આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
વર્તમાન લાઈફસ્ટાઈલને લીધે વધતું જતું વજન એ વધુ ચિંતાજનક મુદ્દો છે. પણ, જેમ વધુ વજન એ વિકૃતિ છે તે જ રીતે ઓછું વજન પણ વિકૃતિ હોઈ શકે છે. જો તમે વજન ઘટાડવા માટે કોઈ પ્રયત્ન ન કર્યાં હોય છતાં બે -ત્રણ મહિનામાં એની જાતે ૫-૭ કિલો જેટલું વજન ઘટે તો ચોક્કસ તબીબી અભિપ્રાય લેવો જોઈએ.
સમાજના અમુક વર્ગમાં નિયમિત વજન કરાવવાનું વર્તન જોવાં મળે છે. પણ, મોટાભાગનાં લોકો એટલા જાગૃત નથી કે શરીરનાં વજનને નિયમિત ચેક કરાવતાં હોય. એવા લોકોમાં જે તે વ્યક્તિને પોતાને વજન ઘટે તો કઈ રીતે ખયાલ આવે કે વજન ઓછું થઈ રહ્યું છે કે ઓછું થઈ ગયું છે. તેનો વિચાર કરતાં…
– કમરેથી પેન્ટ કે સ્કર્ટ ઢીલા થવાં લાગે.
– શર્ટનાં શોલ્ડર, કોલર કે બ્લાઉઝની બાંયો ખુલતી પડવા લાગે.
– ગાલ બેસી ગયેલાં લાગે.
– મળનાર વ્યક્તિઓ કહેવા લાગે કે કેમ દુબળા થઈ ગયા !
આ મુદ્દાઓ પરથી સાવધાન થઈ જવું જોઈએ.
વજનના ઘટાડા સાથે મળતાં બીજાં લક્ષણો પરથી ક્યા રોગ કે વિકૃતિ હોઈ શકે તેની પ્રાથમિક માહિતી મળી શકે છે. પણ, યાદ રહે કે આ લેખ માત્ર જાગૃતિ ફેલાય એ માટે જ છે… આવાં લક્ષણો હોય તો નિષ્ણાંતનું માર્ગદર્શન લેવું જ જોઈએ.
(૧) જો વજન ઘટવાની સાથે..
– વધુ વાર અને વધુ પ્રમાણમાં પેશાબ થવો,
– ખૂબ ખૂબ જ તરસ લાગવી,
– વધુ ભૂખ લાગવી
– અત્યંત થાક લાગવો,
– પેશાબની જગ્યાની આજુબાજુ ખંજવાળ આવવી કે વારંવાર દાદર થવી.
– હાથ પગનાં તળિયામાં બળતરાં, ઝણઝણાટી થવી કે ખાલી ચડવી.
– રાત્રે પેશાબ કરવાં વધુ વાર ઉઠવું પડે.
આમાંથી કોઈ લક્ષણો હોય તો આ ચિહ્નો ડાયાબિટીસનાં હોઈ શકે છે. ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિન નામનું તત્ત્વ ઘટી જાય છે. જેથી શરીર લોહીમાં ફરતા ગ્લુકોઝનો ઉપયોગ કરી શકતું નથી અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું જાય છે. લોહીમાં રહેલો વધુ પડતો ગ્લુકોઝ કિડની વાટે બહાર નીકળે છે. એટલે આ ગ્લુકોઝ શરીરમાંથી ઝડપથી બહાર કાઢવા માટે પેશાબનું પ્રમાણ વધે છે. જેથી વારંવાર પેશાબ જવું પડે છે. પેશાબમાં વધુ ગ્લુકોઝના હિસાબે બેક્ટેરિયા ખૂબ ઝડપથી વધી શકે છે અને પેશાબમાં પરૂ થવાનો રોગ પણ વારંવાર થઈ શકે છે. વધુ પેશાબ થવાના હિસાબે તરસ પણ ખૂબ જ લાગે છે. શરીર ગ્લુકોઝ વાપરી શકતું નથી એટલે અકારણ ખૂબ જ થાક લાગે છે. શરીર ગ્લુકોઝને બદલે ચરબી વાપરે છે જેથી ચરબી ઓગળી જતાં શરીરનું વજન ઘટે છે. સ્નાયુઓ પાતળા પડે છે. જ્ઞાનતંતુઓ નબળા પડવાને હિસાબે હાથ પગમાં ખાલી ચડે છે. શરીરમાં વારે ઘડીએ ચેપ લાગવાથી ગુમડાં થવા-પાકવું વગેરેનું પ્રમાણ વધે છે.
(૨) જો વજન ઘટવાની સાથે…
– વધુ પડતો પરસેવો,
– નબળાઈ,
– શરીરની ધ્રુજારી,
– અત્યંત થાક લાગવો
– આંખોના ડોળા મોટાં લાગવા વગેરેમાંથી કોઈ લક્ષણો હોય તો…
થાઇરોઈડ ગ્રંથિ વધુ કામ કરતી હોય એમ બની શકે છે. જેને હાઈપરથાઈરોડીઝમ કે થાઈરોટોક્સિકોસીસ કહે છે. જેમાં થાઇરોઇડ ગ્રંથિ વધુ પ્રમાણમાં થાયરોક્સિન હોર્મોન બનાવે છે. જેના લીધે શરીરની દરેક રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ (મેટાબોલીઝમ) વધી જાય છે જેની અસર શારીરિક અને માનસિક પરિસ્થિતિ ઉપર પડે છે. જેમ જેમ દર્દીની માનસિક પ્રક્રિયાઓ વેગ પકડે છે તેમ દર્દી વધુ નર્વસ ચીડિયા થતા જાય છે. જલ્દી થાકી જાય છે. દર્દી સારી રીતે સૂઈ શકતા નથી. રિલેક્સ થઈ શકતા નથી. આ ઉપરાંત હાથ પગની ધ્રુજારી ખાસ કરીને લખતી વખતે દેખાય છે.
શારીરિક રીતે અન્ય લોકોની સાપેક્ષે ઠંડી ઓછી લાગે છે. શિયાળામાં પણ પાતળા જ કપડાં પહેરે છે. પરસેવો વધુ થાય છે. હૃદયનાં ધબકારા ઝડપથી ચાલે છે. સાથે સાથે કોઈ વાર અનિયમિત પણ થાય છે. છાતીમાં ધક ધક ધબકારા થતાં અનુભવાય છે (પાલ્પિટેશન). આંતરડા વધુ ઝડપે કામ કરે છે માટે ઝાડા થઈ જાય છે. ઝડપથી થતી ચયાપચય પ્રક્રિયાઓ માટે વધુ શક્તિની જરૂર પડે છે. જેથી ભૂખ વધુ લાગે છે છતાં વજન ઘટતું જાય છે અને ખૂબ જ અશક્તિ લાગે છે.
આ રોગનાં ઘણાં લક્ષણો ચિંતા(એન્કઝાયટી),તણાવ (સ્ટ્રેસ) કે હતાશા (ડિપ્રેશન)થી થતાં લક્ષણો સાથે સામ્યતા ધરાવતાં હોવાંથી સાચાં નિદાન માટે ડૉક્ટરને મળવું જરૂરી છે. જે તમારો થાઇરોઈડ ટેસ્ટ કરાવશે અને જરૂર હશે તો થાઈરોઈડ સ્કેનિંગ પણ કરાવશે. જેથી થાઈરોઈડ ગ્રંથિ અને ગ્રંથિની પ્રક્રિયા વિશે સચોટ માહિતી મેળવી શકાય.
(૩) જો વજન ઘટવાની સાથે
– વારે ઘડીએ ઝાડા થઈ જતાં હોય,
– ઝાડો ચીકણો, વધુ પ્રમાણમાં અને ઝાંખા રંગનો થતો હોય તો…
ઉપર જણાવેલ માનસિક કારણો ઉપરાંત ખોરાકનું પાચન બરાબર ન થતું હોય એવું બની શકે છે. હોજરી(સ્ટમક), યકૃત (લીવર), સ્વાદુપિંડ (પેનક્રિયાઝ) અને નાનું આંતરડું (સ્મોલ ઇન્ટેસટાઈન) આ પાચન માટેનાં મુખ્ય અવયવ છે. આ અવયવોમાં કોઈપણ જાતની રચનાત્મક વિકૃતિ કે રાસાયણિક પરિવર્તનથી પાચનક્રિયા પર અસર થાય છે. જેથી પેટમાં તકલીફ રહેવી, ઝાડો ઢીલો, ઝાંખો, ચિકાશ વાળો, ખૂબ જ વાસ મારતો થાય છે. લાંબા સમયના અપચાને કારણે વજન ઘટવું, અશક્તિ લાગવી, શ્ર્વાસ ચડવો સાથે સાથે હિમોગ્લોબીન, વિટામિન અને ખનીજ તત્ત્વોની ઊણપ વગેરે તકલીફ થાય છે. આ રોગની શંકા હોય ત્યારે ડૉક્ટર પાસે જાઓ તમારું સંપૂર્ણ ચેકઅપ કરશે અને લોહી તથા ઝાડાનો ટેસ્ટ કરાવશે. જેથી લોહીમાં પ્રોટીન,ચરબી અને વિટામિન્સનું પ્રમાણ કેટલું છે તે નક્કી થાય. ઝાડામાં અપાચિત ચરબી વગેરે નથી એ પણ ખયાલ આવે.
(૪) જો વજન ઘટવાની સાથે…
– પેટનાં ઉપરના કે વચ્ચેનાં ભાગમાં જમવા સાથે સંબંધિત દુ:ખાવો રહેવો,
– ઝાડા કે મરડો થઈ જવો,
– ઝાડામાં લોહી કે રસી પડવા…
– હાડમાં તાવ રહેવો…
વગેરેમાંથી કોઈ લક્ષણો હોય તો હોજરી, નાના આંતરડા કે મોટા આંતરડાનો ચેપ, સોજો કે ચાંદું હોય શકે.
અલ્સર, સોજો કે ગાંઠ કઈ જગ્યાએ છે તે મુજબ જમ્યાં પછી તરત જ કે જમ્યાનાં અમુક નિશ્ર્ચિત સમય પછી પેટમાં બળતરા કે અંદરથી બટકા ભરતું હોય એવો તીવ્ર દુખાવો થાય છે. કોઈ વાર આ દુખાવો છાતીમાં પણ થાય છે. આવું લાંબા સમય સુધી ચાલુ રહેવાને લીધે દર્દી જમતાં ડરે છે કે પૂરું જમતો નથી. આથી ક્રમશ: ભૂખ ઘટે છે અને વજન ઘટે છે.
ચાંદું કે ગાંઠ સિવાય જૂનાં સોજા કે ચેપને લઈને પણ ઝાડા, મરડો જેવાં લક્ષણો થાય છે. અમીબીયાસીસ, કોલાઈટીસ, અલ્સરેટીવ કોલાઈટીસ, ઇરીટેબલ બોવલ સિન્ડ્રોમ વગેરે પણ આવા લક્ષણો ધરાવતાં રોગોમાં આવી શકે છે.
(૫) જો વજન ઘટવાની સાથે
– એક મહિનાથી વધુ ચાલેલો તાવ કે ઉધરસ,
– રાતના પરસેવો થવો,
– ગળફામાં લોહી પડવું,
– સાંજ પડ્યે તાવ આવવો કે વધુ પડતી નબળાઈ લાગવી.
– ભૂખ ન લાગવી
– છાતી, ખભા કે પડખામાં દુ:ખાવો રહેવો,
– શ્ર્વાસમાં તકલીફ…વગેરે
લક્ષણો હોય તો ટીબી માટે તપાસ કરાવવી જરૂરી બની જાય છે.
અહીં તો વજન ઘટવાનાં માત્ર મુખ્ય કારણોની જ ચર્ચા કરી છે. આ સિવાય ઘણાં ફિઝીઓલોજીકલ અને પેથોલોજીકલ કારણો વજન પર અસર કરી શકે છે. ‘ચેતતા નર સદા સુખી’ કહેવત મુજબ સતત જાગૃત રહેવાથી અને સમયસર તબીબી સલાહ લઈ લેવાથી ઘણીવાર ખૂબ મોટી આફતમાંથી બચી શકાય છે.
—
સ્ટ્રેઈટ ડ્રાઈવ
વજન ઘટતું રહે છે ! તો તરત જાગૃત થઈ જાઓ,
શરીર નબળું રહે છે ! તો તરત જાગૃત થઈ જાઓ.
વજન ઘટવાની સાથે કોઈપણ લક્ષણ નવું ક્યાંયે,
સતત મળતું રહે છે ! તો તરત જાગૃત થઈ જાઓ.