મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
થોડા સમય પહેલાં એક સ્ત્રી-મિત્રએ પ્રશ્ર્ન પૂછ્યો હતો; “એક સ્ત્રી હોવું અને એક મનુષ્ય હોવું, એ બે વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું? તેમને જે અનુભવો થયા હશે તેના પરથી તેઓ એવું જાણવા માંગતા હતાં કે સ્ત્રીને તેના જેન્ડરથી જ શા માટે જોવામાં આવે છે? તેને મનુષ્ય તરીકે પણ ન જોઈ શકાય? પ્રશ્ર્ન અસ્થિર કરે તેવો હતો. આપણે સ્ત્રીને મનુષ્યના અડધા અંગ તરીકે જોઈએ છીએ. તેનું બીજું અડધું અંગ પુરુષ છે અને સ્ત્રી-પુરુષ મળીને મનુષ્યને પૂર્ણ કરે છે, પરંતુ આ વ્યાખ્યા દંભી છે. વાસ્તવમાં, પૂરી સામાજિક પરંપરા દરમિયાન સ્ત્રીને મનુષ્ય તરીકે ગણવામાં આવી જ નથી. સ્ત્રીઓમાં જયારે પુરુષોની જેમ સમાન અધિકાર અને અવસર મેળવવાની જાગૃતિ આવી ત્યારે પહેલીવાર તેમને એ અહેસાસ થયો કે આપણને તો માણસમાં જ ગણવામાં નથી આવતાં.
આખી નારીવાદી ચળવળનો પાયો જ આ પ્રશ્ર્ન છે: સ્ત્રી મનુષ્ય છે કે માદા? સદીઓથી, દરેક પેઢીમાં, દુનિયાના દરેક સમાજમાં સ્ત્રીને મનુષ્ય માનવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. મનુષ્ય હોવું માત્ર પુરુષોનો જ એકાધિકાર રહ્યો છે. માનવ ઇતિહાસના એક લાંબા સમયગાળામાં ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય પરંપરાઓ, વ્યવસ્થાઓમાં સ્ત્રીનું કોઈ સ્થાન જ નહોતું. સ્ત્રીની એક માત્ર ઉપયોગીતા માદા તરીકેની જ રહી છે. એટલે જ તેને એક વસ્તુ ગણવામાં આવી છે. આપણા તમામ નિયમો, રિવાજો અને કાયદાઓ સુધ્ધાં સ્ત્રીની પરાધીનતા માટે છે.
આજે પણ, વ્યભિચારના કાયદામાં સ્ત્રી પતિની સંપત્તિ ગણાય છે. બહુ લાંબા સમય સુધી તો બળાત્કાર પણ અપરાધ ગણાતો નહોતો અને આજે પણ બળાત્કાર થાય ત્યારે અપરાધીને નહીં, પીડિતાને કલંક લાગે છે. ટૂંકમાં, પોતે મનુષ્ય નહીં પણ માદા હોવાનો અહેસાસ દરેક સ્ત્રીને થતો રહે છે/ કરાવાતો રહે છે અને તેની એ લડાઈ અવિરત ચાલતી રહે છે. એનો એક ઉપાય સ્ત્રીની આર્થિક અને સેક્સ્યુઅલ સ્વતંત્રતામાં છે. જ્યાં સુધી એ તેના પૈસા અને શરીરની માલિક નહીં બને ત્યાં સુધી માદા તરીકેની તેની પરાધીનતા યથાવત્ રહેશે.
૭૦ના દાયકા સુધી સંસારના ઘણા દેશોના કાનૂનમાં ‘વૈવાહિક બળાત્કાર’ને બળાત્કાર ગણવામાં આવતો ન હતો, પરંતુ નારી ચળવળના પગલે હવે એવો સંબંધ દંડનીય ગણાય છે. ભારતમાં આને લઇને ચર્ચા તો થાય છે, પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૫ સ્પષ્ટ કહે છે કે, ‘જો એ ૧૫ વર્ષથી નીચેની ન હોય તો, પુરુષ દ્વારા એની પત્ની સાથેનો સંભોગ એ બળાત્કાર ના કહેવાય.’
‘ભારતીય સમાજમાં અને કાનૂન વ્યવસ્થામાં સ્ત્રીને લઇને ઘણા ખયાલાત ખાસા પછાત (રિગ્રેસિવ) છે. વૈવાહિક બળાત્કારને દંડનીય અપરાધ તરીકે ગણવાની એક ચર્ચામાં સરકાર તરફથી એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે એવું કરવાથી વૈવાહિક વ્યવસ્થા કમજોર થઇ જશે.’ વિલિયમ બ્લેકસ્ટોન નામના અમેરિકન ઇસાઇ પ્રચારકે ૧૭૬૫માં કહ્યું હતું કે, “વિવાહ દરમિયાન સ્ત્રીનું સત્ત્વ અને એનું કાનૂની અસ્તિત્વ સ્થગિત થઇ જાય છે, અથવા એ પતિના અસ્તિત્વમાં ભળી જાય છે, જેની છત્રછાયા અને નિર્દેશો પ્રમાણે એ સ્ત્રી જીવે છે. હજુ સો વર્ષ પહેલાં પશ્ર્ચિમના ઘણા દેશોમાં સ્ત્રીઓને મત
આપવાનો અધિકાર પણ નહોતો.
શું સારું છે અને શું ખરાબ છે તેનો બોધ આપણી પૌરાણિક નીતિમત્તામાંથી નક્કી થાય છે. સ્ત્રીએ હસીને વાત ના કરવી જોઇએ, સ્ત્રીએ જીન્સ ના પહેરવું જોઇએ, સ્ત્રીએ એના પુરુષ મિત્ર સાથે ડિનર પર ના જવું જોઇએ, સ્ત્રીએ એની સાથે બેસીને ડ્રિંક્સ ના પીવું જોઇએ, સ્ત્રીએ જોક્સ ના કરવા જોઇએ એ એક સામંતી વિચાર છે એટલું જ નહીં, ભારતીય પરિવારોમાં સ્ત્રીઓએ ખુદ સ્વીકારેલી પરંપરા પણ છે. પુરુષો માટે આવા કોઈ નિયમો નથી. ૨૦૧૬માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘પિંક’માં તેનો ખલનાયક કહે છે, “હમારે યહાં અચ્છે ઘર કી ઔરતે શરાબ નહીં પીતી. એના જવાબમાં વકીલ દીપક સહેગલ કહે છે, “તો આપ કે યહાં ઔરત કી અચ્છાઇ યા બુરાઇ શરાબ તય કરતી હૈ?’
સ્ત્રીને જ્યારે સંપત્તિ’ અને ‘ઇજ્જત’ માનવામાં આવે છે ત્યારે મૂળભૂત રીતે એની લૈંગિકતા પર નિયંત્રણ રાખવાની વાત હોય છે. આપણી પરંપરા આનાથી ભરેલી પડી છે. શૂપર્ણખાનું નાક અને કાન એટલા માટે વાઢી નાખવામાં આવ્યાં હતાં કારણ કે એણે લક્ષ્મણ માટે પ્રેમ જાહેર કર્યો હતો. દુર્યોધનના દરબારમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ એ જ રીતે થયું જે રીતે બેહમાઇ ગામની ફુલનદેવીનો નગ્ન તમાશો થયો હતો.
આ આપણી પરંપરા છે, અને આપણી પુરુષ માનસિકતા એમાંથી જ ઘડાઇ છે. ઘણા વાચકોને યાદ હશે કે મોડેલ અને નૃત્યાંગના પ્રોતિમા બેદીએ ૧૯૭૪માં મુંબઇના જુહુ બીચ પર નંગ-ધડંગ બનીને દોડ લગાવી હતી. એ વખતે ‘એ જબ્બર કૌભાંડ’ હતું અને દેશભરમાં સનસનાટી મચી ગઇ હતી. કેમ ખબર છે?
બહુ વર્ષો પછી એનો ખુલાસો કરતાં બેદીએ કહેલું, “મારી છાતી, મારા શરીર અને મારા સ્ત્રીપણાને લઈને પુરુષો જે રીતે વિચારતા રહેતા હતા એનાથી હું કંટાળી ગઇ હતી. મારી અંદરની સ્ત્રીની કોઇને કદર ન હતી. મને સ્ત્રી હોવાનો સતત અહેસાસ કરાવવામાં આવતો હતો. હું એક પુરુષની જેમ સિગારેટ પણ ન ખરીદી શકું. હું એ કશું ન કરી શકું જે એક સામાન્ય પુરુષ માટે આમ વાત હોય. મારામાં આ રોષ ભરાયો હતો, અને એક દિવસ નક્કી કર્યું કે દુનિયાને મારું શરીર બતાવી જ દઉં!
વસ્ત્રોને લઈને સ્ત્રીઓની મુસીબત દરેક સમાજમાં છે. સાર્વજનિક બાબતોનો અભ્યાસ કરતા વોશિંગ્ટન સ્થિત પ્યુ રિસર્ચ સેન્ટરે ૧૯૮ દેશોના કરેલા એક સર્વેક્ષણમાં ખબર પડી હતી કે ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ૫૬ દેશોની સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોના કારણે સામાજિક-ધાર્મિક વિરોધ સહન કરવો પડ્યો હતો. ૬૧ દેશોની સરકારોએ સ્ત્રીઓ માટે ડ્રેસ-કોડ જારી કર્યા હતા.
સ્ત્રીઓને મનુષ્ય નહીં માદા ગણવામાં આવે છે એટલે જ આખા વિશ્ર્વમાં વેશ્યાનો વ્યવસાય ખીલેલો છે. તેમાં સ્ત્રીને વેચવામાં આવે છે અને પછી તેણે સેક્સનો વેપાર કરવાનો હોય છે. વૈવાહિક સંબંધોમાં પણ સ્ત્રીને સેક્સ આપનારી ગુલામ ગણવાનો રિવાજ છે. સેક્સને લઈને સ્ત્રીઓ પર ઘણી પાબંધીઓ છે અને તેનો ભંગ થાય તો તેને દંડવામાં આવે છે. યુદ્ધ થાય ત્યારે દુશ્મનોની સ્ત્રીઓને ઉઠાવી જવી અથવા તેમનો બળાત્કાર કરવો સહજ’ માનવામાં આવે છે.
એક પુરુષને સમાજ એ અહેસાસ નથી કરાવતો કે તે પુરુષ છે, પુરુષનું મનુષ્ય હોવું ડિફોલ્ટ સ્ટેટ્સ છે, પરંતુ સ્ત્રી જન્મે છે તે સાથે જ તેને ડગલે ને પગલે એ ભાન કરાવવામાં આવે છે કે તે એક સ્ત્રી છે. એટલા માટે સ્ત્રી પાસે સ્વતંત્ર નિર્ણયશક્તિ નથી. તેના તમામ નિર્ણયો સામૂહિક હોય છે. પુરુષના નિર્ણયો પુરુષના હોય છે પણ સ્ત્રીના નિર્ણયો સમાજના નિર્ણયો હોય છે. દાખલા તરીકે, જેટલી આઝાદીથી એક પુરુષ લગ્ન ન કરવાનો (અથવા લગ્ન તોડવાનો) નિર્ણય કરી શકે છે એટલી સરળતા સ્ત્રીને નથી. એક પુરુષ પાસેથી શું પહેરવું તેની અપેક્ષા નથી હોતી, પણ સ્ત્રીએ શું પહેરવું એ બીજા નક્કી કરે છે.