ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપની આંધીમાં કોંગ્રેસ અને AAP ધ્વસ્ત થઇ ગયા છે. સુરતમાં AAP સારો દેખાવ કરશે એવી પાર્ટીને અપેક્ષાઓ હતી પરંતુ સુરતની તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે. સુરતની 16 બેઠક પર ભાજપે જીત મેળવી છે.
સુરતની વરાછા વિધાનસભા બેઠક પર રસપ્રદ જંગ હતો. ભત્રીજા અલ્પેશ કથીરિયાને 17,746 મતોથી હરાવીને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીની જીત થઈ છે. ગત વખતે કુમાર કાનાણી 12 હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતાં. અલ્પેશે ખેલદીલી દાખવીને કુમાર કાનાણીને સામેથી મળીને આશિર્વાદ લીધા અને શુભકામના પાઠવી હતી. કતારગામ બેઠક પર AAPના પ્રદેશ અધ્યક્ષની ગોપાલ ઇટાલિયાની પણ હાર થઇ છે.
મોરબી જીલ્લાની બેઠકો પર ઝુલતા પૂલ દુર્ઘટનાની અસર થવાની શકયતા હતી. પરંતુ પરિણામ કંઇક અલગ જ આવ્યું છે મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો પર ભગવો લહેરાયો છે.
મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત થઇ છે. કાંતિલાલ અમૃતિયા 62,000 કરતાં વધુ મતની લીડ સાથે વિજેતા બન્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ છઠ્ઠી વખત ભાજપના ઉમેદવાર કાંતિભાઈ સામે હાર્યા છે.
મોરબીની ટંકારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાની હાર થઇ છે, ભાજપ ઉમેદવાર દુર્લભજી ડેથરીયાએ 10,000થી વધુ મતોએ જીત મેળવી છે.
વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વિધાનસભ્ય મહમ્મદ જાવેદ પીરઝાદાની હાર થઇ છે, ભાજપના જીતું સોમાણીએ જીત મેળવી છે.