કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR) નામની બિન-સરકારી સંસ્થા (NGO)નું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ રદ કર્યું છે. આ NGOનું કામ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રી યામિની ઐયર સંભાળે છે. લાઇસન્સ રદ થવાથી અને નિયમોના ઉલ્લેઘનની તપાસ થવાને કારણે મણિશંકર ઐયરની પુત્રીને માથે મુસીબત આવી છે. સરકારી સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારને યામિની ઐયરના એનજીઓમાં વિદેશથી મળેલા ફંડિંગના નિયમોના ઉલ્લંઘનની માહિતી મળી હતી. જે બાદ તેમના એનજીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે FCRA સંબંધિત નિયમોનું પાલન ન કરવાને કારણે CPRનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. યામિની ઐયરના એનજીઓ CPRને ઓક્ટોબર 2022 થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન , યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ અને ડ્યુક યુનિવર્સિટી પાસેથી રૂ. 10.1 કરોડની રકમ મળી હતી. આ રકમના સંબંધમાં ગૃહ મંત્રાલયે એનજીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સરકારને ઈનપુટ મળ્યા હતા કે સંસ્થાના વિદેશી ભંડોળમાં FCRA કાયદાના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. CPR પરની આ કાર્યવાહીને ગત વર્ષની આવકવેરા વિભાગની તપાસ સાથે પણ જોડવામાં આવી રહી છે. CPR દેશની જાણીતી થિંક ટેન્કમાં ગણવામાં આવે છે. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રી યામિની ઐયર તેના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને પ્રમુખ છે. દેશમાં NGOને FCRA કાયદા હેઠળ જ વિદેશમાંથી ફંડિંગ મળે છે. ગયા વર્ષે, સરકારે Oxfam નામની NGOનું FCRA લાયસન્સ પણ રદ કર્યું હતું. સપ્ટેમ્બર 2022માં, આવકવેરા વિભાગે CPR, Oxfam India અને Independent and Public Spirited Media Foundation (IPSMF)ની ઓફિસો પર સર્ચ હાથ ધર્યું હતું. આ પછી સરકારે Oxfam Indiaનું FCRA લાયસન્સ રદ કરી દીધું હતું. તેની પાછળનું કારણ એ આપવામાં આવ્યું હતું કે સંસ્થાએ તેની મુદત પૂરી થતાં લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરી ન હતી.
FCRA લાઇસન્સ શું છે?
1976માં ઈમરજન્સી દરમિયાન FCRA કાયદો ઘડવામાં આવ્યો હતો. સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે. આ અંતર્ગત એનજીઓને વિદેશી ફંડિંગ માટે લાઇસન્સ આપવામાં આવે છે. આ કાયદાનો હેતુ એનજીઓને મળતા વિદેશી ભંડોળ પર નજર રાખવાનો અને ભંડોળનો ઉપયોગ તે હેતુ માટે થઈ રહ્યો છે કે જેના માટે તે પ્રાપ્ત થયું છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનો છે
CPR શું છે?
CPR એ દિલ્હી સ્થિત થિંક ટેન્ક છે, જેની સ્થાપના 1973માં થઈ હતી. CPR ને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા માન્ય છે.