(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર અને અદાણી વિલ્મરને ગુરૂવારથી નેશનલ સ્ટોક એક્સચેન્જના ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ મેઝર્સ (એએસએમ) ફ્રેમવર્ક હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. એક્સચેન્જ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, અદાણી ગ્રીન એનર્જી અને એનડીટીવી શેર એનએસઇના લાંબા ગાળાના એએસએમ ફ્રેમવર્કના સ્ટેજ-ટુ પર ખસેડવામાં આવશે.
અદાણી એન્ટરપ્રાઇઝિસને એક્સચેન્જના એએસએમમાંથી બાકાત રાખવાની જાહેરાત થયાના બે દિવસ બાદ આ અપડેટ આવ્યું છે. સર્વેલન્સ ફ્રેમવર્કમાં કંપનીઓના શેર ઉમેરવાનો નિર્ણય છેલ્લા કેટલાક સત્રોમાં શેરના ભાવમાં થયેલા ભારે ઉછાળાને પગલે લેવામાં આવ્યો છે.
યુએસ ફાઇનાન્શિયલ ફોરેન્સિક રિસર્ચ ફર્મ, હિંડનબર્ગ રિસર્ચના કથિત અહેવાલને પગલે અદાણી જૂથના શેરોમાં સર્જાયેલી તીવ્ર અસ્થિરતાને ઘટાડવા માટે ગયા મહિને, અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ અને અંબુજા સિમેન્ટને પણ ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ માપદંડ હેઠળ મૂકવામાં આવ્યા હતા. જો કે, બંને કંપનીઓને ૧૩ ફેબ્રુઆરીએ ફ્રેમવર્કમાંથી મુક્તિ આપવામાં આવી હતી.