બોલીવૂડમાં જેમ અભિનેતાઓમાં કાંટે કી ટક્કર છે તેવી જ રીતે અભિનેત્રીઓમાં પણ કાંટે કી ટક્કર જોવા મળે છે. એમાં પણ આલિયા ભટ્ટ અને કંગના રણૌતની ફિલ્મો બોક્સ ઓફિસ પર તોફાન મચાવતી હોય છે.. જોકે હવે આ હરોળમાં વધુ એક નામ જોડાયું છે. કદાચ આ હરોળમાં નહીં પણ આ હરોળથી પણ આગળ આ અભિનેત્રીનું નામ લઇ શકાય જેણે કંગના અને આલિયા જેવી અભિનેત્રીઓને પાછળ ધકેલી એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ અભિનેત્રી બીજી કોઇ નહીં પણ The Kerala story ફેમ અદા શર્મા છે. The Kerala story ફિલ્મને કારણે અદા શર્મા હાલમાં ખૂબ ચર્ચામાં છે. રાતોરાત અદાની લોકપ્રિયતામાં વધારો થઇ ગયો છે. આ ફિલ્મમાં અદાએ નિભાવેલ પાત્ર અને તેના અભિનય પર પ્રેક્ષકોએ પ્રશંસાના ફૂલ વરસાવ્યા છે. ઉપરાંત આ ફિલ્મ બોલીવૂડની સૌથી વધુ ઓપનિંગ કરનાર મહિલા પ્રધાન ફિલ્મ છે.
આ ફિલ્મે કમાણીની બાબતમાં કંગના રણૌત, આલિયા ભટ્ટ અને વિદ્યા બાલન જેવી હિટ અભિનેત્રીઓની ફિલ્મોને પાછળ ધકેલી દીધી છે. 2018માં પ્રદર્શિત થયેલ શંશાક ઘોષ દિગ્દર્શિત કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા અભિનીત વિરે દી વેડિંગ ફિલ્મે બોક્સ ઓફિસ પર 81.31 કરોડ રુપિયાની કમાણી કરી હતી.
2019માં પ્રદર્શિત થયેલ કંગના રણૌત સ્ટારર મણિકર્ણિકા આ પિરિયડ ફિલ્મે બોક્સ ઓફિસ પર 92.19 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કંગના રણૌત સાથે ક્રિશ જગરલામુડીએ કર્યું હતું.
2018માં પ્રદર્શિત થયેલ આલિયા ભટ્ટની રાઝી ફિલ્મે બોક્સ ઓફિસ પર 123.84 કરોડની કમાણી કરી હતી. મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હતી.
2022માં રિલીઝ થયેલ આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઇ કાઠિયાવાડી આ ફિલ્મ અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનારી મહિલા પ્રધાન બોલીવૂડ ફિલ્મ છે. આ ફિલ્મે 129.10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. સુદિપ્તો સેન દિગ્દર્શિત The Kerala story ફિલ્મને રિલીઝ થઇને હાલમાં માત્ર 10 જ દિવસ થયા છે.
રિલીઝના 10માં દિવસે આ ફિલ્મે કુલ 135 કરોડની કમાણી કરી છે. સાથે સાથે અદા શર્મા પણ સૌથી વધુ કમાણી કરનારી બોલીવૂડ અભિનેત્રી બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 175 થી 200 કરોડની કમાણી કરવામાં સફળ થઇ શકે છે એમ બોલીવૂડ પંડીતો માને છે.