ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
આજકાલ ગુજરાત અને દેશ આખામાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય રહ્યું છે ત્યારે બીજી તરફ મારીયુઆના (કે મારીજુઆના)ને કાયદેસર કરવા માટેનું આંદોલન જોર પકડી રહ્યું છે. સિગરેટ, પાઇપ કે ચીલમ દ્વારા પીવામાં આવતા આ નશીલા પદાર્થને કેનાબીસ, વીડ, ગાંજો, ચરસ, માલ કે હસીસ પણ કહેવામાં આવે છે.
કેનાબીસ છોડના પાંદડા, ફૂલ અને ફળમાંથી આ પદાર્થ બને છે. કેનાબીસના છોડને આપણે ત્યાં ગાંજાનો છોડ કહે છે. વિશ્ર્વના કેટલાક દેશોમાં ગાંજાની ખેતી કાયદેસર ગણાય છે. અમેરિકાનાં કેટલાંક રાજ્યોએ કેનાબીસની ખેતી અને વેચાણ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. કેનાબીસનો ઔષધિય ઉપયોગ પણ હોવાની વાત અમેરિકાના કેટલાંક રાજ્યોએ માન્ય રાખી છે.
નશીલા પદાર્થો આમ તો જાતભાતનાં છે. આલ્કોહોલથી માંડીને હેરોઇન સુધીના પદાર્થો નશીલા પદાર્થોની યાદીમાં આવી જાય. સામાન્ય રીતે ઓક્સિકોડોન, હેરોઇન, અફીણ, કોકેઇન જેવા પદાર્થોનો ઉપયોગ નશાખોરો કરે છે. વૈજ્ઞાનિક રીતે એમ પુરવાર થયું છે કે કેનાબીસના ગોત્રથી બનતા નશીલા પદાર્થો કોકેઇન કે હેરોઇન જેટલા ખતરનાક નથી. જોકે આ બાબતે ડૉક્ટરોમાં મતભેદ જોવા મળે છે. કેટલાક તબીબોના કહેવા પ્રમાણે મારીજુઆના કે ગાંજો લાંબા સમય સુધી લેવામાં આવે તો એની પણ આદત પડી શકે છે. જોકે કેટલાક ડૉક્ટરોનું માનવું છે કે મારીજુઆના કે ગાંજા જેવા પદાર્થોનું સેવન છોડવું સહેલું છે. ભારતમાં ગાંજો, ભાંગ જેવા કેનાબીસ ગોત્રના પદાર્થોનું સેવન સામાન્ય ગણાય છે. એક અંદાજ પ્રમાણે ૮૦ ટકા જેટલા સાધુ-બાવાઓ ચીલમ દ્વારા ગાંજો ફૂંકે છે. મહાશિવરાત્રી અને હોળીના તહેવારો દરમિયાન ભાંગ પીવી પણ ખૂબ સામાન્ય છે. ૧૯૮૫ સુધી તો ભારતમાં કેનાબીસના ઉત્પાદન પર પ્રતિબંધ નહોતો. અમેરિકા અને તત્કાલીન પ્રમુખ નિક્સનના દબાણને કારણે રાજીવ ગાંધીની સરકારે ગાંજા જેવા પદાર્થને પણ ‘નારકોટીક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોફિક સબસ્ટન્સ’ની વ્યાખ્યામાં લાવીને ગેરકાયદેસર જાહેર કર્યા હતા. ૨૦૧૯માં થયેલા એક અભ્યાસ પ્રમાણે એ વર્ષ દરમિયાન ભારતમાં ૩ કરોડથી વધુ લોકોએ કેનાબીસ પદાર્થોનું સેવન કર્યુ હતું. આમાંથી ૧ કરોડ અને ૩૦ લાખ જેટલાએ મારીજુઆના અને હસીસનું સેવન કર્યું હતું. ઉત્તર પ્રદેશ, પંજાબ, સિક્કિમ, દિલ્હી અને ચંદીગઢ જેવાં રાજ્યોમાં ગાંજા – ભાંગનું સેવન વધારે માત્રામાં થાય છે. ‘યુનાઇટેડ નેસન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે વિશ્ર્વ આખાના ૧૨૦ જેટલાં શહેરોમાંથી ગાંજો ફૂંકવામાં દિલ્હી ત્રીજા નંબરે છે. આમ લોસએન્જેલસ, શિકાગો કે લંડન કરતા દિલ્હીમાં કેનાબીસના નશાખોરો વધુ પ્રમાણમાં છે.
ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને એના ભાઇને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ગાંજો રાખવા અને પીવાના આરોપસર પકડ્યા ત્યારે એના બચાવમાં આવનારા કેટલાક પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે જેટલો જથ્થો મારીજુઆના રાખવા માટે રિયાની ધરપકડ થઈ છે એના કરતા એક સાધુની ચિલમમાં વધારે મારીજુઆના હોય છે. સુશાંતસિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીના કેસને કારણે આજે મારીજુઆના કે ગાંજો શબ્દ દરેકને મોઢે ચઢી ગયો છે. થોડાં વર્ષો પહેલાં નેટફ્લિક્સ પર વિશ્ર્વના કુખ્યાત ડ્રગ માફિયાઓ વિશે કેટલીક સિરિયલો આવી હતી. કોલમ્બિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર ‘નાર્કો’ સિરીઝને કારણે વિશ્ર્વ આખામાં જાણીતો થયો. પાબ્લો એસ્કોબારના પુત્રના કહેવા પ્રમાણે પાબ્લો અબજો ડોલરનું કોકેઇન અમેરિકા મોકલતો, પરંતુ એણે પોતે કદી કોકેઇનનો નશો કર્યો નહોતો. જોકે ૪૨ વર્ષની ઉંમરે પોલીસે એને ઠાર માર્યો ત્યાં સુધી તે નિયમિતપણે મારીજુઆનાની સિગરેટ પીતો હતો. પાબ્લોએ એના ધંધાની શરૂઆત મારીજુઆનાની દાણચોરીથી જ કરી હતી. પરંતુ એને જ્યારે ખબર પડી કે કોકોના છોડને પ્રોસેસ કરીને બનાવવામાં આવતું કોકેઇન ઓછી મહેનતે હજારો ગણો વધારે નફો રળી આપી શકે એમ છે ત્યારે એણે મારીજુઆનાને બદલે કોકેઇનના ઉત્પાદન અને દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
એ જ રીતે મેક્સિકોના અબજોપતિ ડ્રગ માફિયા અલ ચેપોએ પણ કારકિર્દીની શરૂઆત મારીજુઆનાની દાણચોરીથી જ કરી હતી ત્યાર પછી એણે કોકેઇન અને બીજા કેમિકલ પદાર્થોથી બનતા ખતરનાક નશીલા પદાર્થો મેક્સિકોમાં બનાવીને અમેરિકા ઘુસાડવાનું કામ શરૂ કર્યું હતું. અમેરિકાના મેગેઝિન ‘ફોર્બ્સ’એ અલ ચેપોને વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક ગણાવ્યો હતો. મેક્સિકોની જેલમાંથી બે વખત ફરાર થઈ ગયા પછી અલ ચેપો થોડાં વર્ષો પહેલાં જ ફરીથી પકડાયો અને હમણાં એના પર અમેરિકાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આપણા દેશના સદનસિબે કોકેઇન કે હેરોઇન જેવાં દ્રવ્યો અતિ મોંઘાં હોવાથી દેશના એક ખાસ વર્તુળમાં જ એનું વેચાણ છે. બીજી તરફ મારીજુઆના કે ભાંગ પ્રમાણમાં સસ્તી પડતી હોવાથી સાધુઓ ઉપરાંત કેટલાક યુવાનો પણ મારીજુઆનાના નશા તરફ વળ્યા છે. કેનાબીસમાં ૪૦૦ જેટલાં દ્રવ્યો હોય છે. એમાંથી ટીએચસી તરીકે ઓળખાતું દ્રવ્ય મગજમાં આવેલા કેટલાક જ્ઞાનતંતુઓ ઉપર સીધી અસર કરીને આનંદની અનુભૂતિ કરાવે છે. આ ટીએચસીને કારણે જ ગાંજાનો નશો કરતી વ્યક્તિને ખૂબ હળવી થઈ જતી હોવાનું લાગે છે અને ટેન્શન મુક્ત હોવાનું પણ લાગે છે. કેનાબીસમાં સીબીડી નામનો પણ એક પદાર્થ છે જેને નશા સાથે કોઈ લેવા દેવા નથી. મતલબ કે જો ગાંજામાંથી ટીએચસી દૂર કરીને ફક્ત સીબીડીનો ઉપયોગ જ કરવામાં આવે તો એના ઘણા વૈદકીય ફાયદા છે. કેનાબીસને કાયદાની પકડમાંથી મુક્ત કરવા આંદોલન કરી રહેલા એનજીઓનું કહેવું છે કે કેન્સર અને બીજા રોગોમાં થતા અસહ્ય દર્દમાંથી સીબીડીને કારણે દર્દીને ખૂબ રાહત મળે છે. ૧૦ ગ્રામ ગાંજાનો ભાવ ભારતના બજારમાં ૧૦૦ રૂપિયાથી ૨૫૦ રૂપિયા જેટલો છે. જોકે આ ભાવ એની ક્વોલીટી પ્રમાણે બદલાતો રહે છે. ચરસ અથવા હસીસ તરીકે ઓળખાતો નશીલો પદાર્થ પણ ગાંજાના પાંદડામાંથી જ બને છે. હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલા ગામમાં બનતા ચરસની ખ્યાતી વિશ્ર્વ આખામાં છે. સામાન્ય ગાંજા કરતા આ ચરસ વધુ કડક હોય છે. ગાંજાના પાંદડાને ઘસીને ભાંગ બનાવવામાં આવે છે જેને દૂધ સાથે બીજા અન્ય પદાર્થો ઉમેરીને પીવામાં આવે છે. ભાંગને બનાવવા માટે ગાંજાના છોડનાં ફૂલોનો ઉપયોગ નહીં કરવામાં આવતો હોવાથી કાયદા પ્રમાણે ગાંજો ગેરકાયદેસર ગણાતો નથી.
છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકાની કેટલીક સંસ્થાઓએ ગાંજાને કાયદેસર કરવા માટે ચળવળ શરૂ કરી અને સરકારે નમતું જોખવું પડ્યું એ જોઇને હવે ભારતમાં પણ એક લોબી ગાંજા કે મારીજુઆનાને કાયદેસરનો કરવા માટે ચળવળ ચલાવી રહી છે.
આ સંસ્થાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરી રહી છે. ખાસ કરીને યુટ્યુબ પર કેટલીક એનજીઓ કેન્સરના દર્દીઓ તેમજ બીજા રોગના દર્દીઓને ગાંજાના તેલથી થયેલા ફાયદાઓ વિશેના ઇન્ટરવ્યૂ સતત મૂકતા રહે છે. ગાંજાને કાયદેસરતા આપવા હજુ સુધી આપણી સરકારે કોઈ વિચાર કર્યો નથી, કારણ કે જો એમ કરવામાં આવે તો મોટો વિવાદ થાય એમ છે. પરંતુ ભવિષ્યમાં અમેરિકાની જેમ ભારતમાં પણ મારીજુઆના બજારમાં ખૂલ્લે આમ વેચાતું જોવા મળે તો નવાઈ નહીં !