આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એટલે કે સ્વાસ્થ્યનું સુખ પ્રથમ અને શ્રેષ્ઠ છે. એમાં પણ કોરોના કાળ પછી સામાન્ય લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ ખાસ્સી વધી છે જે ખરેખર પ્રશંસનીય છે.
વહેલા ઊઠવાથી લઈને યોગનાં ક્લાસીસ, જીમ, મોર્નિંગવોક,જાતજાતનાં સૂપ, સલાડ, વિવિધ પ્રકારની આહાર પદ્ધતિઓ, વજનને કાબૂમાં રાખવું, રોગપ્રતિકારક શક્તિ વધારનાર અનેક ઘરગથ્થુ નુસખાઓ, રોગ ન થાય. તેમ જ રોગ વધુ ન ફેલાય એ માટેની લેવાતી કાળજીઓ… આ બધું હવે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.
આ જ કટારમાં પહેલાં થઈ ગયેલ વાત મુજબ આયુર્વેદ એ માત્ર આરોગ્યનું નહીં પણ સમગ્ર જીવનનું વિજ્ઞાન છે. તેમાં રોગ મટાડવા કરતાં સ્વસ્થ રહેવાને પ્રાધાન્ય આપેલું છે. આચાર્ય ચરકે રસાયન ચિકિત્સા નામથી એક સંપૂર્ણ અધ્યાય આ માટે વર્ણવેલ છે. અહીં રસાયન અર્થાત સ્વસ્થ રોગ રહિત ગુણવત્તા યુક્ત જીવન પામવા માટેનું વિજ્ઞાન.
આજ અધ્યાયમાં આચાર રસાયન એટલે કે આચરણ દ્વારા પણ ઉત્તમ જીવન કેમ મેળવવું અને એ આચરણ દ્વારા આહાર, વ્યાયામ, અન્ય દવાઓ, સપ્લીમેન્ટ કે
વિવિધ આહાર પદ્ધતિઓનો સારામાં સારો લાભ કેમ મેળવવો એ માટેનાં સૂત્રો
આપેલા છે.
શરીરના સ્વાસ્થ્ય જેટલું જ મનનું સ્વાસ્થ્ય જરૂરી છે. વિવિધ માનસિક રોગો, અંત:સ્ત્રાવને લીધે થતાં હોર્મોનલ રોગો, મનોદૈહિક રોગો (સાયકો-સોમેટિક ડિસિસીઝ)ને નાથવા માટે આચાર રસાયન ઉત્તમ છે. આજથી સેંકડો વર્ષ પૂર્વે આચાર્ય ચરક એ સ્પષ્ટ લખેલું છે કે શરીરના તમામ રોગો મનને અનુસરે છે અને મનના તમામ રોગો શરીરને પ્રભાવિત કરે છે.આના પરથી માનસિક સ્વાસ્થ્ય કેટલું મહત્ત્વનું છે તે સ્પષ્ટ ખ્યાલ આવે છે.
‘રસાયન’ શબ્દની વ્યાખ્યા આપતા આચાર્ય લખે છે કે જે વૃદ્ધાવસ્થા અને રોગોનો નાશ કરે છે, વયસ્તંભન (અક્ષશિં અલશક્ષલ) છે, આંખને માટે ઉત્તમ છે, બૃહણ કરનાર અને વૃષ્ય છે તે રસાયન છે.
આવા ગુણ ધરાવનાર ઔષધ એ રસાયન ઔષધ કહેવાય છે રસાયન ચિકિત્સા એ આયુર્વેદના મુખ્ય આઠ અંગમાનું એક અંગ કહેલું છે.
આયુર્વેદની મહત્તાનો આ વાત ઉપરથી ખ્યાલ આવે છે કે તેમાં માત્ર રસાયન ગુણ ધરાવતા ઔષધોનું જ વર્ણન નથી, અમુક આચારો એટલે કે વ્યવહારમાં મૂકવા જેવી બાબતો જેને આપણે આચરણ તરીકે ઓળખીએ છીએ તેનો પણ રસાયન ચિકિત્સા તરીકે ઉલ્લેખ કરેલો છે અને તેને ‘આચાર રસાયન’ એવું નામ આપેલું છે.
આજે જ્યારે સમગ્ર જગત ૨૧મી સદીમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યું છે ત્યારે, કળિયુગનો પ્રભાવ હળાહળ વ્યાપ્યો છે ત્યારે, ઇીિિું, ૂજ્ઞિિુ અને ભીિિુનાં આ યુગમાં થાક, ચિંતા, તણાવ, હતાશા, નિરાશા, ઉન્માદ જેવા માનસિક રોગોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે અને માણસોનું મોરલ કેરેક્ટર (નૈતિકતા) રોજ રોજ ડાઉન થઈ રહ્યું છે એ સમયે આ આચાર રસાયન એક અલગ જ રાહ ચીંધીને જનસામાન્યને માત્ર આચરણમાં મુકવાની બાબતો દ્વારા સુખી,સ્વસ્થ અને દીર્ઘાયુ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
આચાર રસાયનમાં વર્ણીત મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
હંમેશાં સાચું બોલવું, ક્રોધ ન કરવો, મદ્યપાન તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવું, અતિ મૈથુનથી દૂર રહેવું, શારીરિક -માનસિક અને વાચિક હિંસા ન આચરવી, શરીરની શક્તિથી વધુ આયાસ(પરિશ્રમ) ન કરવો, મન સદૈવ શાંત રાખવું, બધાંને પ્રિય લાગે એવું બોલવું, શ્રદ્ધા અનુસાર જપ કરવા, શરીર ચોખ્ખું રાખવું તેમ જ વિચારોની પણ શુદ્ધિ કરતી રહેવી, ધીરજ અને મક્કમતા રાખવી, નિત્ય દાન કરવું (શક્તિ મુજબ ધન, જ્ઞાન કે શ્રમનું દાન કરવું), તપ કરવું અર્થાત કાર્ય અનુષ્ઠાનની કક્ષાએ કરવું, ક્રૂરતા ન રાખવી, જીવમાત્ર પ્રત્યે સદ્ભાવ અને કરુણા રાખવી, સૂવા અને જાગવામાં સમતા -નિયમિતતા રાખવી, રોજ યોગ્ય માત્રામાં ઘી -દૂધનું સેવન કરવું (પૌષ્ટિક, સમતોલ આહાર લેવો), કોઈપણ બાબતમાં સમય -સ્થળ અને પરિસ્થિતિનું ધ્યાન રાખીને તે મુજબ વાણી, વર્તન અને વ્યવહાર રાખવા, યુક્તિપૂર્વક વ્યવહાર રાખવો (સતર્ક રહેવું), અહંકાર ન રાખવો, આચરણ ચોખ્ખું અને ઉત્તમ રાખવું, સંકુચિત વિચારસરણી ન રાખવી, આધ્યાત્મિક માર્ગે તત્પર, અગ્રેસર રહેવું, ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, વૃદ્ધ અને અનુભવી લોકો સાથે બેસવું (તેમની સલાહ લેવી), આસ્તિક બની રહેવું અને દ્રઢ શ્રદ્ધા રાખવી, મન પર અંકુશ રાખવો, નિત્ય ઉત્તમ વાંચન કરવું…
ખરેખર આજનાં યુગમાં જો ઉપરનાંમાંથી શક્ય એટલાં નિયમોનું પાલન -આચરણ કરવામાં આવે તો વ્યક્તિગત અને સામૂહિક બન્ને રીતે શારીરિક અને માનસિક બન્ને સ્વાસ્થ્ય સુધરી શકે. એક સ્વસ્થ, નીતિયુક્ત, ઉત્તમ વ્યક્તિનું અને તે દ્વારા ઉત્તમ સમષ્ટિ(સમાજ)નું નિર્માણ થઈ શકે છે.. અને અલ્ટીમેટલી સમગ્ર સૃષ્ટિનું સુખ, સ્વાસ્થ્ય અને કલ્યાણ એ જ તો આપણી વેદવાણી છે… સર્વે ભવન્તુ સુખિન: સર્વે સંતુ નિરામયા….
—
*સ્ટ્રેઈટ ડ્રાઈવ*
ઘસીઘસીને ઘણાં સાફ તો કરેલાં છે,
છતાં વિચાર અમારાં હજુય મેલાં છે.
ભલેને અટપટાં સૌ દાખલાં છે સંબંધો !
અહમને બાદ કરો તો જવાબ સહેલાં છે.