આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
મોટા ભાગે સાથે જ બોલાતાં ચા અને કૉફી આ બે શબ્દો આમ તો વિરોધી પાર્ટીઓ છે. ચાના ચાહકો અને કૉફીનાં આશિકા વચ્ચે સોશ્યિલ મીડિયા પર છાસવારે છમકલાઓ થતાં આપણે સૌએ જોયાં છે. ચા-પ્રેમીઓ ચાને જ પૃથ્વી પરનું અમૃત માને છે અને કૉફીના પ્રેમીઓ કૉફીને. તટસ્થતાપૂર્વક વિચારીએ તો ચા-કૉફીના ચાહકવર્ગો માત્ર એ બન્નેનાં ગુણોને લીધે બન્યાં હોય એવું નથી લાગતું. બાળક મોટું થઈને ‘ચા-પક્ષ’નું સભ્ય થશે કે ‘કૉફી કંપની’ જોઈન કરશે એ બાબત વ્યક્તિનું વતન, જે તે રાજ્ય કે ગામની જીવનશૈલી, વ્યક્તિનાં પરિવારની પ્રણાલી, રીતરિવાજ, ખાનપાનની શૈલી, સોશિઓ-ઇકોનોમિકલ સ્ટેટસ,અંગત પસંદગી-નાપસંદગી વગેરે ઘણાંબધાં મુદ્દાઓ પર આધારિત છે. જો કે બધાં વ્યક્તિઓ ચા અથવા કૉફી પીતા જ હોય એવું પણ જરૂરી નથી પણ, ભારતીયો મહદંશે આ બેમાંથી એક કે બન્ને સાથે જોડાયેલાં જોવાં મળે છે. અરે, ત્યાં સુધી કે ચા અને કૉફીને ગામડાથી લઈને શહેર સુધી શિષ્ટાચાર કે પરોણાગતનાં એક ભાગ તરીકેનું બહુમાન અપાયેલું છે. મોટાં ભાગનાં કુટુંબોમાં ચા-કૉફીથી સવાર પડે છે, બપોર થાય છે, સાંજ ઢળે છે કે રાત જામે છે. પાન -ગુટખા -તમ્બાકુ કે સ્મોકિંગ સામે નાકનું ટીચકું ચડાવનારાં ઘણાં લોકો ચા-કૉફી પ્રત્યે ખૂબ જ ઉદાર વલણ ધરાવે છે. વ્યવહારમાં પણ મોટેભાગે ચા કૉફીને કૉઈ બેડ હેબિટ એટલે કે કુટેવ માનવામાં નથી આવતી.
અને આ જ વાતનો લાભ ઉઠાવીને ચા-કૉફીનો સ્વાદે સુંવાળો અજગર વ્યક્તિનાં ગળે ક્યારે ભરડો લઈ લે છે તેની વ્યક્તિને પોતાને જાણ નથી રહેતી. ચા -કૉફીનાં સ્ફૂર્તિદાયક ગુણની પાછળ છુપાયેલા અવગુણો ઝટ દઈને નજરે નથી ચડતાં. જ્યારે માણસોને નુકસાનકારક વ્યસનોનું લિસ્ટ બનાવવામાં આવે છે ત્યારે ઘણીવાર ચા-કૉફી તેમાંથી સિફતપૂર્વક છટકી જાય એવી શક્યતા રહે છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચા અને કૉફીને સોફ્ટ- એડિક્શન વિભાગમાં મૂકી શકાય.
ચા-કૉફીનાં ફાયદા અને નુકસાનમાં તેમની બનાવવાની પદ્ધતિ, ક્વોન્ટીટી અને ફ્રિકવન્સીનો મુખ્ય રોલ છે.
દેશ -કાળ-ઋતુ- વ્યવસાયનો પ્રકાર વગેરે બાબતોને ધ્યાનમાં લઈને દિવસમાં એક વાર કે વધીને બે વાર અને કપનાં માપમાં લેવાતાં ચા-કૉફી મોટાભાગનાં ભારતીયોને ઓકસાત્મ્ય થઈ ગયાં છે એટલે કે રહેતાં રહેતાં માફક આવી ગયાં છે.
ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓની એ ખાસિયત છે કે એ વિશ્ર્વની કોઈપણ રેસિપીને ગુજરાતી બીબામાં ઢાળી દે છે. કોઈપણ રેસિપી ગુજરાતમાં પ્રવેશે એટલે તેનાં રંગ-ઢંગ, સ્વાદ અને ગુણ-અવગુણ બદલાઈ જાય! ચા-કૉફી પણ તેમાંથી બાકાત નથી રહ્યાં. ઓરીજીનલ ચાનાં શોધક જો આજે ગુજરાતનાં મોટાભાગનાં ઘરોમાં પીવાતી ઘાટી રગડા જેવી કડક -મીઠી ચા જોવે તો કદાચ પીવાનું સાહસ ન કરે. ચાની ભૂકીનું વધુ પ્રમાણ, બનાવવામાં મેઈન ઇંગ્રેડિયન્ટ તરીકે પાણીનાં બદલે આખ્ખું
ફૂલફેટ વાળું ઘાટું રગડા જેવું દૂધ, ચાસણી બનાવવી હોય એટલી ખાંડ અને વાસણમાં ચોંટવા માંડે ત્યાં સુધી ઉકાળવાની રીત આ બધાં જ પરિબળો ચાને સોફ્ટમાંથી હાર્ડ એડિક્શનનાં વિભાગમાં ખેંચી જાય છે.
વ્યવહારમાં જોવામાં આવતાં હાઇપર એસીડીટી, ગેસ્ટ્રાઇટીસ, ગેસ્ટ્રો-ઇસોફેઝીયલ રિફલેક્સ ડિસીઝ (ૠઊછઉ) વગેરે રોગોમાં થતાં વિવિધ લક્ષણો જેવાં કે અરુચિ, ભૂખ ન લાગવી કે ઓછી લાગવી, જમ્યાં પછી પેટ ભારે થઈ જવું, ફૂલી જવું, ખાટાં -તીખા ઓડકાર કે ઘચરકા આવવાં, ભૂખ્યા પેટે કે જમ્યાં પછી પેટમાં દુખાવો થવો, પેટ સાફ ન આવવું વગેરેની વાત આવે ત્યારે પુરૂષોમાં મોટાંભાગે અનિયમિત જીવન અને આહારશૈલી, આઉટસાઈડ ફૂડ, જંકફૂડ, ફાસ્ટફૂડ, વધારે તીખો, તળેલો આહાર, તમાકુ, દારૂ વગેરે વ્યસનો મુખ્ય કારણ રૂપે હોઈ શકે છે. રોજબરોજની મેડિકલ પ્રેક્ટિસમાં એક આશ્ર્ચર્યજનક વાત એ જોવામાં આવી છે કે ભારતમાં સ્ત્રીઓમાં ઊપર જણાવેલા વ્યસનોનું અને બહારનાં તીખા -તળેલા ખોરાકનું પ્રમાણ પુરુષોની સાપેક્ષે ઓછું જોવાં મળે છે તેમ છતાં એસિડ-પેપ્ટિક ડિસીઝ ઘણીવાર પુરુષો કરતાં વધુ જોવાં મળે છે. આની પાછળનું મુખ્ય કારણ ચિંતા -ડિપ્રેશન અને ચા-કૉફી જેવાં ઝટ નજરે ન ચડે એવાં વ્યસન જવાબદાર હોઈ શકે છે.
અંતમાં, એટલું જ કે ચા-કૉફીને દોસ્ત રાખવા છે? કે દુશ્મન બનાવવા છે? આ બન્ને બાબત આપણાં હાથમાં જ છે અને આપણે આપણાં હિતેચ્છુ બનવું કે હિતશત્રુ એ પણ આપણે જ નક્કી કરવાનું છે. —
*સ્ટ્રેઈટ ડ્રાઈવ*
*ચા*
તું ’હા’ની વાત કર કે પછી ‘ના’ની વાત કર,
બન્ને હું સાંભળીશ ! પ્રથમ ચાની વાત કર !
– ડૉ.મનોજ જોશી ‘મન’
*કૉફી*
કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે,
તારા કડક સ્વભાવની કૉફી ન થઈ શકે !
– કુલદીપ કારિયા