(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાના નિયમને ઘોળીને પી જતી કેટલીક શાળાઓ સામે પગલાં ભરવા માટે હાઇ કોર્ટમાં અરજી થઇ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈ કોર્ટે આકરું વલણ અખત્યાર કરતા નિર્દેશ આપ્યો હતો કે જે બોર્ડ ગુજરાતી ભાષા ભણાવવાનો ઈનકાર કરશે તેની સામે પગલાં લેવામાં આવશે.
હાઈ કોર્ટે સરકારને ટકોર કરી હતી કે ગુજરાતી ભાષા ફરજિયાત પણે ભણાવવાનો નિર્ણય સરકારનો જ છે. તેનો અમલ કરવામાં સરકાર લાચારી બતાવશે તો કોર્ટ હૂકમ કરશે. જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. આ અરજી પર હવે ૨૨મી ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી થશે. હાઈ કોર્ટે સુનાવણી દરમિયાન એવું પણ કહ્યું હતું કે માતૃભાષાનું ભણતર એ બાળકનો હક છે.
હાઈ કોર્ટની ટકોર બાદ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યની તમામ સ્કૂલોએ ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આ મામલે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે.
હાઈ કોર્ટમાં અરજદારે એવી રજૂઆત કરી હતી કે ૧૪ એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ છે. અરજદારે સરકારના તારીખ ૧૩.૪.૨૦૧૮ ના પરિપત્રનો સાચા અર્થમાં, શબ્દશ: અને સત્ત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહિ થઈ રહી હોવાની અરજદારની રજૂઆત હતી.
દરમિયાન હવે સરકાર તરફી રજૂઆત કે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે વધુ સુનાવણી આગામી ૨૨મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ રાજ્યમાં માતૃભાષા ગુજરાતીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રાગતિશીલ છે. જે અંગે અગાઉ ૮ મહાનગરોમાં શિક્ષણસંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓનાં નામના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જે મામલે સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરવામાં આવ્યો હતો.