મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ અને પશ્ચિમના ઉપનગર બાંદ્રા, ખાર રોડ અને સાંતાક્રૂઝ વગેરે વિસ્તારમાં દસમી મેના રાતના પાવરકાપને કારણે લાખો લોકોને હેરાનગતિ ભોગવવી પડી હતી. લોડશેડિંગને કારણે ઈલેક્ટ્રિસિટીઝ ડ્રિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (વીજ વીતરણ પ્રણાલી)માં ટેકનિકલ ખરાબીનું નિર્માણ થયું હતું. પરિણામે મુંબઈના વેસ્ટર્ન પરાના અનેક વિસ્તારોમાં લાઈટ વિના લાખો લોકોને હાલાકી પડી હતી. આ મુદ્દે અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે ગ્રાહકોને પડેલી મુશ્કેલી બદલ માફી માગી હતી.
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ સહિત સમગ્ર રાજ્યના તાપમાનમાં વધારો થયો છે, જેમાં અમુક શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે, ત્યારે આકરી ગરમીમાં લાઈટ વિના રહેવાનું સૌથી મોટી યાતનાસમાન છે, ત્યારે સંબંધિત કંપનીએ જવાબદારી લઈને આ પગલું ભરવાની બાબત આવકાર્ય છે, એમ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.
કંપનીના અહેવાલ અનુસાર કેબલમાં ખામીને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી, તેથી સમગ્ર વિસ્તારમાં વીજ વ્યવહાર ચાલુ કરવા માટે કર્મચારીઓને મહેનત કરવી પડી હતી. કેબલની ખરાબીને કારણે મોટાભાગના ગ્રાહકોને તકલીફ પડી હતી, જેમાં પાવરકટને કારણે સાંતાક્રુઝમાં ત્રણ કલાક સુધી ઈલેક્ટ્રિસિટી વિના હાલાકી પડી હતી. ગયા વર્ષે પણ એપ્રિલ મહિનામાં મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં થાણે, મુલુંડ, અંબરનાથ, બદલાપુર અને ડોંબિવલી વિસ્તારમાં પણ વીજવ્યવહાર ખંડિત થયો હતો, ત્યાર બાદ ધીમે ધીમે ઈલેક્ટ્રિસિટી ચાલુ થઈ હતી, પરંતુ નાગરિકોને ભારે હાલાકી પડી હતી.
સાંતાક્રુઝ સિવાય બાંદ્રા, ખાર, કુર્લા અને ચેમ્બુર વગેરે વિસ્તારમાં પણ અડધો કલાકથી કલાક સુધી વીજ-વ્યવહાર ખોટકાયો હતો. એના સિવાય વડાલા, સાયન અને ધારાવી સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજ વ્યવહાર ખોટકાયો હતો. ઉલ્લેખનીય છે કે મે, 2023માં મુંબઈમાં સૌથી વધુ વીજ વપરાશને કારણે એમએસઈડીસીએલને રાજ્યના અનેક વિસ્તારોમાં લોડ શેડિંગ કરવું પડ્યું હતું.