Homeવીકએન્ડજળ માટે જાત ઘસી નાખતો જુવાન નિમલ રાઘવન

જળ માટે જાત ઘસી નાખતો જુવાન નિમલ રાઘવન

કવર સ્ટોરી -પૂર્વી દેસાઈ

ફક્ત ૩૦ વર્ષની ઉંમર,આ ઉંમરે હજુ તો યુવાનો નોકરી કે ધંધામાં અથવા પોતાની પેશનમાં સફળ થવાનાં સપનાઓ જોતાં હોય છે ત્યારે આવડી જ આયુનો એક છોકરો સાવ જુદી જ કેડી કંડારે છે. અને એ પણ ફક્ત પોતાનાં હિત માટે થઈને નહીં પણ અનેક એવા લોકોનાં હિત માટે જેમની પાસે એને ફક્ત આશીર્વાદ જ મળી શકે એમ છે. નિમલ રાઘવન. તામિલનાડુનાં નાદિયામ નામના નાનકડાં ગામનો આ યુવાન અત્યાર સુધીમાં આખા ભારતમાં લગભગ ૧૪૨ તળાવોનું પુનર્નિર્માણ કરાવી લોકો માટે વાપરવા યોગ્ય બનાવી ચુક્યો છે! કેટલો અદ્ભુત પ્રયાસ!
નિમલ રાઘવનની કહાની કૈક એવી છે કે એન્જિનિયર થઈને ફક્ત પાંચ જ વર્ષ પહેલાં તે દુબઇથી પોતાને ગામ પોતાનું એક સપનાનું ઘર બનાવવા આવે છે. અને જીવન એવો વળાંક લે છે કે આજે જળની સમસ્યાઓથી મુંઝાયેલા અનેક લોકો નિમલ તરફ આશાની મીટ માંડીને બેઠાં છે. નિમલ દુબઈથી પોતાને ગામ પરત ફર્યો એનાં થોડાં જ અરસામાં ગજ નામના એક ચક્રવાતે આખા તામિલનાડુને ધમરોળી નાખ્યું. મોટાં પાયે તારાજી થઇ. નિમલ આ સંકટના સમયમાં લોકો દ્વારા કરવામાં આવતાં રાહતકાર્યોમાં જોડાયો. જેમ જેમ તે લોકોના સંપર્કમાં આવતો ગયો તેમ એને સમજાયું કે લોકોની એક બહુ મોટી સમસ્યા તો પીવા લાયક શુદ્ધ પાણીની છે! પ્રાથમિક જરૂરિયાત કહેવાતાં પાણી માટે લોકોને અત્યંત હાડમારી ભોગવવી પડે છે અને પછી પણ જે પાણી મળે છે તે ખારાશવાળું અને અશુદ્ધ જ મળે છે.
આ સમસ્યાનો એક ઉપાય હતો તળાવોનું પુનર્નિર્માણ કરવું. આમ જુવો તો પહેલી નજરે પણ કામ સહેલું તો ન જ લાગે. પણ કેટલાંક લોકો જન્મ્યાં જ હોય છે અઘરાં કામ કરવાં માટે. નિમલે તરત જ વિચાર અમલમાં મૂક્યો. આને માટે શરૂઆતમાં તેમણે નાનબાન ફાઉન્ડેશન નામની એક સંસ્થા અને ક્રાઉડ ફંડિંગ એટલે કે લોકો પાસે મદદ લીધી. એટલે કે સરકારી સહાય વગર જ કાર્યનું શુભારંભ કર્યું. સૌથી પહેલું જ જે તળાવ એમણે આ કામ માટે પસંદ કર્યું એનું નામ જ “પેરિયાકુલમ હતું જેનો અર્થ થાય વિશાળ તળાવ. ૫૬૫ એકર જેવડી અધધ જગ્યામાં ફેલાયેલું આ તળાવ એમનાં જ ગૃહનગરમાં હતું. ખૂબ જહેમત અને ઓછામાં ઓછાં ખર્ચે કેવી રીતે આ કામ પાર પાડી શકાય એની તમામ શક્યતાઓની પૂરી ચકાસણી કર્યાં બાદ પણ જે બજેટ બન્યું એ ૨૭ લાખ રૂપિયા હતું! હજુ તો ત્રીસીમાં પ્રવેશેલો એક છોકરો કેવડું મોટું લક્ષ્ય લઇ બેઠો હતો!, પરંતુ તેણે લોકોને પોતાની આ વિચારધારા સમજાવી અને કહેવાય છે ને “લોગ જુડ઼તે ગયે, કારવાં બનતાં ગયા… એવું જ થયું. માત્ર થોડાં જ વર્ષો પહેલાં જ્યાં સાવ વેરાન બિનઉપયોગી જમીન હતી ત્યાં આજે મસમોટું તળાવ જળે ભર્યું ભર્યું છે! આ તળાવ હવે ૬૦૦૦ એકરથી પણ વધારે જમીનને સીંચી શકે એટલું સક્ષમ છે. આટલું જ નહીં પણ અહીંની જમીનનું જળસ્તર પણ ઊંચું આવ્યું છે. એટલે કે પહેલાં જ્યાં ૩૦૦થી ૪૦૦ ફૂટ ખોદો ત્યારે પાણી મળવાની શક્યતા હતી તે સ્તર હવે ૬૦ ફૂટ પર પહોંચ્યું છે.
બસ આ સફળતાં પછી રાઘવને પાછળ ફરીને જોયું નથી. અફલાતૂન કરીઅર અને વિદેશી જીવનનો મોહ છોડીને આવેલો આ યુવાન હવે આ કામમાં એવો તો ઓતપ્રોત થઇ ગયો છે કે આખા વિશ્ર્વએ એની નોંધ લેવી પડી છે.
તામિલનાડુમાં જ એક રામનાથપુરમ જિલ્લો છે. આ વિસ્તારનાં લોકો ખારાં પાણીથી પરેશાન. વળી એ પણ પૂરતું ન મળે. ગામનાં લોકોએ ક્યાંકથી નિમલનું નામ સાંભળ્યું અને મદદ માટે હાક મારી. નિમલ આ વિસ્તારથી પરિચિત હતાં વળી તેમને યાદ આવ્યું કે હજુ થોડાં વર્ષો પહેલાં તો અહીંની કેનીકરઈ ઝીલનું પાણી તેમણે અમૃતની જેમ પીધું હતું. જાળવણીને અભાવે આ વિસ્તારનાં લોકો માટે પાણીનું મહત્ત્વનું સ્ત્રોત એવું આ તળાવ સાવ સુકાઈ ગયું હતું! તેમાં જે થોડુંઘણું પાણી હતું એ પણ પીવાલાયક તો નહોતું જ. પીવાના પાણી માટે અહીંના લોકો ટેન્કર ઉપર નિર્ભર હતાં અને એ પણ ૧૫ રૂપિયા ચૂકવે ત્યારે ફક્ત એક જ વાસણ ભરીને પાણી મળે! નિમલે બીડું ઝડપ્યું કેનીકરઈ તળાવને ફરીથી અમૃતમ એટલે કે અમૃત જેવાં જળથી છલોછલ કરી દેવાનું.
આ એપ્રિલમાં આ યોજના લગભગ પૂર્ણતાને આરે ઊભી છે અને આ નિમલની ૧૪૫મી યોજના છે જેને તેઓ સાકાર કરવાના અથાગ પ્રયત્નોમાં લાગ્યા છે.
નિમલ કહે છે જળ ઈશ્ર્વર છે અને જયારે આ જળ આ પુનર્જીવન પામેલાં તળાવોમાં આવે છે ત્યારે તેને ફૂલોનો અભિષેક કરવાનું જ મન થાય છે! બીજૂ એક તળાવ હતું તેમના જ વતન તામિલનાડુનાં તંજાવુર જિલ્લાનું. આ તળાવને જયારે નિમલની ટીમ રિસ્ટોર કરી રહી હતી ત્યારે અહીંના સરપંચના પતિ કે જેઓ ૫૨ વર્ષના છે તેઓ પણ આ શ્રમયજ્ઞમાં જોડાઈ ગયાં હતાં અને કોઈ યુવાનને પણ શરમાવે એટલાં ઉત્સાહથી કામે વળગ્યાં હતા, પરંતુ જયારે પણ તમે આવાં મહાન ધ્યેયને અંજામ આપવાના કાર્યમાં આગળ વધો ત્યારે મુશ્કેલીઓ અને પડકારો તો આવવાનાં જ. નિમલ માટે આ કાર્યમાં સૌથી મોટો પ્રશ્ર્ન હતો “પૈસા ક્યાંથી લાવશું? બજેટનો કુલ જે ખર્ચો હોય એમાંથી પોણા ભાગનો હિસ્સો તો ઉત્ખનન કરવા માટે જે યંત્રની જરૂર પડે એમાં જ જતો રહે. નિમલ ડગ્યા વગર અને ડર્યાં વગર લોકોને સમજાવીને પોતાની સાથે લેતાં ગયા. થાક્યાં વગર ફંડ માટે દોડતાં રહ્યાં. જેમ જેમ સફળતાં મળતી ગઈ તેમ લોકોનો તેમની ઉપરનો વિશ્ર્વાસ પણ વધતો ગયો. કહે છે ને “અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી. એવું જ કૈક. અને જયારે નિમલે પોતાની ૬૦મી યોજના પૂરી કરી ત્યારે એક ખાનગી કંપની મિલ્કી મિસ્ટ જેણે નિમલને ઉત્ખનન યંત્ર પણ અપાવ્યું. બસ અહીંથી નિમલ તેમનાં આત્મવિશ્ર્વાસને નવો શ્ર્વાસ મળ્યો. નિમલ કહે છે કે એક ઉત્ખનન યંત્રની કિંમતમાં ચાર તળાવોને નવા રૂપરંગ આપી શકાય. તો જયારે હવે અમારી પાસે અમારું પોતાનું એક આવું યંત્ર છે ત્યારે કામને કેટલો બધો વેગ મળી શકે?
હવે જયારે સમગ્ર દેશમાં જળસ્તર નીચે આવી રહ્યું છે ત્યારે લોકોની નજર નિમલ તરફ મંડાઈ રહી છે. તામિલનાડુનાં વિત્તમંત્રી પાલનીવેલ સાહેબે તો આ વર્ષના બજેટમાં જળસ્રોતોનાં નવીનીકરણને માટે ૮૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે! નિમલ દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશથી અત્યાર સુધીમાં લગભગ ૪૦ લાખ જેટલાં લોકોને પાણીની સમસ્યામાં લાભ મળ્યો છે. હવે તો નિમલનું પોતાનું એક એનજીઓ છે જે આ હેતુ માટે કામ કરે છે. છતાં નિમલ કહે છે કે ફંડની જરૂર તો પડતી જ રહે છે, પરંતુ હવે લોકો તેમનાં મક્સદથી સુપેરે પરિચિત છે એટલે મદદ મળી જ રહે છે.
આ તો થઇ ભારતની વાત, પરંતુ નિમલની આ ઝુંબેશની ખ્યાતિ વિદેશો સુધી પણ પહોંચી ગઈ છે. કેન્યાના ગ્રીન આફ્રિકા ફાઉન્ડેશને તેમને આમંત્ર્યા છે આફ્રિકાનાં તળાવોનાં પુનર્નિર્માણના કામ માટે! આપણાં દેશમાં પણ તેમને અકલ્પ્ય સાથ મળી રહ્યો છે કોર્પોરેટ્સનો અને સરકારનો પણ. લોકો તો ત્યાં સુધી કહે છે કે અમે નિમલને પડખે જ છીએ ત્યાં સુધી કે જયારે ભારતનું એક પણ જળસ્રોત ખાલી ન રહે.
ક્યાંક વાંચ્યું હતું કે જે કામ થઈ શકે એમ હોય તે કરી નાખવાને બદલે વિચાર્યાં કરવું અને જે કામ થઈ જ શકે એમ ન હોય એ કરી નાખવાનું વિચાર્યાં કરવું આ બન્ને મૂર્ખામી છે. પણ નિમલ નામના આ સાહસિકે અશક્ય લાગતું કામ કરી નાખવાનું વિચાર્યું અને ધરાર કરી પણ નાખ્યું જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -