હિમાચલ પ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે, ત્યારપછી નક્કી થશે કે આગામી સીએમ કોણ હશે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે અભિનેતા આયુષ શર્માના પિતા અનિલ શર્મા મંડી બેઠક પરથી જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાને આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે. આયુષ તેના પિતાની જીતથી ખૂબ જ ખુશ છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વીડિયો શેર કરીને પિતાની જીત પર પ્રતિક્રિયા આપી હતી. વીડિયોમાં લોકો શર્માની જીતની ઉજવણી કરતા અને બીજેપીના ઝંડા ફરકાવતા જોઈ શકાય છે.
અભિનેતા આયુષ શર્માના પિતા અને ભારતીય જનતા પાર્ટી ઉર્ફે ભાજપ નેતા અનિલ શર્મા એચપીના બીજા સૌથી મોટા જિલ્લા- મંડીના ઉમેદવારોમાંના એક હતા. મંડીમાં 10 વિધાનસભા મતવિસ્તાર છે. આયુષના પપ્પા અનિલ શર્માએ કોંગ્રેસના ચંપા ઠાકુરને 8,970 મતોથી હરાવીને મંડી ચૂંટણી જીતી છે.
અનિલ શર્મા દિવંગત રાજકારણી પંડિત સુખ રામના પુત્ર છે. તેમણે 1993માં કોંગ્રેસ સાથે રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ 1993, 2007 અને 2012 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે મંડીથી હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં જોડાયા. નોંધનીય છે કે, તેમણે 2017માં ફરીથી મંડીની બેઠક જીતી હતી.