Homeતરો તાજાતન-મનને સ્વસ્થ રાખવા નવા વર્ષે અપનાવવા જેવી કેટલીક આદતો

તન-મનને સ્વસ્થ રાખવા નવા વર્ષે અપનાવવા જેવી કેટલીક આદતો

આરોગ્ય – રાજેશ યાજ્ઞિક

નવું વર્ષ શરૂ થઇ ગયું છે. વાચકોમાંથી ઘણા નવા વર્ષમાં પોતાના જીવનમાં કોઈ ને કોઈ પરિવર્તન આવે તેવી ઈચ્છા જરૂર રાખતા હશે. આખરે બહેતર જીવનનની ઈચ્છા કોને નથી હોતી? ઘર-પરિવારની જવાબદારીઓ, વ્યવસાય કે નોકરીના સ્પર્ધાત્મક વાતાવરણ કે વર્ક ફ્રોમ હોમ જેવી સ્થિતિમાં આજકાલ ઘણા લોકો કંટાળો, થાક, એકવિધતા વગેરનો સામનો કરી રહ્યા છે. આજે વાત કરવી છે કેટલીક નાની-નાની બાબતોની જેને જો તમે તમારી જીવનશૈલીમાં આદત તરીકે સામેલ કરો તો તેની તમારા ઉપર ઘણી સકારાત્મક અસર થશે અને તમારા રૂટિનમાંથી તમારા માટે બહુ જરૂરી એવો ફેરફાર લાવવામાં મદદ કરશે.
શરીરની સુખાકારી માટે તો ડાયટ, ખાન-પાનના સમયમાં પરિવર્તન, શું ખાવું અને શું નહીં જેવા પ્રયત્નો બધાં જ કરે છે. પણ ઘણી એવી સામાન્ય લગતી બાબતો તમારા મનની સુખાકારી માટે બહુ આવશ્યક છે. અને સ્વસ્થ મન આપણને સ્વસ્થ શરીર તરફ દોરી જાય છે. જેની અસર એકંદરે આપણા સુખ ઉપર પડે છે.
ચાલો, જાણીએ નવા વર્ષે કેળવવા જેવી કેટલીક નાની-નાની આદતો જે તમારા કંટાળા કે એકવિધતાનો ભંગ કરીને તમારી દિનચર્યામાં કે તમારા મનમાં નવી તાજગી ઉમેરી શકે.
દરરોજ વાંચન માટે સમય કાઢો
આપણે સહુ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તક કે વર્તમાન પત્ર હાથમાં લઈને વાચવાની આદત ઓછી થતી જાય છે. વાંચન માત્ર જાતની સંભાળ લેવાની રીત નથી, પણ તેનાથી લાંબે ગળે તમારું ન્યુરોલોજિકલ ફંક્શન સુધરે છે. તમે વાર્તાઓ વાંચો, આત્મકથાઓ કે જીવન ચરિત્રો, રોમેન્ટિક કે ફિલોસોફિકલ, જે કંઈ પણ વાંચશો તેના માટે તમારું શરીર અને મન તમારું આભારી રહેશે.
કોઈ નવો શોખ કેળવો
ઘણા લોકો પાસે રોજિંદુ કામ ન હોય ત્યારે શું કરવું? એ મસમોટો સવાલ હોય છે. પણ જીવનની એકવિધતામાંથી બહાર નીકળવું હોય તો કોઈ શોખ કેળવવો જોઈએ. કોઈ નવી ભાષા શીખવી, સિવણકામ, કોઈ નવી રમત, સેવા કાર્યમાં જોડાવું જેવું જે કંઈ તમને આકર્ષિત કરે એનો જીવનમાં ઉમેરો કરો. કોઈ નવો શોખ કેળવવાથી તમે પોતાના માટે સમય ફાળવવાનું શરુ કરશો. તેનાથી મગજના સ્નાયુઓને કસરત મળે છે, તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે છે, નવા લોકોને મળવાનો અવસર મળે છે અને તમારામાં સુખાકારી અને આત્મવિશ્ર્વાસનો સંચાર કરે છે. કંઈક નવું ન શીખી શકીએ એટલા વયસ્ક આપણે ક્યારેય નથી થતાં, ખરું ને?
નવા સંપર્કો કેળવો
અસામાજિક તત્ત્વોને જેલમાં ધકેલી દેવાય છે, કેમકે એકલતા રૂપ સજા તેમને મળે. લોકો સાથે સંપર્કમાં આવવાનો એક આનંદ હોય છે. આ કરવું પણ ઘણું સરળ હોય છે. આપણી વ્યસ્તતાભરી જિંદગીમાં સૌથી પહેલો ભોગ આ વાતનો જ લેવાય છે. આપણે આપણામાં એટલા લિપ્ત હોઈએ છીએ કે લોકોના સંપર્કમાં રહેવાનું ભુલાઈ જાય છે.
પ્રિય વ્યક્તિને એક ફોન કરી દેવો, જૂના મિત્રને પોતાના હાથે લખીને કાગળ મોકલવા, ઘણા સમયથી ન મળ્યા હોય તે મિત્રો સાથે કૉફી ગપશપ કરવી, જેવી સાવ સરળ બાબતોથી આ થઇ શકે છે. સંપર્ક રાખવાની આદતનો આપણે વધારે ઉપયોગ કરવાની જરૂર છે.
કોઈ સદ્કાર્ય કરો
ભગવાન બુદ્ધે ચાર ઉપદેશ આપ્યા, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. તેમાં કરુણાને જીવ માત્ર સાથેની મૈત્રી પછી બીજા નંબરે મૂકી છે. ધ્યાનમાં રાખો, દયા નહીં, પરંતુ કરુણા! કોઈના પ્રત્યે દયા દાખવવી તેને સજજનતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ અન્ય પ્રત્યે કરુણાશીલ બનવાથી આપણી અને તેમની, બંનેની ખુશીમાં વધારો થાય છે. ગમે તેટલું નાનું, પણ સદ્કાર્ય તમારા ફીલ ગુડ ફેકટરમાં વધારો કરે છે.
સાચા હૃદયથી કોઈની પ્રશંસા કરવી, તમારી પાછળ કોઈ આવતું હોય તો તેને માટે દરવાજો ખુલ્લો રાખવો, અથવા કોઈ અજનબીની કૉફીના પૈસા ચૂકવી દેવા જેવી નાનકડી બાબતો કરવાથી પણ તમારો દિવસ સુધરી જશે. વિજ્ઞાન અનુસાર નાણાકીય પુરસ્કાર મળવાથી મગજનો જે ભાગ સુખદ સ્પંદન અનુભવે છે, તે જ ભાગ વખાણ સાંભળવાથી પણ સુખદ સ્પંદન અનુભવે છે. નિયમિતપણે આવું કરવાથી તમારી સકારાત્મકતા ઊંચી રહેશે અને તમારે કારણે અન્યોના જીવનમાં પણ આનંદ ફેલાશે.
તમારું રૂટિન બદલો
મોનોટોની અર્થાત એકવિધતા આપણને આરામદાયક લાગે છે. માણસ એક જ રીતે ચાલતા જીવનથી ઘણીવાર ટેવાઈ ગયો હોય છે અને તેને પરિવર્તન ગમતું નથી. પણ આ જ એકવિધતા આપણામાં કંટાળો પણ પેદા કરે છે. મોટા ફેરફારો કરવાની જરૂર નથી. તમારી દિનચર્યામાં માત્ર નાના ફેરફારો કરવાથી મનને એવું વિચારવા પ્રેરિત કરી શકાય છે કે તમે સંપૂર્ણપણે કંઇક અલગ કરી રહ્યા છો. રોજિંદું કામ પણ અલગ રીતે કરી શકાય. જેમકે, બસ પકડવાને બદલે ચાલતા જવું, કોઈ અલગ જગ્યાએ બેસીને લંચ લેવું અથવા સવારે રોજના સમય કરતાં વહેલું ઊઠવું. વસ્તુઓ બદલવાથી વિવિધતા સર્જાય છે અને તમને વિવિધ અનુભવો અને તકો પણ મળે છે.
મૂડ ડાયરી રાખો
મૂડ ન હોવો કે ખરાબ થઇ જવો સાવ સામાન્ય લાગણી ગણાય છે. પણ તેની પાછળ કોઈ ગંભીર અસર પણ હોઈ શકે. આત્મનિરીક્ષણ કરવું અને દરરોજ તમારી લાગણીઓનું પૃથક્કરણ કરવું મહત્ત્વપૂર્ણ છે. જો તમારી લાગણીઓની નોંધ બનાવીને તમે તેની સાથે તાલમેલ બેસાડશો તો તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે.
રોજ ૧૦ થી ૨૦ મિનિટ ચાલો
ચાલવું આપણા નિત્યક્રમનો ભાગ હોવો જોઈએ. રોજ થોડો સમય કાઢીને ચાલવાનું અવશ્ય રાખો, વધુ નહીં તો દસ મિનિટ. ધીમે ધીમે સમય વધારતા જાઓ, અંતર વધારતા જાઓ અથવા વધુ ૧૦ મિનિટ ઉમેરો.
ખાસ કરીને બેઠાડુ વ્યવસાય કે નોકરી કરનારા માટે આ બહુ જરૂરી છે. તેનાથી તમારા મનોભાવમાં પણ સૂક્ષ્મ પરિવર્તન આવશે.
એક સમયે એક પરિવર્તન કરો
‘સબ કુછ બદલ દૂંગા’ વાળા ભાવથી બધું ઊંધુંચત્તું કરવાને બદલે એક સમયે એક વસ્તુમાં ફેરફાર ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરો અને તેને વળગી રહો. ઘણી બધી વસ્તુઓ કે પરિસ્થિતિઓમાં એક સાથે ફેરફાર કરવાનો પ્રયત્ન કરશો તો વધારે ગૂંચવણો ઊભી થશે અને પરિણામે તમે વધારે હતાશ થશો.
જો કોઈ એક આદત બદલવી હોય તો માત્ર તેના ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરો, અને તમને લાગે કે હવે બધું બરાબર છે, પછી બીજા તરફ ધ્યાન આપો.
ડિજિટલ ડીટોક્સ
આજના સમયમાં વધી ગયેલા સ્ક્રીન ટાઈમની હાનિકારક અસરો તમારી આંખો ઉપર થાય છે. તેની અસર તમારી દ્રષ્ટિથી લઈને તમારી ઊંઘ ઉપર પણ થાય છે. માટે રાત્રે પથારીમાં જતાં પહેલા ‘નો સ્ક્રીન’નો નિયમ નક્કી કરો. (ઓછામાં ઓછું એક કલાક પહેલા)
તમે ડિજિટલ માધ્યમો વડે જે વસ્તુઓ જુઓ કે સાંભળો છો તેની પણ તમારા ઉપર અસર થાય છે. અને ડીટોક્સ બધા પ્રકારનાં સાધનો માટે લાગુ કરો. પછી તે મોબાઈલ હોય, ટેલિવિઝન હોય, ટેબ્લેટ હોય, લેપટોપ હોય કે ગમે તે. તમારા માનસિક સ્વાસ્થ્યને તમારી પ્રાથમિકતા બનાવો.
સૌથી છેલ્લે પણ સૌથી મહત્ત્વની વાત આ જ છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટના તમારી માનસિક શાંતિનો ભંગ ન કરે તેને માટે સજાગ થઇ જાઓ. વિચલિત થઇ જવાય તેવા સમાચારો જોવા, અકળાવી નાખે તેવા લોકો, તમને અસ્વસ્થ કરી મૂકે તેવી વસ્તુઓ વગેરેથી શક્ય તેટલું દૂર રહો જેથી તમારા મન ઉપર તેની નકારાત્મક અસરો ન પડે.
નવા વર્ષને સાર્થક કરવું હોય તો આવી નાની નાની આદતો તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -