગ્રુપ વિશે પ્રાપ્ત અહેવાલ મુજબ આ ગ્રુપમાં કોઈ અનિયમિતતા મળી નથી, એવું એક ગ્લોબલ ન્યુઝ એજન્સીનું કહેવું છે. અદાણીના સ્ટોકસમાં આવેલી રિકવરી તેનું પરિણામ છે. વધુમાં અદાણી ગ્રુપે તાજેતરમાં વૈશ્વિક સ્તરે વિશ્વાસની પુન: પ્રાપ્તિ માટે એશિયામાં રોડશો પણ યોજયા છે, જેમાં તેમણે પોતે કેટલું કરજ ચુકવી દીધું છે અને કેટલું ચુકવી રહયા હોવાની માહિતી આપી નવો વિશ્વાસ સર્જવાનું કામ કરી રહયા છે. તેમણિ ઈકિવટી સામે લીધેલી લોનના પણ રિપેમેન્ટ કરાઈ રહયા હોવાની જાહેરાત કરાઈ છે, જેને પગલે બે દિવસમાં જ અદાણી સ્ટોકસમાં રિકવરી ટ્રેન્ડ દેખાયો છે. આને પરિણામે માર્કેટમાં સેન્ટીમેન્ટ પણ બદલાઈ રહયું હોવાનું ચર્ચામાં આવી ગયું હતું. બાકી તો આગળનો સમય કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -