કોમેડી સિવાયનાં પાત્રો ભજવવાની સતીશ કૌશિકની મહેચ્છા અધૂરી રહી
કવર સ્ટોરી-ગીતા માણેક
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકની અચાનક એક્ઝિટથી તેમના મિત્રો, સ્નેહીઓ અને ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ૬૬ વર્ષની ઉંમરના સતીશ કૌશિક તેમના મિત્રો સાથે હોળીનો તહેવાર ઉજવવા દિલ્હી ગયા હતા અને રાતે અચાનક તેમને હાર્ટ એટેક આવતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેમને આવેલા આ હાર્ટ એટેક માટે તેમનું વજન પણ કંઈક અંશે જવાબદાર હતું એવું કહેવાય રહ્યું છે.
થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે આ વાત સ્વીકારતા કહ્યું હતું કે ૧૯૮૦ના દાયકામાં પાર્ટીઓમાં જઈ-જઈને મેં મારા શરીરને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. હું મારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઈ ગયો હતો. મેં મારી જાતની જરા પણ સંભાળ નહોતી લીધી. હું મારી જાતને પ્રેમ નહોતો કરતો. આ વાતચીતમાં તેમણે કબૂલ કર્યું હતું કે હું વધારે પડતું ખાવા માંડ્યો હતો. આ બધી બેદરકારીને કારણે તેમનું વજન એક તબક્કે ૧૩૦ કિલો જેટલું થઈ ગયું હતું. તેઓ પાંચ મિનિટ ચાલી પણ નહોતા શકતા. સતીશ કૌશિકે આ મુલાકાતમાં કહ્યું હતું કે જો મારું વજન આટલું બધું વધ્યું ન હોત તો હું વધુ સફળ અભિનેતા અને દિગ્દર્શક થઈ શક્યો હોત.
સતીશ કૌશિકે કહ્યું હતું કે અનિલ કપૂર અને અનુપમ ખેર જેવા અભિનેતાઓ જેઓ પોતાની ફીટનેસ અંગે બહુ જ ચોક્કસ છે તેઓ મારા ખાસ મિત્રો હોવા છતાં હું તેમની પાસેથી જાતની સારસંભાળ લેવાનું અને સ્વસ્થ રહેવાનું શીખ્યો નહોતો. હું ફક્ત ખાવા-પીવા અને મોજમજા કરવામાં પડી ગયો હતો.
સતીશ કૌશિકના મૃત્યુ વિશે ટ્વિટ કરતા તેમના આ ખાસ મિત્ર અનુપમ ખેરે લખ્યું હતું કે જાણું છું કે મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે પણ આ વાત હું જીવતાજીવત પોતાના જિગરી દોસ્ત સતીશ કૌશિક માટે લખીશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. ૪૫ વર્ષની દોસ્તી પર અચાનક પૂર્ણવિરામ! તારા વિના જીવન હવે પહેલાં જેવું ક્યારેય નહીં હોય સતીશ! ઓમ શાંતિ.
મિત્રોના કહેવાથી અને પોતાને પણ આ બાબત સજાગતા આવ્યા પછી ૨૦૨૩ની સાલમાં પોતાના સ્વાસ્થ્ય પર ફોકસ કરવાનો સતીશ કૌશિકે સંકલ્પ કર્યો હતો. આ માટે તેઓ વજન ઘટાડવાના પ્રયત્ન કરવા માંડ્યા હતા. તેમણે દરરોજ ૧૦,૦૦૦ ડગલાં ચાલવાનો સંકલ્પ કર્યો હતો અને એ માટે તેઓ એકાંતરે ૯૦ મિનિટ સુધી ચાલતા હતા. ફિટનેસ પર ધ્યાન આપવા તેમણે એક ટ્રેઇનર પણ રાખ્યો હતો. તેમના વર્ક આઉટના વીડિયો તેઓ ઇન્સ્ટાગ્રામ પર પણ શેઅર કરતા હતા જેથી તેમને જોઈને તેમના ચાહકોને પણ પ્રેરણા મળે. તેમણે ખાવા-પીવા પર પણ સંયમ રાખવા માંડ્યો હતો. આ બધા પ્રયત્નો દ્વારા તેમણે લગભગ આઠેક કિલો વજન ઓછું કર્યું હતું. જોકે કદાચ તેમના આ પ્રયાસો બહુ મોડા શરૂ થયા હતા અને અદોદળાપણાએ તેમ જ તેમની બેદરકારીભરી લાઇફસ્ટાઈલને કારણે તેમના હૃદયને કદાચ નુકસાન પહોંચી ચૂક્યું હતું. જેના પરિણામ સ્વરૂપે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું.
ડૉક્ટરો જોકે એ ચકાસણી કરવા માગે છે કે તેમના મૃત્યુનું કારણ હાર્ટ-એટેક જ હતું કે નહીં અને એ માટે તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે તો દેખીતી રીતે તેમનું વધુ પડતું વજન અને લાઇફ સ્ટાઈલ જ હાર્ટ-એટેક માટે જવાબદાર હોય એવા નિષ્કર્ષ પર ડૉકટરો પહોંચી રહ્યા છે.
આ અભિનેતાએ આપણા વચ્ચેથી અણધારી વિદાય લઈ લીધી છે પણ તેમણે નિભાવેલાં પાત્રો થકી તેઓ ચાહકોના હૃદયમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. ‘મિ. ઇન્ડિયા’ ફિલ્મમાં કેલેન્ડરના પાત્રથી અભિનેતા સતીશ કૌશિકને પોતાની એક ખાસ ઓળખ પ્રાપ્ત થઈ હતી. કેલેન્ડરના પાત્રમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા અને તેઓ દર્શકોમાં પણ ખૂબ પ્રિય બની ગયા હતા. આ સિવાય ‘રામ લખન’ ફિલ્મમાં કાશીરામ, ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’માં ચંદા મામા, ‘સાજન ચલે સસુરાલ’માં મુત્થુ સ્વામી, ‘દીવાના મસ્તાના’ ફિલ્મમાં પપ્પુ અને ‘પરદેસી બાબુ’માં હેપ્પી હરપાલ સિંહ જેવાં પાત્રો માટે પણ તેઓ હંમેશાં યાદ રહેશે. તેઓ તેમની પંચ લાઈન અને પરફેક્ટ કોમિક ટાઇમિંગથી દર્શકોનું દિલ જીતી લેતા હતા. કોમેડી ફિલ્મો થકી તેમણે દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું.
સતીશ કૌશિકે લગભગ ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો અને એકાદ ડઝન ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.
તેઓ દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં ઉછર્યા હતા. તેમના પિતા એક મામૂલી સેલ્સમેન હતા. એ વખતે તેમના પિતાની આવક મહિને માત્ર ૩૦૦ રૂપિયા હતી અને પરિવારમાં આઠ સભ્યો હતા! અર્થાત તેમનું બાળપણ બહુ ગરીબીમાં વીત્યું હતું. જો કે સતીશ કૌશિકે નાનપણથી જ બહુ મોટા સપનાંઓ જોવાનું શરૂ કરી દીધું હતું જેને તેમણે પછીની જિંદગીમાં સાકાર પણ કર્યા હતા.
તેઓ સ્કૂલમાં હતા ત્યારે તેમણે એક કથાવાચક પંડિતની એકોક્તિ કરી હતી. એવા કથાવાચકનું પાત્ર ભજવ્યું હતું જેની નજર શ્રોતાઓમાં બેઠેલી સ્ત્રીઓ પર જ રહેતી હોય. તેમના આ પરફોર્મન્સે લોકોને ખૂબ હસાવ્યા હતા અને તેમને ખૂબ બધી તાળીઓ પણ મળી હતી. તેઓ એ જ કોલેજમાં ભણ્યા હતા જ્યાં અગાઉ અમિતાભ બચ્ચન ભણી ચૂક્યા હતા. કોલેજમાં તેમનો પરિચય નાટક જગતના દિગ્ગજો ફ્રેંક ઠાકરુદાસ અને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ઇબ્રાહિમ અલકાઝી સાથે થયો. બીએસસીનો અભ્યાસ કરતા-કરતા તેમનો મોટા ભાગનો સમય નાટકોના રિહર્સલ રૂમમાં જ પસાર થતો હતો.
એક દિવસ ફ્રેંક ઠાકુરદાસે સતીશ કૌશિકને પોતાની ઑફિસમાં બોલાવીને કહ્યું હતું કે સતીશ, તારે વ્યાવસાયિક અભિનેતા બનવું જોઈએ. એ વખતે સતીશ કૌશિક સાવ એકવડિયા બાંધાના હતા અને તેમને લાગતું હતું કે તેઓ એક્ટર બનવા જેટલા દેખાવડા પણ નથી. જો કે ફ્રેંક ઠાકુરદાસે તેને કહ્યું હતું કે જ્યારે તું અભિનય કરે છે ત્યારે મને એક સુંદર વ્યક્તિ લાગે છે.
એનએસડીમાં જોડાયા ત્યાં સુધી સાહિત્ય કે ક્લાસિક નાટકો સાથે સતીશ કૌશિકનો પરિચય નહીંવત હતો, પરંતુ ત્યાર બાદ તેમણે યુરોપિયન, અમેરિકન નાટ્યકારો સાત્રે, ઇબ્સન, ચેખોવ, શેક્સપિયર જેવા લેખકોને વાંચી નાખ્યા એટલું જ નહીં પણ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પણ વાંચ્યું
એનએસડીમાંથી બહાર નીકળ્યાના એક વર્ષમાં તેઓ મુંબઈ આવી ગયા હતા. મુંબઈમાં તેમણે પહેલાં તો પૃથ્વી થિયેટરમાં બિચ્છુ નામના નાટકમાં એક
ભૂમિકા ભજવી હતી. એ વખતે સતીશ કૌશિકની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. તેમની પાસે રહેવા માટે વ્યવસ્થિત સ્થાન પણ નહોતું એટલે તેઓ જૂહુના દરિયાકિનારે ચાલતા-ચાલતા પોતાના સંવાદો પાકા કરતા હતા. આ નાટકમાં તેમના અભિનયની નોંધ લેવાઈ હતી. તેઓ માનતા હતા કે જો તમે ટેલેન્ટેડ હો તો મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમારી નોંધ લે જ છે.
તેમને ૧૯૮૩માં ‘માસૂમ’ અને ત્યાર બાદ ૧૯૮૫માં ‘સાગર’ ફિલ્મમાં ભૂમિકા મળી હતી. તેમની આ બન્ને ભૂમિકાની નોંધ લેવાઈ હતી જેના પગલે તેમને ‘મિ. ઇન્ડિયા’માં કેલેન્ડરનો યાદગાર રોલ મળ્યો હતો. ત્યાર બાદ તો આ ભૂમિકા તેમની ઓળખ બની ગઈ હતી. ત્યાર પછીની તેમની ભૂમિકાઓને પણ તેમણે યાદગાર બનાવી હતી. ‘સાજન ચલે સસુરાલ’ ફિલ્મમાં મુત્થુ સ્વામીની ભૂમિકા માટે તેમને ‘ફિલ્મ ફેઅર એવોર્ડ’ પણ મળ્યો હતો.
૯૦ના દાયકામાં તેમણે દિગ્દર્શન પર હાથ અજમાવ્યો હતો. જો કે તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો’ કા રાજા ફ્લોપ થઈ હતી, પરંતુ ત્યાર પછીની ‘હમ આપકે દિલ મેં રહતે હૈં’ અને ‘તેરે નામ’ જેવી ફિલ્મો બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.
હાસ્ય અભિનેતા તરીકે ખૂબ લોકપ્રિય થયેલા સતીશ કૌશિક જો કે પછીથી એક જ પ્રકારના કોમેડી રોલ કરીને કંટાળી ગયા હતા. ૨૦૧૬ની સાલમાં રિલીઝ થયેલી ‘ઉડતા પંજાબ’ ફિલ્મમાં તેમણે તાયાજીનો રોલ કર્યો હતો જે પણ ખૂબ વખણાયો હતો. ‘સ્કેમ’ વેબસિરીઝમાં તેમણે નિભાવેલી મનુ મુંદ્રાની ભૂમિકા પ્રમાણમાં નાની હોવા છતાં તેની નોંધ લેવાઈ હતી અને તેમના અભિનયને બિરદાવવામાં આવ્યો હતો.
આ વર્ષની શરૂઆતથી તેઓ પોતાના સ્વાસ્થ્ય પરત્વે સજાગ થયા હતા અને કોમેડી ભૂમિકાઓને બદલે જેમાં તેઓ પોતાના અભિનયની કળાને દર્શાવી શકે એવા વિવિધ રોલ કરવા માગતા હતા અને અભિનેતા તરીકે પોતાની એક વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરવા માગતા હતા. તાજેતરમાં જ તેમણે ઇમરજન્સી અને પટના શુક્લા નામની ફિલ્મોનું શૂટિંગ પૂરું કર્યું હતું.
તેઓ પોતાની આ અલગ ઓળખ સારી રીતે સર્જે એ પહેલાં જ તેમણે આ જગતને અલવિદા કહી દીધું છે. જોકે સતીશ કૌશિક તેમણે નિભાવેલી ભૂમિકાઓ માટે બોલીવુડમાં અને તેમના ચાહકોના હૃદયમાં હંમેશાં રહેશે એ અંગે બેમત નથી.