મુંબઈઃ પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર રવિવારે મોડી રાતના કારે ટ્રકની પાછળથી ટક્કર મારી હતી, જે અકસ્માતમાં ત્રણ જણનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર રવિવારે એક પરિવારના સાત સભ્ય કારથી મુંબઈથી વલસાડ જઈ રહ્યા હતા ત્યારે કાસા પોલીસ સ્ટેશનની હદમાં આ અકસ્માત થયો હતો. કાસા પોલીસ સ્ટેશનની હદના એક મંદિર નજીક લગભગ રવિવારે રાતના પોણા બાર વાગ્યાના સુમારે આ પરિવાર ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે કહ્યું હતું કે આ અકસ્માતમાં પિતા, પુત્ર અને એક બાળકીનું મોત થયું છે. મૃતકની ઓળખ નરોત્તમ રાઠોડ (65), તેમના પુત્ર કેતન રાઠોડ (32) અને બે વર્ષની બાળકી આરવી રાઠોડ તરીકે કરવામાં આવી છે. ઉપરાંત, આ અકસ્માતમાં ઈજાગ્રસ્તની પણ ઓળખ કરવામાં આવી છે, જેમાં દીપેશ રાઠોડ (35), તેજલ રાઠોડ (32) મધુ રાઠોડ અને અઢી વર્ષની દીકરી સ્નેહલ રાઠોડ કરી છે. અત્યાર સુધીમાં ઈજાગ્રસ્ત લોકોનું કોઈ નિવેદન નોંધવામાં આવ્યું નથી. અકસ્માતનો ભોગ બનેલ એક જ પરિવારનો છે અને નાલાસોપારાના રહેવાસી છે. તેઓ વેગનઆરથી ભિલાડ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સંતુલન ગુમાવવાને કારણે હાઈ-વે પર જતા ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે પરિવારમાંથી ત્રણ વ્યક્તિનાં મોત થયા હતા, જ્યારે અન્ય ચાર જણને ઈજા પહોંચી છે. ચારેયને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.