કોઈપણ ભોગે અમેરિકામાં જવાના અભરખામાં વધુ એક ગુજરાતી પરિવાર વિખેરાઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરના કલોલના પતિ-પત્ની ત્રણ વર્ષના પુત્રને લઇ મેક્સિકોની સરહદથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા પ્રયાસ કરી રહ્યા હતા. અમેરિકામાં ઘુસણખોરી રોકવા બનાવેલી 30 ફૂટ ઉંચી ‘ટ્રમ્પ વોલ’ તરીકે ઓળખાતી દિવાલ ઉપરથી પટકાતાં યુવકનું મોત થયું છે. ત્યારે તેની પત્ની અને પુત્રને ગંભીરઈજા પહોંચતા સારવાર હેઠળ છે.
મૃતક યુવકની ઓળખ કલોલના બોરીસણા ગામમાં ટેલિફોન કોલોનીમાં રહેતા 32 વર્ષીય બ્રિજકુમાર યાદવ તરીકે થઈ છે, તે કલોલની જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ ગામ ડીંગુચા ગામથી માત્ર 14 કિમી દૂર છે જ્યાંના લગભગ અડધા લોકો યુએસમાં સ્થાયી થયા છે. યુએસ અને મેક્સીકન સરકારી એજન્સીઓએ પત્ની અને બાળકનું નામ હજુ સુધી જાહેર કર્યું નથી.
બ્રિજકુમારને યુએસએમાં સ્થાયી થવું હતું. કાયદેસર રીતે અમેરિકા જઈ શકે એમ ન હોવાથી તેણે કલોલના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટે તેમને મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચાડી દેશે એવો વાયદો કર્યો હતો. કેનેડામાં હાલ ભારે હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. બ્રિજકુમાર તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે 15 દિવસ પહેલા મેક્સિકો પહોંચ્યો હતો. મેક્સિકોના તિજુઆનાથી 40 લોકોના ગ્રુપને અમેરિકાના સાન ડિએગોમાં ઘુસાડવા એજન્ટો લોકોને સરહદ પર બનાવવામાં આવેલી ૩૦ ફૂટ ઉંચી ટ્રમ્પ વોલ પર ચઢાવી રહ્યા હતા. આ ગ્રુપમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના લોકો સામેલ હતા.
બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પર ચઢ્યો હતો. દિવાલ ઉપરથી કોઈ કારણસર બ્રિજકુમાર, તેની પત્ની અને પુત્ર નીચે પટકાયા હતા. બ્રિજકુમાર અને તેનો પુત્ર તિજુઆના બાજુ પર પડ્યા જ્યારે તેની પત્ની સાન ડિએગો બાજુ પર પડી. માથામાં ગંભીરઈજા પહોંચતા બ્રિજકુમારનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની સાન ડિએગોમાં અને ત્રણ વર્ષનો પુત્ર મેક્સિકોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ટ્રેમ્પ વોલ તરીકે ઓળખાતી આ ફેન્સિંગ અમુક સ્થળેથી કૂદીને કે પછી ફેન્સિંગ દિવાલમાં રહેલા છીંડામાથી યુએસમાં ઘૂસાડવા માટે એજન્ટો પરિવાર દીઠ 60થી 65 લાખ રૂપિયા વસૂલે છે.
હજુ થોડા મહિના પહેલા જ ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યો કેનેડા બોર્ડર પર ગ્રુપથી છૂટા પડીને બરફવર્ષામાં ફસાતાં થીજીને મૃત્યુ પામ્યા હતા. તે કેસમાં તાજેતરમાં જ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટની તપાસ કરી રહી છે.