આનન-ફાનન-પાર્થ દવે
શહેરમાં એક કપલ રહે. થોડા થોડા દિવસે વારાફરતી માંદાં પડે. ડૉક્ટરને બતાવે. રૂટિન લાઇફમાં ગોઠવાય. સ્વસ્થ થાય. ફરી થોડા દિવસે કંઈક શારીરિક પ્રશ્ર્નો થાય. યુવાને વતનમાં રહેતા તેના બાળપણના મિત્રને આ વાત કરી. મિત્રએ કહ્યું કે, તમે શહેરમાં એકલા રહો છો એટલે તો આ પ્રશ્ર્ન નથી થતો ને?!
મિત્રનું આમ કહેવા પાછળનું કારણ હતું. તે સંયુક્ત કુટુંબમાં મોટો થયો હતો. તે હસતાં હસતાં કહેતો, અમારા કુટુંબમાં કોઈએક વ્યક્તિ રજા લે, તો થોડા દિવસ ખાલી ખાલી લાગે. પણ ત્યાં જ કોઈ નવું જન્મે. એટલે સરભર થઈ જાય! ત્યાં ખાલી ખાલી ન લાગે. કોઈ ને કોઈ પ્રસંગ આવતા જ હોય. આ સંયુક્ત કુટુંબની મજા છે. ફાયદો છે. પ્લસ પોઇન્ટ છે.
પણ હવે ઘણા બધા કારણોસર કુટુંબ વિભક્ત થઈ રહ્યા છે. ઉપરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની અસર. તેના કારણે વ્યક્તિ એકલો જલદી થઈ જાય છે. શારીરિક અને માનસિક પ્રશ્ર્નો જલદી સામા આવે છે.
સંયુક્ત કુટુંબના ઘણા કંટાળા ને માથાકૂટ હશે, પણ અલ્ટિમેટલી એકમેકની હૂંફ ત્યાં જ મળે છે. પણ એ ત્યારે ખબર પડે જ્યારે તે છાપરું તૂટી જાય. દાદાનો આક્રોશ, બાનો બોલબોલ કર્યાનો સ્વભાવ, કાકાની કચકચ, કાકીનું રિસાવું, બહેન-ભાઈના ઝઘડા: આ બધું લુપ્તતાના આરે હોય તેવું લાગે છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં જાણીતા ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીનું સેશન હતું. રોહિત શેટ્ટીના પિતા એમ. બી. શેટ્ટી જાણીતા સ્ટન્ટમેન અને ઍક્શન કોરિયોગ્રાફર હતા. તેમનું અવસાન થયું ત્યારે રોહિતની ઉંમર માત્ર નવ વર્ષની હતી. આર્થિક પ્રશ્ર્નો ઘણા હતા. ઘર અને ગાડી પાછાં ખેંચાઈ ગયાં હતાં. તેમને મુંબઈમાં નબળા વિસ્તારમાં ઘર શિફ્ટ કરવું પડ્યું હતું. રોહિત શેટ્ટી, વીરુ દેવગણ પાસે જાય છે અને કામ માગે છે.. આ તો તેમના ભૂતકાળની વાત થઈ, જે વિશે રોહિત અત્યંત ઓછું બોલે છે. પણ તે સેશનમાં એક ટીનએજ છોકરીએ રોહિતને પૂછેલું કે, તમે નાના હતા, પપ્પા ગુજરી ગયા ત્યારે અને અત્યારે પણ શારીરિક અને મેઇન તો માનસિક રીતે ફિટ કઈ રીતે રહી શકો છો?
રોહિત શેટ્ટીએ આપેલો જવાબ યાદ રહી ગયો છે. તેમણે કહેલું કે, તમારો ટીનએજર્સનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એક તો સોશિયલ મીડિયા. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લાઇક અને કોમેન્ટ્સથી તમારા આનંદ નક્કી થાય છે. ફોટા ઉપર લાઇક ઓછી આવે તો તમારો દિવસ સારો નથી જતો. સતત સરખામણી કર્યા કરો છો. અને બીજું એ કે, તમને મોઢા પર નાનું એવું પિમ્પલ (ખીલ) થાય તો પણ તમે ગૂગલને પૂછો છો! અને ગૂગલ પિમ્પલનાં કારણોમાં સૌથી છેલ્લું કારણ કેન્સર આપે છે! દરેક બાબતમાં ગૂગલ પાસે જવાને બદલે ઘરમાં રહેતા દાદા કે દાદી પાસે જાઓ. તેમને પૂછો. તેઓ જે ઉપાય કહે (હળદર લગાવવાનું!) તે અજમાવો અને ભૂલી જાઓ!
રોહિત શેટ્ટીએ હસતાં હસતાં કહેલી આ વાત અત્યંત મહત્ત્વની છે. ‘યે તો પરિંદો કિ માસૂમિયત હૈ, વરના દુસરો કે ઘર અબ આતા જાતા કૌન હૈ’ આ શેર લખનારા જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને ફિલોસોફર ઝાકિર ખાનનો ઓટીટી પ્લેટફોર્મ ઉપર ‘તથાસ્તુ’ નામક શૉ રિલીઝ થયો છે.
શૉમાં કોમેડીની વચ્ચે ઈમોશન્સનો છંટકાવ છે. મૂળ તેમના દાદાજી ઉસ્તાદ મોઈનુદ્દીન ખાનને અર્પિત આ શૉમાં ઝાકિરની સુપરસ્ટાર કોમેડિયન બનવા સુધીની જર્ની દર્શાવાઈ છે. સંયુક્ત પરિવારમાં મોટા થવું, તેની અસર, દાદાજીનો તેના જીવનમાં પ્રભાવ: આ તમામ બાબતો હસતાં-હસતાં ઝાકિરે કહી છે.
તમારા બોલવામાં, ચાલવામાં, તમારા હાવભાવ અને વર્તણૂકમાં, તમે લીધેલા નિર્ણયોમાં અને તમે કરેલી ભૂલોમાં તમારા પપ્પા, દાદા, પરદાદા, પૂર્વજો હોય છે. તેઓ છે માટે તમે છો. તમે તેમના અંશ છો. તમે તમારા પપ્પાની, દાદાની કોપી છો. તમે તેમને નફરત કરતાં હો તો પણ તમે તેમના જ એક ભાગ છો. ભવિષ્યમાં એવું થશે કે વૃદ્ધોની વાતો સાંભળવાના ક્લાસિસ શરૂ થશે. બાની વાતું સાંભળવી એ એક થેરપી છે..