આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
મનુષ્યના વ્યક્તિત્વને નિખારવામાં વાળ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીઓની સાથે સાથે પુરુષો માટે સૌંદર્યનો પ્રથમ ધ્યાનપાત્ર ભાગ છે. માથાની ચામડી અને વાળસ્થિતિ પણ માનવ સમાજ પર વધુ માનસિક અસર કરે છે. સુંદર અને લાંબા વાળ કે આકર્ષક વાળ વ્યક્તિના આત્મવિશ્ર્વાસ અને આત્મ સન્માનને અસર કરે છે. સુંદર લાંબા ભરાવદાર કાળા આકર્ષક વાળ એ સારા સ્વાસ્થ્યની નિશાની છે. વાળ જલદી ખરવા કે અકાળે સફેદ થવા એ આજના આધુનિક સમયની મોટી સમસ્યા છે. આનું કારણ ખરાબ ખાન-પાન, ઘાતક રસાયણવાળા સાબુ-શેમ્પુ અને વાળને સીધા રાખવાની ટ્રીટમેન્ટ તેમ જ કલરવાળા વાળ કરવા તે છે. તેમાં મહત્ત્વનો ભાગ શેમ્પુ જે ખૂબ ઘાતક રસાયણથી બનેલા છે તેમ જ વાળ માટેની દવાઓ, અસ્વસ્થ આહાર, પર્યાવરણ પ્રદૂષિત છે, તે છે.
—
શેમ્પુમાં વપરાતા રસાયણ-
એમોનિયમ લૌરીલ સલ્ફેટ અથવા સોડિયમ લોરેથ સલ્ફેટ. આ રસાયણ સામાન્ય ઘટક તરીકે વપરાય છે. આ સફાઈ એજન્ટ છે. એટલું કઠોર છે કે વાળને નુકસાન પહોંચાડે છે. વાળને બરડ બનાવે છે અને સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોમાં એલર્જીની પ્રતિક્રિયાનું કારણ બને છે. વધુ ફીણ બનાવે છે. મ્યુટેજેનિક ગુણધર્મોને કારણે શરીર પર ઝેરી અસર થઈ શકે છે.
પેરાબેન્સ – આ એક પ્રીઝવવેટીવ છે. છાતીમાં કેન્સરના કોષોની વૃદ્ધિ કરે છે.
સોડિયમ ક્લોરાઈડ – એક નમક (મીઠું) છે. શેમ્પુને ઘાટું બનાવવા વપરાય છે જે ખોપરી ઉપરની ચામડી શુષ્ક (સૂકી) અને ખંજવાળ બનાવી શકે છે. વાળ ખરવાનું કારણ પણ સૂકી ખંજવાળ છે.
પોલીઈથિલિન ગ્લાયકોલ્સ – આ એક થીકનીંગ એજન્ટ છે જે
શેમ્પુને ઘાટું બનાવે છે. આ પેટ્રોલિયમ પદાર્થમાંથી બને છે. આ મનુષ્ય માટે સીધું જ હાનિકારક છે.
—
ડાયથેનોલામાઈન – ટ્રાયથેનોલામાઈન –
આ ઈમ્લસીફાય અને ફોમ એજન્ટો છે. પરીક્ષણો દરમ્યાન એવું જાણવા મળ્યું કે આ કેન્સર સેલની વૃદ્ધિ કરે છે.
ફોર્માલ્ડીહાઈડ – આ સૌથી ભયંકર રસાયણ છે. આ જાણીતું માનવ કાર્સિનોજેન (કેન્સર) કારક છે. ત્વચા દ્વારા શોષાય છે. પ્રીઝવવેટિવ તરીકે સીધું જ ઉમેરે છે.
આલ્કોહોલ (દારૂ) – આ શેમ્પુમાં નખાતું સામાન્ય ઘટક છે. આ આઈસોપ્રોપીલ આલ્કોહોલ અથવા પ્રોપાનોલ
છે. વાળ સૂકા થઈ જાય છે અથવા સૂકા વાળ માટે
હાનિકારક છે.
કૃત્રિમ સુગંધ – જેમાં હજારો છુપાયેલા રસાયણો હોય છે. પ્રજનન પ્રણાલીને વિક્ષેપિત કરે છે. કેન્સર, અસ્થમાનું કારણ બને છે. શરીરમાં સીધા જ પ્રવેશ કરે છે. ચામડીમાં બળતરા થાય. વાળ ખરે.
કૃત્રિમ રંગો – આ પેટ્રોલિયમ અથવા કોલ-ટાર (ડામર)ના સ્રોતોમાંથી બનાવામાં આવે છે. વિદેશમાં આ ગેરકાયદેસર છે. ઘણા રોગની કડીઓ છે તેમ જ
કેન્સરકારક છે.
ડાયમેથિકોન – આ સિલિકોનનો એક પ્રકાર છે. આ વાળને ચમકદાર રાખે છે એવી ભ્રમણા છે. વાળનું વજન ઓછું કરે છે એટલે કે વાળને નિર્જીવ બનાવે છે. આનાથી ત્વચામાં બળતરા અને વાળ ખરી જાય છે.
કોકેમડોપોપીલ બેટેઈન – કુદરતી અને કાર્બનિક હોવાનો દાવો કરતાં શેમ્પુમાં આ ક્રીમ તરીકે વપરાય છે. આ છેતરામણી છે. ત્વચામાં બળતરા, એલર્જી, રોસેસીઆ અને ખંજવાળનું કારણ બને છે.
ટ્રાઈક્લોસન – આ પર પ્રતિબંધ છે છતાં પણ વ્યંગાત્મક તરીકે હજુ પણ વપરાય છે. આ એક રાસાયણિક એન્ટીબેક્ટીરીયલ છે. હાર્મોનમાં વિક્ષેપ પેદા કરે છે. ગર્ભના વિકાસને અસર કરે છે.
રેટિનાઈલ પાલ્મિટેટ – આ રસાયણને કારણે ત્વચામાં બળતરા, છાલ, સ્કેલિગ લાલાશ અને ખંજવાળનું કારણ બને છે.
ઉપર જણાવેલ તમામ ઘટકોને સંપૂર્ણપણે ટાળવું અશક્ય છે, પરંતુ જાણકારી રાખી નિર્ણય લેવા માટે આપણે જ્ઞાનથી સજ્જ છીએ તે આપણા માટે સારું છે.
હાલમાં જ યુનીલીવરના સાબુ-શેમ્પુ કંપનીએ પાછા મંગાવ્યા કારણ પરીક્ષણોમાં જાણવા મળ્યું કે તેમાં વપરાતા કેમિકલ કેન્સરકારક છે.
પ્રાચીન સમયથી વાળની સંભાળમાં ઘણી બધી જડીબુટીઓ વાળને ધોવા માટે, સફાઈ અને વૃદ્ધિ માટે વપરાય છે આવી ઘણી જડીબુટીઓ હજુ પણ બજારમાં પ્રાકૃતિક રીતે મળે છે.
આમળાં, શિકાકઈ, અરીઠાનો ઉપયોગ કરી વાળને સુરક્ષિત રાખી શકાય છે. તેમ જ સ્વાસ્થ્ય પ્રદ ખોરાક વિના વાળને સુરક્ષિત રાખવા એ અશક્ય છે. બાકી બધા તો બહાના છે.
મોંઘાદાટ શેમ્પુ વાપરીને વાળનો સત્યાનાશ થાય છે. કંપનીઓ જાહેરાતો એવી લોભામણી આપે છે કે તેથી લોકો તેની તરફ આકર્ષાય છે. નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જાય છે અને ખરી જાય છે. જાગૃતતા જ આપણને બચાવી શકે છે.