સાત વર્ષમાં સ્ક્રિપ્ટ તૈયાર કરી, ન્યૂ કમર્સને આપી સલાહ
પ્રથમેશ મહેતા
બોમન ઈરાની નામ સાંભળીએ અને આંખો સામે તરવરી ઉઠે એક જબરજસ્ત પર્સનાલિટીના માલિક અને એની સાથે સાથે જ પોતાના અભિનયથી દર્શકોને પોતાના કરી લેતું એક એવું વ્યક્તિત્ત્વ કે જેની નોંધ લીધા વિના આગળ વધી જ ના શકાય.
આજે અભિનયના ઓજસ પાથરીને નામ અને દામ બંને કમાનારા બોમન ઈરાનીની રિયલ લાઈફ પણ રીલ લાઈફની જેમ રોલર કોસ્ટર રાઈડ સમાન જ રહી છે.જન્મના છ મહિના પહેલાં પિતાનું મૃત્યુ થયું. માએ એકલા હાથે ચાર સંતાનોને પાળ્યાં. હવે નાના દીકરાનો જન્મ થયો તો મા કહેતી કે દીકરો મોટો થઈ નામ રોશન કરશે. જોકે તેની પાસે વિચારવાનો પણ સમય ન હતો. ઘરમાં ચિપ્સ બનાવી બેકરી ચલાવતી અને બાળકોને ભણવામાં પણ મદદ કરતી. દીકરો સ્કૂલે જવા લાગ્યો, પણ માર્ક્સ ઓછા આવતા હતા. માને ચિંતા થવા લાગી કે દીકરો શું કરશે. દીકરાએ ૧૭ વર્ષની ઉંમરે વેઈટરનો અભ્યાસ કર્યો ને વેઈટર બની ગયો. બે વર્ષ બાદ માની તબિયત બગડી એટલે દીકરાએ નોકરી છોડવી પડી. તેણે માને સંભાળી અને બેકરી પણ. તેના ઘણા શોખ હતા, જેમાં સૌથી વધારે થિયેટર અને ફોટોગ્રાફી.
દુકાન ચલાવવાની સાથે સાથે ફોટોગ્રાફી પણ કરવા લાગ્યો. બાર વર્ષ આમાં વીતી ગયાં અને જીવનના ૩૫ વર્ષ પૂરાં થઈ ગયાં. દરમિયાન થિયેટરમાં તેનું જબરજસ્ત કામ જોઈ ફિલ્મસર્જક વિધુ વિનોદ ચોપડાએ તેને ફિલ્મ માટે સાઈન કર્યો. તેને બે લાખનો ચેક આપ્યો અને ફિલ્મ માટે તૈયાર રહેવા કહ્યું. ફિલ્મ વિશે પૂછ્યું ત્યારે ચોપડાએ કહ્યું એ તો ખબર નથી, પરંતુ તે સમયે તું એમ ન કહે કે હું વ્યસ્ત છું અને મારી પાસે ડેટ નથી. આથી અત્યારથી જ સાઈન કરી રાખું છું. પછી શું છ મહિના બાદ ચોપડાનો ફોન આવ્યો કે તારી માટે ફિલ્મ તૈયાર છે…એ ફિલ્મ હતી મુન્નાભાઈ એમબીબીએસ. જી..હા..આ વાત છે મુન્નાભાઈ એમબીબીએસના મામૂ બોમન ઈરાનીની.
જેણે પોતાની કલાથી માત્ર દર્શકોના દિલ નથી જીત્યાં, પણ તેઓ આજે ટોચના અભિનેતાઓમાંના એક છે. તેમણે ઓટીટી ડેબ્યુ પણ કર્યુ છે અને વેબસિરીઝનું નામ છે માસૂમ. તેમણે એક ઈન્ટરવ્યુમાં તેમના જીવનની ગણી અંગત વાતો કહી છે.
પોતાના પહેલા ઓટીટી અનુભવ અંગે તેમણે જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન ક્યારેય નથી લાગ્યું કે આ ઓટીટી પ્લેટફોર્મ માટે છે. એ જ ફોક્સ એ રીતે જ કેરેક્ટર પર ધ્યાન આપવાનું હોય છે. અમને નથી ખબર હોતી કે આ ક્યાં જશે. અમે ઈચ્છીએ છીએ કે અમારું કામ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. મારું તો કામ જ એક્ટિંગ કરવાનું છે. પછી એ ગમે તે માધ્યમ માટે હોય. હા. એ ચોક્કસ કહીશ કે આજના જમાનામાં ઓટીટીનું એક નવું માધ્યમ મળ્યું છે તેની ખુશી છે. ફિલ્મમાં એક કલાકાર માટે વધુમાં વધુ ૧૧ સીનમાં કામ કરવાની મર્યાદા હોય છે જ્યારે ઓટીટી પર કલા બતાવવાનો વધારે સમય મળે છે. પોતે શરૂઆત કરવા માટે માસૂમ વેબસિરીઝની જ પસંદગી શા માટે કરી તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સ્ક્રિપ્ટ હાથમાં આવે ને ચાર-પાંચ પાના વાંચીએ એટલે ખબર પડી જાય કે કથા શું છે. મેં પટકથા વાંચી અને હું સમજી ગયો કે મારે આ કરવી જોઈએ. આ સિરીઝમાં મિર્ઝાપુર ફેઈમ ગુરુમિત પણ આમાં છે, જેને હું ઘણા સમયથી ઓળખું છું.
જોકે એમ નથી કે અન્ય કથાઓ જે આવી તે બધી ખરાબ હતી, પરંતુ અમુક સંજોગોને કારણે કામ થઈ શક્યું નહીં. બોમન સેટ પર ખૂબ નમ્ર અને મજાકીય હોય છે તેમ તેમના સાથી કલાકારો કહે છે ત્યારે આ વિશે બોમન કહે છે કે સેટ પર હું નોકરી કરવા આવું છું અને મારી સાથેના તમામ નોકરી કરવા આવે છે. મેકઅપ આર્ટિસ્ટ હોય કે ચા વાળો તમામ સાથે પ્રેમથી વાત કરવાનું મને ગમે છે. સેટ પર દોડભાગ હોય છે. ટીમવર્ક થવું જરૂરી છે. થિયેટરમાં પણ અમને આ જ શિખવાડવામાં આવ્યું છે.
વેઈટરની નોકરી તે બાદ બેકરીની દુકાન સંભાળી તે બાદ ફોટોગ્રાફી અને થિયેટર અને હવે સુપરસ્ટાર…કેવો રહ્યો પ્રવાસ. સ્વાભાવિક ઈરાની ભાવુક થઈને કહે છે. હું આ સમગ્ર જર્ની માટે સૌનો આભારી છું. જે લોકોએ મારા પર વિશ્ર્વાસ મૂક્યો તેમનો આભારી છું. લોકોએ મને ખૂબ સાથ આપ્યો. મેં એકલાએ કંઈ નથી કર્યું. ઈશ્ર્વરે મને થોડી પ્રતિભા આપી અને મેં તેનો ઉપયોગ કર્યો.
નવા અભિનેતાને પણ તેઓ આ જ સલાહ આપે છે કે તમે નક્કી કરો કે તમારે નેમ જોઈએ છે કે ફેમ. નેમ અને ફેમના ચક્કરમાં તમે કલા ભૂલી જશો તો ટકી નહીં શકો. તમે ભૂલી જાઓ કે તમારે કેમેરા સામે એક્ટિંગ કરવાની છે. તમે સુંદર હશો કે નહીં હોવ, કરવાની તો તમારે એક્ટિંગ જ છે. કલાકારી સાથે જ તમે ઈન્ડસ્ટ્રીમાં ટકી શકો છો.
પણ હા, ઈન્ડસ્ટ્રીમાં ફિટનેસ અને લુક્સ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો તમે ફિટ નહીં હોવ તો નહીં ચાલે. પણ કેમેરાની સામે આવો ત્યારે તમારે એક્ટિંગ જ કરવાની હોય છે, કારણ કે આ ક્રાફ્ટ જ તમને આગળ લઈ જાય છે. માત્ર ફિટનેસ અને લુક્સ પર ધ્યાન આપશો તો સમસ્યાઓ ઊભી થશે. થોડા દિવસો માટે સારું લાગશે, પરંતુ લાંબુ નહીં ચાલે.
ઈરાનીએ સોશિયલ મીડિયાના ઉપયોગને પણ યોગ્ય ગણાવ્યો હતો. જ્યાં મોકો મળે છે તેનો ઉપયોગ કરવો જોઈએ,. ઘણા લોકો પહેલા યુટ્યૂબર બને છે, પોતાની ચેનલ ખોલી નાના પાયે કામ કરે છે. પણ જો તમારા ફોલોઅર્સ વધી જતા તમે તમારી જાતને સ્ટાર માનવા માંડો તો તે ખોટું છે. દરેક માધ્યમથી શિખવું જરૂરી છે. સારી કલાકારી એક્ટિંગના તમામ ગુણ શિખવાથી જ આવે છે.
બોમનને અફસોસ છે કે ફોટોગ્રાફી પાછળથી છૂટી ગઈ છે. જોકે તે કહે છે કે હું ક્યારેક એક બે ફોટોગ્રાફ લઈ લઉં છું ને જમા કરતો રહું છું. કોશિશ કરી રહ્યો છું કે આગળ ચાલતા કોફી ટેબલ બુક બનાવી શકું. આજે એ કલા ક્યાંક ખોવાઈ ગઈ છે. મને ખરાબ લાગે છે, પરંતુ આજે જે કરી રહ્યો છું તેનાથી પણ સંતુષ્ટ છું. આજે હું એક્ટિંગ સ્ક્રીપ્ટ રાઈટિંગ કરું છું. આગળ જઈને ડિરેક્શન પણ કરીશ. મારી જે જે ઈચ્છાઓ હતી તે આ જિંદગીમાં જ હું પૂરી કરવા માગુ છું. સ્ક્રિપ્ટની વાત કરું તો મેં સાત વર્ષ પહેલાં સ્ક્રિપ્ટ લખી હતી. પણ મને એમાં ખામી દેખાય છે. તેનાથી મેં ઘણું શીખ્યું. હજુ શીખી રહ્યો છું. હાલમાં હું એ સ્ક્રિપ્ટ પર જ કામ કરી રહ્યો છું અને થોડા સમયમાં તે ફિલ્મને હું ડિરેક્ટ પણ કરીશ.
એક્ટર તરીકે તો બોમન ઈરાની સેંકડો દર્શકોના દિલો પર રાજ કરી જ રહ્યા છે, હવે જોવાની વાત એ છે કે ડિરેક્ટર બનીને તેઓ ઓડિયન્સને થિયેટર તરફ આકર્ષવામાં કેટલી હદે સફળ થાય છે. આપણે તો ભાઈ અત્યારે શુભેચ્છા પાઠવવા સિવાય બીજું કંઈ જ કરી શકીએ એમ નથી.