જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન અને પૂર્વ સાંસદ નવીન જિંદાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.આ ધમકી લેખિતમાં આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, નવીન જિંદાલને મારી નાખવાની ધમકી આપતો આ પત્ર રાયપુરના જિંદાલ સ્ટીલ પ્લાન્ટને મોકલવામાં આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ તેના બદલામાં ખંડણી પણ માંગી હતો. આરોપીએ ખંડણી તરીકે 5 મિલિયન બ્રિટિશ પાઉન્ડની માંગણી કરી હતી. પોલીસે ધમકીભર્યો પત્ર કબજે કરીને તપાસ શરૂ કરી હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પત્ર બિલાસપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કેદીએ લખ્યો હતો. જેલમાં બંધ આ કેદીની ઓળખ કેદી નંબર 4563-17 તરીકે થઈ છે. પત્રના આધારે પોલીસે કોટા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ 304, 506 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ હવે આ મામલે જલ્દી જ આરોપીની પૂછપરછ કરી શકે છે. JSPLના અધ્યક્ષ નવીન જિંદાલ 14મી અને 15મી લોકસભામાં હરિયાણાના કુરુક્ષેત્રથી લોકસભાના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ઉદ્યોગપતિ હોવા ઉપરાંત સમાજ સેવાની દિશામાં પણ અનેક નોંધપાત્ર કાર્યો કર્યા છે. નવીન જિંદાલ વસ્તી નિયંત્રણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ માટે સક્રિય પ્રચારક તરીકે પણ જાણીતા છે.