આજના સમયમાં આધાર કાર્ડ એ એકદમ મહત્ત્વના દસ્તાવેજોમાંથી એક છે. કોઈ પણ કામ હોય એ માટે દરેક કામ માટે આધાર કાર્ડ એ ખૂબ જ જરૂરી છે પછી એ મોબાઈલ ફોન માટે સિમ કાર્ડ લેવાની વાત હોય કે બેંક ખાતું ખોલાવવા માટે, સરકારી કે બિનસરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે.
આ ઉપરાંત પણ બીજા અનેક એવા કામ છે કે જેના માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. હવે આધાર કાર્ડનો ઉપયોગ પણ એટલી બધી જગ્યાએ થાય છે કે જેના વિશે કદાચ કાર્ડધારકને પણ યાદ ન હોય.
આવી પરિસ્થિતિમાં, તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે કે નહીં એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. એટલે જ આજે અમે અહીં કેટલીક એવી ટિપ્સ લઈને કે જેની મદદથી તમે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરી શકો છો, તો ચાલો જાણીએ શું છે તેની રીત…
આ રીતે ચેક કરી શકો છો તમે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી-
જો તમે એ તપાસવા માંગતા હોવ કે તમારી પીઠ પાછળ તમારા આધાર કાર્ડનો કોઈએ દુરુપયોગ કર્યો છે કે નહીં તો તમારે સૌથી પહેલાં તો UIDAIની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે. ત્યાર પછી વેબસાઈટ પર જઈને તમારે My Aadhaar ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તરત જ તમને ‘આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી’નો વિકલ્પ જોવા મળશે એટલે તેના પર ક્લિક કરો.
આટલુ કર્યા બાદ હવે તમારે ત્યાં એ આધાર નંબર નાખવો પડશે, જેની હિસ્ટ્રી તમે ચેક કરવા માંગો છો. હવે તમારે સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા કોડ ફિલ કરવો પડશે. ત્યાર બાદ તમારે OTP વેરિફિકેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા પછી તમારા આધાર કાર્ડ સાથે રજિસ્ટર નંબર પર ઓટીપી આવશે.
મોબાઈલ પર આવેલો OTP પેસ્ટ કરો. હવે તમારી સામે એક નવી ટેબ ખુલશે, જ્યાં તમારે એ તારીખ નાખવી પડશે કે જ્યારથી તમે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી ઇતિહાસ તપાસવા માંગો છો. આ પછી તમને ખબર પડશે કે તમારા આધાર કાર્ડનો ક્યાં ઉપયોગ થયો છે.