Homeતરો તાજા‘ગેસ’: મુજે ઐસા વૈસાના સમઝો

‘ગેસ’: મુજે ઐસા વૈસાના સમઝો

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

આપણે સૌ અત્યારે એકવીસમી સદીમાંથી પસાર થઈ રહ્યા છીએ. પણ, સતત તણાવવાળી, અનિયમિત જીવનશૈલી અને ખોટી આહારશૈલીને લીધે મોટાભાગનાં લોકો માટે એકવીસમી સદી એક-વસમી સદી બની રહી છે.
ઉપરનાં જ બંને કારણોસર અત્યારનાં સમયમાં લોકોમાં તણાવ (સ્ટ્રેસ), ચિંતા(એંકઝાયટી), ડિપ્રેસન, હતાશા (ફ્રસ્ટ્રેશન), અનિન્દ્રા (ઇન્સોમ્નીઆ) વગેરે માનસિક રોગો અને તેની સાથે અભિન્નરૂપથી જોડાયેલાં ગેસ, એસીડીટી, અરુચિ, ભૂખ ન લાગવી, વધુ ભૂખ લાગવી, અપચો, કબજિયાત, ઝાડા વગેરે પાચનતંત્રનાં રોગો રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે એટલાં રાત્રે, અને રાત્રે ન વધે એટલાં દિવસે ! વધ્યે જ જાય છે. આવનારા દિવસોમાં સાઈકીયાટ્રી એ મેડિકલ સાયન્સની મુખ્ય બ્રાન્ચ બની રહે તો નવાઈ નહીં લાગે એ હદે આ વિકારો વકર્યા છે.
એમાં પણ ’ગેસ’ એવું લક્ષણ છે કે દુનિયામાં લગભગ કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેણે જિંદગીમાં એકાધિકવાર આ દર્દ અનુભવ્યું ન હોય.
મોટે ભાગે જમ્યાં પછી કે ભૂખ લાગે ત્યારે પેટ એકદમ ફૂલી જવું, ભારે લાગવું, ખાટાં-તીખા ઓડકાર આવવા કે ઓડકાર સાવ ન આવવા, અધોવાયુ વધુ પાસ થવો કે ન થવો, અસુખ થવું, ગભરામણ થવી વગેરે લક્ષણોને દર્દીઓ ગેસ તરીકે વર્ણવે છે.
મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ગેસ એ ખૂબ સંકુલ (કોમ્પ્લેક્સ) ફીનોમિના છે.
આમાશય/જઠરમાં થતો એસિડસ્રાવ વધવા જેવા સામાન્ય કારણથી લઈને હૃદયરોગનાં હુમલા સુધીનાં ગંભીર રોગો સુધી ગેસ એક લક્ષણ તરીકે મળી શકે છે.
રોજબરોજનાં જીવનમાં ગેસ એટલો બધો કોમન છે કે લગભગ પચાસ ટકા જેટલાં દર્દીઓતો તેમાં જાત અનુભવના, ઘરગથ્થુ ઉપચારો, ડોશી શાસ્ત્રનાં કે વાંચેલા -સાંભળેલા નુસખાઓ પોતાની રીતે જ કરતા હોય છે.
આવાં બધાં ઉપચારોમાં સોડા પીવા જેવાં આંતરિક પ્રયોગોથી લઈને ફૂલેલા પેટ પર હિંગ ગરમ કરીને લગાવવા જેવાં બાહ્ય ઉપચારો પણ ફ્રીકવન્ટલી જોવાં મળે છે.
આગળ કહ્યું તેમ ગેસ એ એવું લક્ષણ છે જે અનેક રોગોમાં કે રોગસમૂહ (સિન્ડ્રોમ)માં મળી શકે છે.એટલે તેનાં સાવ સામાન્યથી લઈને અતિ ગંભીર કારણો પણ હોઈ શકે છે. પણ, ગેસની અઘરી વૈજ્ઞાનિક વાતોને વલોવીને જો માખણ કાઢીએ તો ગેસ થવાંના મુખ્ય કારણમાં જઠરમાં લાંબા સમયસુધી પડ્યો રહેતો અપક્વ (પચ્યા વગરનો) આહાર ગણી શકાય.
આવી સ્થિતિ નીચેનાં અનેક કારણોને લઈને ઉત્પન્ન થઈ શકે છે. એટલે નીચેનાં બધાં કારણો ગેસનાં કારણો હોઈ શકે છે.
વધારે તેલ મસાલાવાળો અને પચવામાં ભારે ખોરાક
અપચો
એસીડીટી
ડાયાબિટીસ જેવા રોગોને લીધે કે કોઈ બીજાં કારણોસર આંતરડાની અને હોજરી ખાલી થવાની ક્રિયા ધીમી થવી.
હોજરી કે આંતરડાનું કોઈ સંક્રમણ (ઇન્ફેકશન)
ઝાડા -ઉલ્ટી જેવાં રોગોનાં ઘણાં દર્દીઓમાં મુખ્ય તકલીફની સાથે ગેસ એક લક્ષણ તરીકે જોવા મળી શકે છે.
હૃદયરોગના હુમલામાં પણ ઘણીવાર ગેસ, બળતરા અને ગભરામણ જેવાં સામાન્ય લક્ષણો જ જોવાં મળે છે.
મોટા ભાગના ગેસના પ્રશ્ર્નો ભારે ખોરાક વગેરે સામાન્ય કારણોને લઈને થતાં હોય છે અને તેનું નિરાકરણ પણ પ્રમાણમાં સરળ ઉપાયો દ્વારા થઈ જતું હોય છે. પણ, આજની ચર્ચાનો મુખ્ય હેતુ એક એવી બાબત તરફ ધ્યાન દોરવાનો છે કે જેનું ધ્યાન રાખવાથી દર્દીને મોટાં, ગંભીર નુકસાનમાંથી બચાવી શકાય છે. નીચેના સંજોગોમાં ભલે ગેસ સિવાય કોઈ તકલીફ ન લાગતી હોય તો પણ ક્યારેય હળવાશથી ન લેવું.
સિનિયર સિટીઝન એટલે કે મોટી ઉંમરનાં લોકોમાં વહેલી સવારે ૪ થી ૮-૯ વાગ્યા સુધીમાં થતાં ગેસ, એસીડીટી કે ગભરામણ. પરસેવો વળવો કે સમય વગર લેટ્રીન લાગવી.
ડાયાબિટીસનાં દર્દીઓમાં થતાં ગેસ, એસીડીટી કે ગભરામણ. આ ખૂબ મહત્ત્વનું છે. કેમ કે ડાયાબિટીસના રોગીઓમાં ડાયાબિટીસને લીધે ઘણીવાર હૃદયરોગનાં તમામ લક્ષણો જોવાં નથી મળતાં. બાકીનાં લક્ષણો માસ્ક થઈને ખાલી ગેસ કે પેટમાં ડિસ્કોમ્ફર્ટ જેવાં સામાન્ય લક્ષણો જ મળે છે. એથી એને ક્યારેય નિગલેક્ટ ન કરવાં.
ઊંઘમાંથી ઉઠાડી દે તેવો ગેસ કે બળતરા :- ખાસ કરીને પેટનાં એપિગેસ્ટ્રીક ભાગમાં કે છાતીના વચ્ચેનાં હાડકાની પાછળનું (રિટ્રો સ્ટર્નલ) ગેસ જેવું લાગતું ભારેપણું, ડલપેઇન કે બળતરા.
ટૂંકમાં મોટી ઉંમરનાં તમામ લોકોને અચાનક ખાસ કરીને જમવાના સમયની આજુબાજુ ન હોય તેવી, ન સમજાય તેવી (અન એક્સપ્લેઈન્ડ) ગેસની તકલીફ, કોઈપણ ઉંમરના લોકો કે જેને હૃદયરોગ, ડાયાબિટીસ, થાઈરોઈડ, કિડનીનાં રોગો, લીવરનાં રોગો વગેરે કો -મોર્બીડિટી હોય તેમણે પણ ગેસને ક્યારેય હળવાશથી ન લેવો.
ઉપરનાં ગંભીર કારણો સિવાયનાં લગભગ બધાં ગેસમાં નીચેનાં સૂચનો ઉપયોગી થશે.
જમવાનો અને સૂવાનો સમય નિયમિત જાળવી રાખવો.
દરરોજ લગભગ ૩૦ મિનિટ વોકિંગ, હળવી કસરતો, યોગ, ધ્યાન વગેરે તજજ્ઞનાં માર્ગદર્શન હેઠળ કરવા.
સાવ ભૂખ્યા પણ ન રહેવું અને એકદમ દબાવીને પણ ન જમવું.
ઘી, તેલ, ચિકાશ, તીખું, મસાલાવાળું, આઉટસાઈડ ફૂડ, જંકફૂડ, ફાસ્ટફૂડ ન લેવું
જમ્યાં પછી કમસે કમ દોઢ બે કલાક સુધી સૂવું નહીં.
ખાધા ઉપર ન ખાવું.
પાન, મસાલા, તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, ગુટકા વગેરે વ્યસનોથી દૂર રહેવું.
આ સામાન્ય નિયમોનું પાલન કરવાથી માત્ર ગેસ જ નહીં પણ ઘણાં બધાં પાચન સંબંધી રોગોથી બચી શકાય છે.
‘ચેતતા નર સદા સુખી’ એ ન્યાયે બધાં લોકોએ પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું હવેનાં સમયમાં ખૂબ જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -