ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
કમલા કાંઈ નવી નવાઈનું નામ નથી. સાવ સાધારણ નામ છે. શોધવા નીકળો તો કંઈ કેટલીયે કમલા જડી આવે. પણ કમલા નામ સાથે નહેરુ અટક જોડાઈ જાય તો આ નામ આપોઆપ અસાધારણ બની જાય છે!
વાત છે કમલા નહેરુની. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની કમલાની. ભારતનાં એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનાં માતા કમલાની, પરંતુ માત્ર પત્ની અને માતા તરીકેની ઓળખ એ કમલાને અન્યાય કર્યો કહેવાશે. કમલાનું આગવું વ્યક્તિત્વ હતું. આગવી ઓળખ હતી. એ ઓળખ સ્વતંત્રતા સેનાની તરીકેની છે!
કમલા નહેરુ મહાન દેશભક્ત હતાં. સાહસી અને નીડર. ભારતના આઝાદી આંદોલનમાં કમલા નહેરુએ સૈનિક તરીકેની કામગીરી કરેલી. અસહયોગ આંદોલન, નમક સત્યાગ્રહ અને અન્ય કાર્યક્રમોમાં સહભાગી થઈને, જેલવાસ ભોગવીને કમલાએ આઝાદીના યજ્ઞમાં આહુતિ આપેલી.
આ કમલા નહેરુનો જન્મ દિલ્હીમાં રહેતા કાશ્મીરી કુટુંબમાં થયો. જન્મતારીખ ૧ ઑગસ્ટ ૧૮૯૯. પિતા જવાહરમલ કૌલ. માતા રાજપતિ કૌલ. ચાર સંતાનોમાં કમલા જયેષ્ઠ. તત્કાલીન સમયમાં ક્ધયાઓના પગ સામાજિક રીતરિવાજો અને કુરૂઢિઓની બેડીથી બંધાયેલા. એટલે કમલાનું શિક્ષણ ઘરે જ થયું. હિંદી ભાષા શીખ્યાં, પણ અંગ્રેજી કાળા અક્ષર ભેંસ સમાન.
કમલા સુંદર, સુશીલ અને સંસ્કારી હતાં. કમલાની તેર વર્ષની વયે એમને એક કાશ્મીરી પંડિતના ઘરે ભોજન સમારંભમાં મોતીલાલ નહેરુએ જોયા. મોતીલાલ અલાહાબાદના નામાંકિત વકીલ હતા. વૈભવશાળી. લખલૂટ સંપત્તિની ઝાકમઝાળ ધરાવતા. મોતીલાલ પોતાના એકના એક દીકરા જવાહર માટે ક્ધયારત્નની શોધમાં હતા. કમલાને જોતાંવેંત એમની ખોજનો અંત આવ્યો. કમલાને જવાહરની જીવનસંગિની બનાવવાનો નિર્ણય કર્યો.
દિલ્હીથી અલાહાબાદ પાછા ફર્યા બાદ એમણે જવાહરને લખ્યું: કમલાનો ચહેરામહોરો એટલો સુંદર છે કે બીજી કોઈ પણ ક્ધયા એની પાસે પાણી ભરે.વળી એ ખાસ્સી સમજદાર પણ છે. મોતીલાલ પોતાનો નિર્ણય પુત્ર પર ઠોકી બેસાડવામાં માનતા નહોતા. એમણે કમલાનું એક ચિત્ર પણ જવાહરને પાઠવ્યું. જવાહર ચિત્ર જોઇને પ્રસન્ન થયા. લગ્ન માટે સંમતિ આપી દીધી.
કમલા કૌલનાં લગ્ન લાખોમાં એક એવા જવાહરલાલ નહેરુ સાથે થયાં. જવાહર વેરે પરણીને કમલા અલાહાબાદ આવ્યાં. કમલા કોઈ ગરીબ પરિવારનાં નહોતાં, પણ ગર્ભશ્રીમંત નહેરુ પરિવાર સાથે પિયરની કોઈ તુલના નહોતી. અલાહાબાદના એક વિશાળ રસ્તાને કિનારે મોતીલાલ નહેરુનું આલીશાન મહાલય ‘આનંદ ભવન’ ગર્વભેર ઊભેલું. ભવ્યતા અને જાહોજલાલી માટે દૂર દૂર સુધી મશહૂર. નોકરચાકરોની ફોજ અને ખાણીપીણીની મહેફિલો. નહેરુ કુટુંબ અને કૌલ કુટુંબની રહેણીકરણીમાં જમીનઆસમાનનું અંતર હતું. ધરતી અને સૂર્ય વચ્ચે હોય એટલું.
મોતીલાલ નેહરુ આ બાબત નહોતા સમજતા એવું નહોતું. પણ કમલાની કોઠાસૂઝ પર એમને ભરોસો હતો. કમલા પર એમણે વિશ્ર્વાસ મૂક્યો. વિશ્ર્વાસે વહાણ ચાલી નીકળ્યું. બહુ ઓછા ગાળામાં કમલાએ પરિવારજનોના દિલમાં સ્થાન બનાવી લીધું. જવાહરલાલ નહેરુના હૃદયમાં પણ.
દરમિયાન, ૧૯૧૯-’૨૦ના અરસામાં ભારતીય રાજકારણમાં મહાત્મા ગાંધીનો ઉદય થયો. એમના નેતૃત્વમાં આઝાદીની લડાઈએ નવો વળાંક લીધો. આ વળાંક પર જવાહરનું જીવનવહેણ પણ બદલાયું. ગાંધીજીથી આકર્ષાયા. મોતીલાલ ગાંધીજીનું સન્માન કરતા હતા, પણ સાહ્યબીભર્યું જીવન જીવવા ટેવાયેલા જવાહર ગામડાંની ધૂળમાં કઈ રીતે રઝળશે એની ચિંતા પણ મોતીલાલને કોરી ખાતી. એથી જવાહરને ગાંધીમાર્ગે જવાની મંજૂરી આપતા નહોતા.
પિતાપુત્ર વચ્ચે ચણભણ થતી રહી. જવાહરને કમલાનો સાથ મળ્યો. કમલા મોતીલાલ સાથે કોઈ દલીલમાં ન ઊતર્યા. પણ જવાહરને જણાવ્યું કે પોતે ગાંધીમાર્ગનું સમર્થન કરે છે. કમલા પહેલેથી જ ગાંધીજી પ્રત્યે આકર્ષાયેલાં. મુખ્ય આકર્ષણ ગાંધીજીની સાદગીનું હતું. એ સાદગીમાં કોઈ દંભ, ડોળ કે દેખાડો નહોતો. પરિણામ એ આવ્યું કે જવાહરને ગાંધીમાર્ગે જતા રોકતા મોતીલાલ પણ એ જ રસ્તે ચાલી નીકળ્યા. એમાં મુખ્ય ફાળો કમલાનો હતો. આનંદ ભવનની સાહ્યબીનું સ્થાન સાદગીએ લઇ લીધું.
કમલા-જવાહર આઝાદી આંદોલનમાં જોડાયાં. પતિપત્ની સ્વતંત્રતા સંગ્રામનાં સાથી બન્યાં. જવાહરની સાથે કમલા ખભેખભો મિલાવીને સ્વરાજની લડતમાં ભાગ લેવા લાગ્યાં. આ ગાળામાં સવિનય કાનૂનભંગની ચળવળ થઇ. કાનૂનભંગ કરવો અને પોતાના બચાવમાં કાંઈ પણ કહ્યા વિના સરકાર જે સજા કરે એનો સ્વીકાર કરવો એવું નક્કી કરાયેલું. આ કાર્યક્રમને પગલે મોતીલાલ, જવાહરલાલ તથા ઉત્તર પ્રદેશના અગ્રીમ હરોળના નેતાઓની ધરપકડ કરાયેલી. સર્વોચ્ચ નેતાઓ જેલમાં હોવાથી અલાહાબાદમાં આંદોલનનું સુકાન કમલાને સોંપાયું.
સુકાની તરીકે આંદોલનની જવાબદારી કમલાએ સુપેરે પાર પાડી. બળબળતી બપોરે એ મહિલાઓની ટુકડી સાથે વિલાયતી વસ્ત્રો વેચતી દુકાનો સામે જઈને પિકેટિંગ કરતાં. ઘરઘરના પુરુષવર્ગને સમજાવ્યો કે બહેનો પિકેટિંગ કરે એમાં કાંઈ ખોટું નથી. આ રીતે રાષ્ટ્રીય લડતમાં જોડાવા બહેનોને ઘરમાંથી બહાર કાઢી.. પણ સારા કામમાં સો વિઘ્ન આવે એમ પિકેટિંગના કામમાં પણ અંતરાય ઊભાં થતાં. ક્યારેક કોઈ બહેન એક દિવસ પિકેટિંગમાં જોડાય તો બીજે દિવસે એ ઘરની બહાર ન નીકળે એ માટે પરિવારજનો મકાનનાં દ્વાર અંદરથી બંધ કરી દેતાં. કુટુંબીજનો એવું વિચારતાં કે સારા ઘરની સ્ત્રીઓ દુકાને જઈને ઊભી રહે તો લોકોમાં હાંસીપાત્ર બનશે. પણ
બહેનોને કમલામાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. એ લોકો ઘરના લોકોને સમજાવીને પિકેટિંગ માટે પહોંચી જ જતી. ધીરે ધીરે સહુને સમજાવા માંડ્યું કે પિકેટિંગ તો આઝાદીના રાષ્ટ્રીય યજ્ઞમાં અર્ઘ્યમાત્ર છે. એથી બહેનો પિકેટિંગ કરે એ સામેનો વિરોધ દૂર થઇ ગયો.
કમલાની આગેવાનીમાં બહેનોની ટુકડી પિકેટિંગ માટે નીકળે ત્યારે રમાકાંત અને કૃષ્ણકાંત માલવિયાએ કહ્યું, ‘તમે સહુ કતારબંધ ઊભી રહો. અમે સૌથી આગળ ઊભા રહીશું.’ કમલાએ સ્પષ્ટ નનૈયો ભણ્યો. કહ્યું, ‘અમને પુરુષોનું સંરક્ષણ જોઈતું નથી. તમે અમારી સાથે આવશો તો કંકાસ ઊભો થશે. દુકાનદારો વાત સમજશે નહીં. કામ બગડવાનો ભય રહેલો છે. અમે સ્ત્રીઓ એકલી ઊભી રહીશું તો વધુ પ્રભાવ પડશે.’ રમાકાંત અને કૃષ્ણકાંત કમલાની વાત સમજ્યા. એમણે પોતાનો આગ્રહ છોડી દીધો.
પિકેટિંગ કરતી બહેનો દુકાનની બહાર કતારમાં ઊભી રહી જતી. સૌથી આગળ કમલા. જે કોઈ વિલાયતી વસ્ત્રો ખરીદવા આવે તેને ખરીદી ન કરવા સમજાવતાં. ગ્રાહક પાછા ફરી જતા. ક્યારેક તો પિકેટિંગ કરતી બહેનો પહોંચે કે તરત દુકાનદારો જ દુકાન બંધ કરી દેતા. બહેનો પિકેટિંગનો જોમ જુસ્સો જળવાઈ રહે એ માટે દેશભક્તિના નારા લગાવતાં. ગીત પણ ગાતાં:
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમેં હૈ
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલમેં હૈ
પિકેટિંગનો પ્રયાસ અને પ્રયોગ સફળ થયા પછી કમલાએ આઝાદી આંદોલનમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી. નમક સત્યાગ્રહમાં ભાગ લીધો. એક વાર જવાહરલાલ નહેરુ અંગ્રેજો વિરુદ્ધ ભાષણ કરી રહેલા ત્યારે પોલીસે એમની ધરપકડ કરી. એ વખતે કમલાએ રોદણું ન રોયું. નીડરતાથી આગળ આવ્યાં અને ખુદ અધૂરું ભાષણ પૂરું કર્યું. સ્વરાજ કાજે કમલાએ જેલવાસ પણ ભોગવ્યો. દેશ ખાતર ફના થઇ જવાની એમની તૈયારી હતી. જોકે સ્વાસ્થ્યે સાથ ન આપ્યો. સ્વીત્ઝર્લેન્ડમાં ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬ના ક્ષયની બીમારીથી માત્ર સાડત્રીસ વર્ષની ઉંમરે એમનું નિધન થયું.
નાની વયે મૃત્યુ પામેલાં, પણ દેશ માટે મોટું કામ કરનાર કમલા, ભારતનાં એકમાત્ર એવાં મહિલા હતાં જેના પતિ જવાહરલાલ નહેરુ પણ વડા પ્રધાન બન્યા અને પુત્રી ઇન્દિરા ગાંધી પણ!