અભિનેત્રી જીયા ખાન આત્મહત્યાના કેસમાં આજે વિશેષ સીબીઆઇ ન્યાયાલયમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જીયાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો આક્ષેપ તેના બોયફ્રેન્ડ સુરજ પંચોલી પર લગાવવામાં આવ્યો હતો. આજે કોર્ટે આ કેસનો નિકાલ આપતા પુરાવાના અભાવે સુરજ પંચોલીને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જીયા ખાન આત્મહત્યા કેસમાં 20મી એપ્રિલના રોજ ન્યાયાધીશ એ. એસ. સૈયદની ખંડપીઠ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અંતિમ નિર્ણય રોકી રાખ્યો હતો. આ કેસમાં કોર્ટે આજે અંતિમ નિર્ણય જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દસ વર્ષ બાદ આ કેસમાં નિર્ણય આવ્યો છે અને કોર્ટે અભિનેતા સુરજ પંચોલીને તમામ આક્ષેપોમાં નિર્દોષ જાહેર કર્યો છે. પુરાવાના અભાવે સુરજ દોષી ન હોવાનું સાબિત થયું છે એમ વિશેષ સીબીઆઇ ન્યાયાલયે નિર્ણય આપતાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જીયા ખાનની માતા રાબિયા ખાને સુરજ પંચોલી પર અનેક આક્ષેપો કર્યાં હતાં. દીકરીને માનસિક અને શારીરિક તકલીફ ભોગવવી પડી હતી તેવો આક્ષેપ રાબિયા ખાને કર્યો હતો. રાબિયા ખાનના કહેવા મુજબ જીયાની આત્મહત્યા નહીં, પણ હત્યા કરવામાં આવી હતી. ત્રીજી જૂન 2013ના રોજ 25 વર્ષીય જીયાનો મૃતદેહ તેના જૂહુના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. રાબિયા ખાને સુરજ પંચોલીના વિરુદ્ધમાં મુંબઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. રાબિયા ખાનની ફરિયાદના આધારે મુંબઇ પોલીસે સુરજની ધરપકડ કરી હતી. ત્યાર બાદ 10 વર્ષ સુધી આ કેસમાં તપાસ ચાલી રહી હતી. દરમિયાન આ કેસમાં સીબીઆઇએ હસ્તક્ષેપ કર્યો. અને હવે એક દશક બાદ કોર્ટે આ કેસમાં નિકાલ જાહેર કરી સુરજ પંચોલીને તમામ આક્ષેપોમાંથી નિર્દોષ મુક્ત કર્યો હતો.