Homeતરો તાજાઓરી (મીઝલ્સ) અને અછબડા (ચિકનપોક્સ)

ઓરી (મીઝલ્સ) અને અછબડા (ચિકનપોક્સ)

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

દર વર્ષે ઓછાવત્તા પ્રમાણમાં નાનાં બાળકોને ઓરી કે અછબડાનો તાવ આવે છે. ઓરી (મીઝલ્સ), અછબડા (ચિકનપોક્સ), નૂરબીબી (જર્મનમીઝલ્સ),વગેરે બધા વાઇરસથી થતા તાવ (જ્વર)નાં જુદા જુદા પ્રકારો છે. આવો જ એક વાઇરસજન્ય રોગ શીતળા (સ્મોલ પોક્સ) કે જે હવે નાબૂદ થઈ ગયો છે.
આ બધાના લક્ષણોમાં થોડીઘણી સામ્યતા જોવા મળે છે. આ બધામાં તાવની સાથે શરીર પર ફોલ્લી, ફોલ્લા, ચકામા કે ચાઠાં થાય છે. બધાંમાં ત્વચાનાં ફેરફાર દેખાવમાં જુદાં હોય છે પણ એ બધા જ વાઇરસથી થાય છે. મોટાભાગે આવા તાવમાં, તાવ આવ્યા પછી બેથી સાત દિવસમાં ચામડી પર જુદા જુદા રંગની ભિન્નભિન્ન આકૃતિવાળી ફોડલીઓ નીકળે છે. કોઈ વાર આ ફોડલીઓ એક એક છુટ્ટી છુટ્ટી નીકળે છે તો કોઈ વાર પાંચ સાત ફોડલીઓ એકદમ ઉપરા ઉપરી ગણાય એટલી નજીક નજીક થઈ આવે છે. ફોલ્લીઓ ચામડીના રંગની, ક્યારેક ગુલાબી કે રાતી ઝાંયવાળી અને સાવ નાનીથી માંડી સરસવના દાણા જેવડી હોય છે. આવી વિવિધ પ્રકારની ફોડલીઓના કારણે તે બધાને જુદા જુદા નામો અપાય છે. અછબડામાં આ ફોલ્લીઓ મોતીનાં દાણા જેવી અંદર પ્રવાહી ભરેલી હોય છે. અછબડામાં વ્યવહારમાં એક નિરીક્ષણ એવું પણ જોવામાં આવ્યું છે કે જેમ મોટી ઉંમરના વ્યક્તિને અછબડા થાય તેમ તેની તીવ્રતા વધુ જોવાં મળે છે.
પહેલાનાં સમયમાં જ્યારે વિજ્ઞાન વાઇરસ સુધી નહોતું પહોંચ્યું કે લોકો વિજ્ઞાન સુધી નહોતા પહોંચ્યા ત્યાં સુધી આ ગ્રુપનાં વાઇરસનાં રોગોને સમાજમાં ‘માતાજી નીકળ્યાં’ છે તેમ કહેવાતું.
આયુર્વેદમાં આ તમામનો જ્વર વિભાગમાં સમાવેશ કર્યો છે અને તેની ચિકિત્સા પણ દર્શાવી છે. કોઈપણ રોગને વહેમ ગણીને કાઢી ન નાખતા તેનું સાચું વાસ્તવિક સ્વરૂપ સમજી લેવામાં વધુ બુદ્ધિમતા છે. આયુર્વેદ એ આવા વાઇરસજન્ય રોગોની ગંભીરતા પારખી તેમની ઔષધીવ્યાપાશ્રય, દૈવવ્યાપાશ્રય અને યુક્તિવ્યાપાશ્રય એમ ત્રણ જાતની ચિકિત્સા દર્શાવી છે. ત્રણેય ચિકિત્સા પ્રણાલીનો અધિકાર ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં છે. કેટલાક રોગોમાં માત્ર ઔષધીનો સહારો લેવાથી રોગ નાબૂદ થાય છે. તો કેટલાકમાં દેવવ્યપાશ્રય ચિકિત્સાનો આશ્રય લેવો પડે છે. દૈવને કોઈ અગમ્ય, અકલ્પ્ય, વ્યક્તિ વિશેષ માનવાને બદલે કોઈ પ્રભાવશાળી તત્ત્વ (અલ્ટીમેટ પાવર ઓફ યુનિવર્સ) માને છે. જે રોગોની ચિકિત્સા અર્થે ઔષધીઓ પૂરી કામયાબ ન હોય ત્યાં આધ્યાત્મિક બળ દ્વારા થતી ચિકિત્સાનો આશ્રય લેવાય છે. આ પ્રકારની ચિકિત્સાથી મોટાભાગે મનોબળ મજબૂત બને છે અને તેથી રોગો સામે લડવાની શક્તિમાં ખૂબ વધારો થાય છે.
આયુર્વેદમાં આ રોગ ઋતુજન્ય પણ કહ્યો છે. એટલે કે ઋતુના કારણે પૃથ્વી પર, મનુષ્ય પર, પ્રાણીઓ પર થતી સૂર્ય-ચંદ્ર-વાયુની અસરો આ રોગની ઉત્પતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એવું કહેવાયું છે. વ્યવહારમાં પણ પ્રત્યેક વર્ષે નિશ્ર્ચિત ઋતુઓ દરમિયાન આવા રોગોનો ફેલાવો સાપેક્ષે વધુ થતો જોવાં મળે છે, એ કારણે દૃઢ અનુમાન બંધાય છે કે આ રોગ થવાના કારણોમાં ઋતુ અગત્યનો ભાગ ભજવતી હોઈ શકે.
પ્રત્યેક વર્ષે ઋતુ દરમ્યાન થતા ફેરફારો એકસરખા હોતા નથી એના કેટલાક અંશો દર વખત બદલાતા રહે છે એ કારણે આ રોગો પ્રત્યેક વર્ષે એક સરખા બળવાન હોતા નથી કોઈક વખત ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે તો કોઈક વખત બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે.
કોઈક વખત તે મરકી (એન્ડેમિક) સ્વરૂપમાં અત્યંત મારક બની જાય છે અને હજારો બાળકોનો ભોગ લઇ નાખે છે. તો કોઈ વાર તે સાવ અલ્પ પ્રમાણમાં કે માઈલ્ડ લક્ષણોયુક્ત હોય છે હંમેશા એક જ સ્વરૂપના હોતાં નથી.
ઓરી સામાન્ય રીતે નાનાં બાળકોને જ થાય છે. ઘરમાં મોટી ઉંમરના માણસોને મહદંશે થતા નથી. એક જ ઘરમાં રહેલ બે ત્રણ ઓરીના રોગી બાળકોની માતા તેના બાળકોને ભેગા સૂવડાવે, ભેગા ખવડાવે, માતાનું શરીર ઓરીવાળા બાળકોનું શરીર સતત સંપર્કમાં રહે, ઓઢવાનાં પાથરવાનાં કપડાં પણ કોમન જ વપરાતા હોય કે સાથે જ પડી રહેતાં હોવા છતાં તે માતા પિતાને, બાળકના મોટાભાઈ બહેનોને ચેપ ન લાગે અને દૂર દૂરના પડોશના કે છેક પરગામનાં બાળકને ઓરી નીકળે એ બાળક માંદો પડે એવું પણ જોવા મળી શકે.
આ આખી રમત શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પર આધાર રાખે છે. એમાં ચેપનું પ્રમાણ, વાઇરસની સંખ્યા અને શક્તિ વગેરે મુદ્દાઓ પણ મહત્ત્વનાં બની રહે છે.
લક્ષણો: શરૂઆતમાં રોગનું/ વાઇરસનું બળ ઓછું હોય ત્યારે લક્ષણોમાં ગ્લાનિ, બેચેની દેખાડે છે. જ્વરનાં કારણે સતત અણગમો, અરુચિ રહેતાં હોવાથી બાળક અકારણ રડ્યાં કરે છે અને ખાસ કરીને મોઢાની ચામડીનો રંગ બદલાતા બાળકનો ચહેરો ફિક્કો પ્રભાવહીન બની જાય છે. બાળકને મંદ જ્વર (માઈલ્ડ ફીવર)ની સાથે આટલા લક્ષણો થાય તો તુરંત શંકા થઈ જાય કે આ બાળકને કોઈ ઈરપ્ટિવ ફીવર આવશે. એ વખતે જો બાળકની સ્ટેમિના અને જનરલ કન્ડિશન એકદમ સારી હોય તો પેટ સાફ આવે તેવાં હળવા જુલાબનું મહત્ત્વ આયુર્વેદમાં દર્શાવેલું છે પણ, ઓરી નીકળી ગયા પછી એટલે કે શરીરમાં તાવ, નબળાઈ ચાર પાંચ દહાડા રહ્યા પછી કોઈપણ જાતનો જુલાબ આપવો હાનિકારક છે. સામાન્ય રીતે તાવની અસર શરીરના પ્રત્યેક અંગ પ્રત્યાંગ પર થાય છે. પણ ઓરી વગેરેમાં તેની અસર વિશેષ કરીને ચામડી પર જોવામાં આવે છે.
ઓરી બળવાન હોય, વાઇરલ લોડ વધુ હોય છે ત્યારે તે બાળક મોટાંભાગે પડ્યું રહે છે. આ સમય દરમિયાન તેને સમજાવીને, લલચાવીને કે કોઈપણ રીતે મનાવીને હળવો, સુપાચ્ય આહાર, તાજા ફળ, ફળનો રસ, દ્રાક્ષ-ધાણા -વરિયાળીનું શરબત, લીંબુ શરબત, ગોળનું પાણી, ઓ. આર. એસ. વગેરે આપતાં રહેવાથી વાઇરસ સામે લડવામાં મદદ મળે છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની શક્યતા ઘટાડી શકાય છે. વધુ ચેપ ધરાવતું બાળક લગભગ ચાર-પાંચ દિવસ તન્દ્રાની અવસ્થામાં જ પડી રહે છે. આંખો લાલ થઈ જાય છે આંખમાં ચીપડા આવવાંનું કે પાણી ઝરવાનું ચાલુ થઈ જાય છે. મુખમાં પણ પાક થઈ આવતા નાના નાના ચાંદા પડી જાય છે. મોઢું દુર્ગંધ મારે છે જે બાળકના શ્વાસમાં, મોઢામાં સમગ્ર શરીરમાં વિશેષ દુર્ગંધ મારે તેમ સમજવું કે રોગનું બળ વધુ છે. આ ઉપરાંત ખોરાકમાં અરુચી, મોઢાનું સોજી જવું, મોઢામાંથી લાળ પડવી વગેરે પણ થઈ શકે છે. સાથે જ અન્ય બેક્ટેરિઅલ ચેપ લાગતાં શરદી, ઉધરસ, ઝાડાં, ઊલટી વગેરે લક્ષણો પણ થઈ શકે છે.
ચિકિત્સા: કોઈપણ રોગમાં વિશેષ કરીને આવા કફજ રોગમાં અને આમજન્ય રોગમાં જઠરાગ્નિ સાવ મંદ પડી જાય છે. એ સમયે બાળક કુદરતી રીતે લંઘન કરે છે અથવા બહુ જ ઓછું ખાય છે.
મોસંબીનો રસ, ચા-કોફી -દૂધ અને અન્ય પ્રવાહી લલચાવી -ફોસલાવી આપતાં રહેવું જોઈએ. પૂરી માંદગી દરમિયાન ખૂબ ઉકાળીને રાખેલ કોકરવરણું સ્વચ્છ જળ તૃષા લાગે કે ન લાગે વધુ પ્રમાણમાં આપવું.
આગળ કહ્યું તેમ ધાણા વરિયાળી, સૂંઠ, નાગરમોથ, ઉશીર (વાળો) નાખી ઉકાળેલ પાણી થોડું થોડું આપવું.
બાળકને કોઈપણ રીતે શુદ્ધ હવાની જરૂર અવશ્ય છે. પણ સીધો વધુ પવન હિતકારક નથી, એટલે એના દેહ પર સીધો પવન ન આવે તેમ ખૂબ શાંતિવાળા, ઘોંઘાટ વગરનાં, બહારના માણસોની અવર જવર ઓછી હોય તેવાં ચોખ્ખા ઉજાસ વાળા સ્થળે બાળકને રાખવું.
સામાન્ય રીતે બાળક અગાઉના કોઈ વ્યાધિના કારણે નિર્બળ ન થઈ ગયું હોય અને ચેપ તીવ્ર ન હોય કે બીજા કોઈ કોમ્પ્લીકેશન્સ ન થાય તો ૧૦ થી ૧૨ દહાડામાં ઓરી આપોઆપ શમી જાય છે. પણ, વર્તમાનમાં અયોગ્ય જીવનશૈલીને લીધે બાળકને ઓરી, અછબડા કંઈ પણ નીકળે તો તરત બાળરોગ નિષ્ણાંતને મળી જરૂર પ્રમાણેની સારવાર ચાલુ કરી દેવી જોઈએ.
આધુનિક વિજ્ઞાન પાસે સિમ્પટોમેટિકથી માંડી એન્ટી વાઈરલ સુધીની ઘણી દવાઓ ઉપલબ્ધ છે.
અંતમાં, આ રોગો સાથે જોડાયેલી જુની માન્યતાઓ ત્યાગી સમયસર સારવાર લેવી જોઈએ. અને બાળકનાં જન્મ બાદ રસીકરણ અવશ્ય કરાવવું જોઈએ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -