મુંબઈ: પશ્ચિમ રેલવેમાં આજે એસી લોકલમાં ટેક્નિકલ ખામીને કારણે સવારે પીક અવરમાં ટ્રેન સેવા પર અસર પડી હતી, તેનાથી નારાજ પ્રવાસીઓએ બાંદ્રા સ્ટેશન પર હંગામો કર્યો હતો. પશ્ચિમ રેલ્વેમાં બાંદ્રા રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓ દ્વારા એસી લોકલ રોકવામાં આવી હતી, તેથી મોર્નિંગ પીક્ અવરમાં ટ્રેન સેવા પર અસર થઈ હતી. ટ્રેનમાં એસી કામ કરતું ન હોવાથી મુસાફરોએ લોકલ રોકી દીધી હતી.
બાંદ્રા સ્ટેશનમાં પાંચેક મિનિટ સુધી રોકીને પ્રવાસીઓએ હંગામો કરીને રોજેરોજ વધતી બેદરકારી મુદ્દે પ્રશાસન વિરુદ્ધ નારાજગી વ્યકત કરી હતી. આજે સવારે ૭.૫૬ વાગ્યાની એસી લોકલ વિરારથી ચર્ચગેટ જવા રવાના થઈ હતી, પરંતુ ટ્રેનમાં ACની કામગીરી ન હોવાથી મુસાફરોએ બાંદ્રા સ્ટેશન પર લોકલનો દરવાજો બંધ થવા દીધો ન હતો. લગભગ પાંચેક મિનિટ સુધી ટ્રેન રોકી રાખવામાં આવી હતી તેથી એની પાછળની ટ્રેન સેવા પર અસર પડી હતી. મુસાફરોના હંગામા બાદ ટ્રેનમાં એસી ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ એસી લોકલ રવાના કરવામાં આવી હોવાનો એક પ્રવાસીએ દાવો કર્યો હતો.
આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે સવારે ૭.૫૬ વાગ્યાની વિરાર ચર્ચગેટ એસી લોકલ ટ્રેનમાં એસીમાં ખામી સર્જાઈ હતી, ત્યાર બાદ આ બનાવની જાણ થયા બાદ ટ્રેનને એટેન્ડ કરી હતી અને ભાયન્દર, મીરા રોડ, દહિસર, બોરીવલી અને બાંદ્રા વગેરે રેલવે સ્ટેશન પર ટ્રેનને એક્સ્ટ્રા હોલ્ટ આપીને રોકવામાં આવી હતી. અહીં એ જણાવવાનું કે એસી લોકલ ટ્રેનમાં AC યોગ્ય રીતે કામ કરતું ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ટ્રેનમાં એસી યોગ્ય રીતે કામ કરતું ન હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. બુધવારે આવી જ સમસ્યાથી કંટાળીને મુસાફરોએ લોકલ ટ્રેનને અટકાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.