આહારથી આરોગ્ય સુધી- ડૉ. હર્ષા છાડવા
દુનિયામાં વિચિત્ર જાતનાં સેંકડો ઝાડ કે વૃક્ષ છે. એની વિચિત્ર આકૃતિઓ જોઈને લાગે છે કે આ ખરેખર વૃક્ષ કે ઝાડ છે? જે કુદરતની કમાલ છે. આજે એક અનોખા, અપરિચિત અને માનવ માટે વરદાન રૂપ એવા ગોરખ આમલીના ઝાડ વિશે જાણીએ. જેના ઔષધિય ગુણો ઊંચા છે. ઘણા નામોથી ઓળખાય છે જેમ કે ગૌરમ લિછોરા, ગોરક્ષીવૃક્ષ મંકીબ્રેડ, બાઓબાબ, બુહિબાબ, બોતિલવૃક્ષ, પપરાપુલિયા અને વૈજ્ઞાનિક નામ એડન-સોનિયા-ડીજી-ટાટા છે.
આ વૃક્ષ અનોખા વૃક્ષ તરીકે પણ ઓળખાય છે, કારણ આની ઊંચાઈ એંસી મીટર અને પહોળાઈ પચીસ મીટર છે. આનું આયુષ્ય ખૂબ લાંબું છે. બારસો વર્ષ જૂનાં ઝાડો જોવા મળે છે. આ વૃક્ષમાં મોટા કૂવા જેવી બખોલ છે જેની અંદર લગભગ પીવાલાયક પાણી એક લાખ વીસ હજાર લીટરનો સંગ્રહ થઈ શકે છે. આવા વૃક્ષો આફ્રિકાના મેડાગાસ્કરમાં છે, જ્યાં પાણીનો સંગ્રહ પણ કરે છે. ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં આનાં ઝાડો છે. ત્યાં ‘ધ વર્લ્ડ ટ્રી’ પણ કહેવાય છે. આનો ઉપયોગ ત્યાં કૃપોષણથી પીડિત લોકો માટે વરદાન સાબિત થયો છે.
ભારતમાં આના ચારસોથી પાંચસો વર્ષના જૂનાં ઝાડો જોવા મળે છે. મધ્ય પ્રદેશ રાજ્યના માંડવગઢ ગામમાં આના ખૂબ જ ઝાડો છે. તે ‘માંડૂકી ઈમલી’ તરીકે પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં આના ઝાડો મુંબઈ સ્થિત મલાડમાં ચારસો વર્ષ જૂનાં ઝાડ છે. ગોરાઈ અને વસઈમાં આના વૃક્ષો છે તેમ જ ભાયખલાના પ્રાણી સંગ્રહાલયમાં આનું ઝાડ છે.
ગોરખ આમલી જે નાળિયેર જેવું ફળ છે આની અંદર સફેદરંગની આમલી બીજ સાથે છે. આ ઝાડ ઊગ્યા પછી વીસ વર્ષ રહીને આની પર સફેદ ફૂલ અને ફળ આવે છે. આના પાનનું ચૂર્ણ, છાલનો કાઢો અને ગુંદરનો ઉપયોગ થાય છે. અંદર આમલીના ઘણા રોગોમાં ઉપયોગ થાય છે. આને શીતફળ પણ કહેવાય છે. ગોરખ આમલીમાં ઘણા પોષક તત્ત્વો છે જેવા કે વિટામિન-સી અને બી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક, પોટિશિયમ, સોડિયમ, આયરન અને ડાયટરી ફાઈબર છે. હિમોગ્લોબીન વધારવાનો ભરપૂર સ્ત્રોત છે.
ગોરખ આમલીમાં ટેરપેનોઈડ્સ, ફ્લેવોનોઈડ્સ, ફાઈટોસ્ટેરોઈડ્સ, અમીનો ઍસિડ, વિટામિન અને લાભકારી કાબોહાઈડ્રેટ હોય છે. આની અંદર હાજર એન્ટી ઓક્સિડેન્ટ એ એક પ્રભાવી હેપેટોપ્રોેટેક્ટેટ બનાવે છે, જે લીવરને નુકસાનથી બચાવે છે. ફાઈટો કેમિકલ્સ શરીરના નુકસાન આપતા મુક્તકણોને નષ્ટ કરે છે અને માનવ જિગરને સોજાથી બચાવે છે.
ઉચ્ચ ફાઈબર અને પોલીફેનોલ સામગ્રી એની અંદર હોવાથી તે શરીરને તૃપ્ત કરે છે. પાચનક્રિયાને સતેજ બનાવે છે. ભૂખને નિયંત્રિત કરે છે. વજન ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ છે. રક્ત શર્કરાને નિયંત્રિત કરે છે માટે ડાયાબિટીસવાળા દર્દીએ આનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.
વિટામિન-ઈ (ટોકાફેરોલ્સ) અને ટેરપેનોઈડ્સ આના બીજના તેલમાં હોય છે. આ તેલ સમુદ્ધ-મોઈશ્ર્ચરાઈઝ છે. ત્વચાને સુંદર બનાવે છે. ત્વચાની ઉંમર વધારી દે છે સ્ટ્રેચમાર્કસ, દાગ, ધબ્બા, કરચલીઓ દૂર કરે છે.
ગોરખ આમલી એ પ્રોબાયોટીક જે જટિલ સ્ટાર્ચ, લિપિડ (વસા) અને પ્રોટીનના પાચનમાં મદદગાર છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોશિકાને રક્ષણ આપે છે.
પુરુષોની પ્રજનન સમસ્યા દૂર કરે છે એટલે કે ટેસ્ટોસ્ટેરોનના સ્તર વધારી દે છે. પ્રોસ્ટેટ કૅન્સરથી બચાવ કરે છે.
અમ્લપિત કે એસિડિટીમાં આનું શરબત એ અત્યંત લાભકારી છે. ડાયરિયા (ઝાડા) માટે આ રામબાણ ઈલાજ છે.
તાવમાં ઉપચાર તરીકે સર્વશ્રેષ્ઠ છે. મને આના ઘણા અનુભવ છે. મહિલાઓમાં શ્ર્વેત પ્રદરની સમસ્યા થોડા જ દિવસમાં ઠીક કરે છે. તાવમાં આની છાલનો કાઢો પણ ઉપયોગી છે.
આની અંદર બીટા સીટા સ્ટ્રીરોલને કારણે અસ્થમા થોડા જ વખતમાં સારો થઈ જાય છે. શરીર પરના ઘાવમાં આનો ઉપયોગ કરવો જોઈએ.
પસીનાની સમસ્યા દૂર કરે છે. મોઢાની દુર્ગંધને દૂર કરે છે. નહાવા માટે આના પાનનું ચૂર્ણ અને ચંદન પાઉડર મિક્સ કરી લગાડવાથી શરીરમાંથી આવતી વાસ દૂર થાય છે.
આ એક કલ્પવૃક્ષ જેવું છે. આના ઉપયોગથી કોઈપણ પ્રકારની આડ-અસર નથી. ગોરખ આમલી સર્વદા આપણા ઘરમાં રાખવી જોઈએ. બહુ મૂલ્યવાન વૃક્ષ છે. હલકા ખાટા સ્વાદવાળી આ અનોખી આમલી છે.