બે દાયકા અગાઉનું આર્થિક રીતે પછાત ગામ પરંપરા તરફ વળીને એટલું સમૃદ્ધ મૉડેલ વિલેજ બન્યું કે અત્યાર સુધીમાં ૩૪ દેશોના દસ લાખથી વધુ માણસો આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે !
આશુ પટેલ
મુંબઈ સમાચારની વિશેષ પૂર્તિ માટે કોઈ વિશિષ્ટ ગામ વિશે લખવા માટે સંપાદકે મને કહ્યું ત્યારે સૌ પ્રથમ મને જામકા ગામ યાદ આવ્યું. મારા દાયકાઓ જૂના મિત્ર દિવ્યકાંત ભુવાને કારણે હું આ ગામ વિશે જાણું છું. આર્થિક રીતે પછાત એવા આ ગામમાં છેલ્લા બે દાયકામાં અકલ્પ્ય પરિવર્તન આવી ગયું છે.
આ ગામ વિશે માહિતી મેળવવા માટે મેં આ ગામના સરપંચ રમેશભાઈ સોલીઆ અને ઉપસરપંચ પુરુષોત્તમભાઈ સીદપરાનો સંપર્ક કર્યો. મિતભાષી રમેશભાઈએ ટૂંકમાં વાત કરી, પણ પુરુષોત્તમભાઈએ લંબાણપૂર્વક માહિતી આપી. પુરુષોત્તમભાઈનો આ ગામમાં પરિવર્તન લાવવામાં સિંહફાળો છે.
પુરુષોત્તમભાઈએ ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં કહ્યું, “મેં ભણતર પૂરું કર્યા પછી ખેતી કરવાનો નિર્ણય કર્યો. ૧૯૯૯માં પાણીની સમસ્યા હતી એટલે એ સમય દરમિયાન અમે તકલીફ ભોગવતા હતા. અને ત્યારે મનસુખભાઈ સુવાગિયાએ કહ્યું કે “ગામના ઉદ્ધાર માટે જળસંચયનું કામ કરવું જોઈએ. એટલે અમે તરત આ આખી વાતને ઉપાડી લીધી. અમને સમજાયું કે આ આપણા ઉધ્ધાર માટેનું કામ છે ને સૌથી પહેલા આ કામ થવું જોઈએ. એટલે લોકોના પૈસા અને શ્રમદાન થકી માત્ર ચાર મહિનાના સમયમાં અમે ૫૧ ચેકડેમ અને બે તળાવ માત્ર દસ લાખ રૂપિયાના ખર્ચથી બનાવ્યાં. એ પછી સ્થાનિક અખબારોએ અમારા એ અભિયાન વિષે ખૂબ લખ્યું એટલે આ વાત સરકારના ધ્યાનમાં ગઈ. એ વખતે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. કિસાન સંઘના અધ્યક્ષ પ્રફુલભાઈ સેંજલિયાએ કેશુભાઈને અમારા ગામ વિષે વાત કરી અને કેશુભાઈ આખી મિનિસ્ટ્રી સાથે જામકા આવ્યા.. એ વખતે પચાસ હજાર લોકો સ્વયંભૂ અમારા ગામમાં આવ્યા. ગુજરાત સરકારની આખી મિનિસ્ટ્રી આવી એ પછી કેશુભાઈને એવું લાગ્યું કે ગામડાના ખેડૂતો આવું કરી શકે એમ છે એટલે તેમણે ૧૯૯૯માં ૬૦:૪૦ની યોજનાની જાહેરાત કરી. એટલે કે ૬૦ ટકા પૈસા સરકાર આપે અને ૪૦ ટકા લોકો ફાળો આપે એવી યોજના. તેમણે એ યોજનાને ‘સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના’ નામ આપ્યું. ૧૯૯૯માં તત્કાલીન મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ જામકા આવ્યા એ કાર્યક્રમમાં સ્વામી સચ્ચિદાનંદ પણ આવ્યા હતા. તેમણે એવું કહ્યું કે “આ કોઈ નાનું કામ નથી. આને જળક્રાંતિ કહેવાય, અભિયાન નહીં. આ ગામ જળક્રાંતિની જન્મભૂમિ તરીકે ઓળખાશે. અને આ ગામની પ્રેરણાથી આખા રાજ્યમાં અને દેશના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં બધે આવું કામ થશે.
પુરુષોત્તમભાઈએ આગળ કહ્યું: “આ યોજનાને જોવા માટે અત્યાર સુધીમાં ૩૪ દેશના દસ લાખથી વધારે લોકો આવ્યા છે. જેમાં આઈઆઈએસ, આઈપીએસ જેવા સરકારી અઘીકારીઓથી લઈને ઘણા બધા મહાનુભાવોનો સમાવેશ થાય છે. સંસ્થાઓના ટ્રસ્ટીઓ પણ આવતા રહે છે.
“જળસંચયની યોજના સફળ થઈ એ પછી ૧૯૯૯થી આજ સુધીમાં જામકામાં ક્યારેય પાણીની અછત નથી થઈ. દુષ્કાળનું વર્ષ હોય, આખું વર્ષ વરસાદ ન હોય તો ય જામકામાં પિયત થાય. ૧૯૯૯માં એવી સ્થિતિ હતી કે શિયાળુ પાક લેવામાં જામકાની કુલ ટોટલ જમીન ૬૦૦૦ વીઘા છે એમાંથી ૪૫૦૦ વીઘામાં ખેતી થાય છે. આ ૪૫૦૦ વીઘામાંથી ૪૦ ટકા જમીન શિયાળામાં પડતર રહેતી એને બદલે હવે શિયાળામાં ૧૦૦ ટકા જમીનમાં પાક લઈ શકાય છે અને ખેડૂતો હવે ઉનાળામાં પણ ૮૦ ટકા જમીનમાં પાક લઈ શકાય છે અને ૯૦ ટકા વરસાદ પહેલા મગફળી વવાય છે!
પુરુષોત્તમભાઈ કહે છે કે, “જળક્રાંતિને કારણે ગામના લોકો આર્થિક રીતે સદ્ધર પણ થયા. એક વીઘાની આવક ગણીએ ઉનાળુ પાકની વાત કરીએ તો અત્યારે મોટે ભાગે તલના વાવેતર થાય છે. અત્યારે તલનો એક મણ (૨૦ કિલો)નો ભાવ ૩૦૦૦ રૂપિયા છે. અને એક વીઘામાં ઓછામાં ઓછું ૧૦થી લઈને ૧૫ મણ ઉત્પાદન ગણીએ તો વીઘા દીઠ ૩૦ હજારથી ૪૫ હજાર રૂપિયાનું ઉત્પાદન થાય, માત્ર દસ મણ ગણો તો ૩૦,૦૦૦ રૂપિયાનું ઉત્પાદન થાય. ડેમ બન્યા એ પહેલાં ઉનાળુ પાક નહોતા થતા અને હવે ૨૦૦૦ વીઘામાં ઉનાળુ પિયત હોય છે. હવે ૨૦૦૦ ને ૩૦ વડે ગુણો એટલી આવક વધી. તલની જેમ મગનો પાક પણ લેવાય છે.
ગામના ખેડૂતોના દીકરા નાના ગામના ખેડૂતોને રોજગાર માટે ફેક્ટરીઓ કે બીજે નોકરી કરવા માટે જવું પડતું હતું એ ગામમાં રોજગારી મળી. મજૂરો કામ માટે ગામ છોડીને પલાયન થઈ રહ્યા એને બદલે તેમને પણ રોજગારી મળી. અત્યારે ગામમાં ૩૨૦૦ માણસોની વસ્તી છે. ૧૯૯૯માં ૨૮૦૦ની આજુબાજુ હતી. આર્થિક સમૃદ્ધિને કારણે બધાના રોજગાર સરસ રીતે ચાલે છે.
એ પછી ગામમાંથી ગાયો લુપ્ત થતી હતી તો અમે પશુસંવર્ધનનું અભિયાન શરૂ કર્યું. ‘ગાય આપણે આંગણે’ એવી યોજના બનાવી. શરૂઆત કરી ત્યારે ૫ ગાયથી કરી હતી અત્યારે માત્ર મારી પાસે ૧૦૬ ગાય છે. અને ગામના ૩૫૦ ખેડૂતોના ઘરેઘરે એકથી માંડીને પાંચ ગાય છે. રોજગાર માટે મારા બે-ત્રણ મિત્રો છે એમાંના એક રાજેશભાઈએ ૪૦ ગાયો રાખી છે. તેઓ ગાયનું સંવર્ધન કરે છે અને પોતે દૂધ લોકો સુધી પહોંચાડે છે.
અમારું એક મિશન છે. અમારા એક સ્વજન રાધીબેન છે. તેઓ અમેરિકા રહે છે. તેમની ભાવના બહુ ઉમદા છે. તેઓ પ્રકૃતિ બચાવવા માગે છે. આ દેશને ઝેરમુક્ત બનાવવાની અમારી ઇચ્છા છે. આ દુનિયાને ઓર્ગેનિક અનાજ કોઈ ટેક્નોલોજી નહીં આપી શકે, પણ ખેડૂત આપી શકશે. ૨૦૦૨થી અમે અમારા ગામમાં ઓર્ગેનિક ખેતી પણ શરૂ કરી છે. ‘ગાય આપણે આંગણે’ યોજનાની શરૂઆત પણ અમે એ વર્ષથી જ શરૂ કરી હતી. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ પણ અમે ત્યારથી કર્યો. પછી આખા દેશના લોકોએ ફોલો કર્યું. આપણા દેશનો કોઈ જિલ્લો એવો નહીં હોય, કદાચ તાલુકો પણ એવો નહીં હોય, જયાંથી ખેડૂતો જામકા ગામની મુલાકાતે ન આવ્યા હોય. અને અમે તેમને તાલીમ ન આપી હોય. આફ્રિકન દેશોના એનજીઓવાળાઓ અને ખેડૂતો અને કેટલાક દેશોના તો કૃષિમંત્રીઓ પણ અહીં આવી ગયા છે. અહીં સૌથી પહેલું કામ પાણીના સંગ્રહનું થયું એટલે અમે અમારો ખેતીને મુદ્દે જે ડર હતો એ નીકળી ગયો. વળી, પૂરતું પાણી હોય એટલે અમે ગાયો રાખવામાં પાછા ન પડીએ એટલે ગાયનું સંવર્ધન કરીને પાંચ ગાયનો સંકલ્પ કર્યો. અને પછી સમજાયું તો મેં કહ્યું કે પાંચસો ગાયો
રાખવી છે.
દુનિયામાં સૌથી અગ્રક્રમે કરવા જેવું કોઈ કામ હોય તો હેલ્થને લગતું છે. અને હેલ્થને લગતું કામ અમે હાથ ધર્યું છે. ગામમાં ગરીબ માણસો હોય, ઘણા તો એવી ગરીબ પરિસ્થિતિમાં હોય કે સારા કપડાં પણ ન પહેરી શકતા હોય. ખેતમજૂરી કરતા હોય એવા માણસોને રોજગારી આપવાની. જેને કોઈ રોજગારી ન આપે એવા લોકોને કામ આપવાનું. મેં પણ મારી વાડીમાં લોકોને કામ આપ્યું છે. જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય એવા પરિવારોનો સર્વે કરવાનો અને તેમને ગાયનું દૂધ આપવાનું. અને ખાસ તો ગરીબ મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન ગાયનું શુદ્ધ દૂધ અને ઘી પૂરા પાડવાની જવાબદારી અમે ઉઠાવી લઇએ છીએ. ગર્ભાવસ્થા દરમિયાન ગાયોને ન્યૂટ્રિશન ફૂડ આપવું જોઈએ. અને એ ગરજ ગાયનું ઘી સારે છે. સતાવરીના રસમાંથી એક ઔષધિય ઘી બને છે. આયુર્વેદમાં લખ્યું છે કે જે સ્ત્રીને પ્રેગ્નન્સી દરમિયાન આ ઘી ખવડાવવામાં આવે તેનું બાળક અત્યંત તેજસ્વી બને. જે એલોપેથિની દવાઓ પાછળ એક કરોડ રૂપિયા ખર્ચવાથી પણ ન થાય. અને એના અમારી પાસે ઘણા દ્રષ્ટાંતો છે. મજૂરવર્ગની મહિલાઓને પણ એ આપવાનું. અને જૂના સમયમાં આપણે પ્રસૂતિ પછી પ્રસૂતાને પોષણ માટે આપણે ૩૨ જાતની ઔષધિ નાખીને લાડુ બનાવીને ખવડાવતા. એવા લાડુ બનાવીને પ્રસૂતાને આપવાના. મારી પત્ની પણ એવા લાડુ બનાવે અને જાતે આપવા જાય. ગર્ભસંસ્કાર અને ગર્ભવિજ્ઞાનની શું તાકાત છે એના નમૂના બનાવીને અત્યારે અમે ગર્ભસંસ્કાર કેન્દ્ર પણ ચાલુ કર્યું છે. આજુબાજુના ૫૦ ગામની જેટલી ગર્ભવતી સ્ત્રીઓ હોય તેમને ટોટલ ન્યૂટ્રિશન ફૂડ ફ્રી આપવાનું મિશન અમે હાથ ધર્યું છે. અમે જામકામાં સૌપ્રથમ ‘પાયલોટ’ પ્રોજેકટ તરીકે પ્રયોગ કર્યો હતો. મારા બંને દીકરાને ત્યાં એકએક દીકરીઓ આવી છે એને તમે જોઈ જજો તો ખ્યાલ આવશે કે ગર્ભસંસ્કાર અને ગર્ભવિજ્ઞાનની શું તાકાત છે!
અમારા વિસ્તારના ૫૦ ગામની જેટલી ગર્ભવતી સ્ત્રીઓ હોય તેમને ટોટલ ન્યૂટ્રિશન ફૂડ ફ્રી પહોંચાડવા માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. એ માટે અત્યારે મોટું કિચન અને વિશાળ હોલ બની ગયો છે. મે મહિનામાં અમે એનું સત્તાવાર રીતે ઓપનિંગ કરીશું. આ પ્રોજેકટ માટે અમે એક ફૂડ વેન બનાવી છે જે દરેક ગર્ભવતી સ્ત્રીના ઘરે જઈને બપોરનું ભોજન પહોંચાડશે. એ રસોઈ અહીં બનશે અને એ પણ પ્રાકૃતિક પદાર્થોમાંથી. એના માટે અમે એક વાન બનાવી છે ‘પિકઅપ’ એની અંદર રસોઈ તૈયાર થાય એટલે ગરમાગરમ રહે એવી સુવિધા પણ છે એમાં. સ્વયંસેવકો સિવાય અમે એવો સ્ટાફ પણ રાખ્યો છે જે ઘરે ઘરે જઈને સર્વે કરે, મોનિટરિંગ કરે, દર આઠ દિવસે એનું રિપોર્ટિંગ કરે અને દર પંદર દિવસે લેબ ટેસ્ટ કરે કે જે તે પ્રસૂતાના શરીરમાં હેમોગ્લોબિન કેટલું છે? આયર્ન કેટલું છે? અને તેમને આર્ટિફિશિયલ એટલે કે એલોપેથિક દવાઓ ન આપવી પડે એવા તમામ પ્રયાસો અમે કરીએ છીએ. બધા ઉપાયો પ્રાકૃતિક પદાર્થોમાંથી કરવાના. જેમ કે દરેક સ્ત્રીઓને આયર્નની જરૂર છે તો ભાવનગર જિલ્લાના દરિયાપટ્ટીના ગામડાઓની જમીનમાં ૭ ટકા આયર્ન છે એટલે ત્યાંનો બાજરો ખવડાવવા માટે બાજરો ત્યાંથી લાવીશું. બીજું આયર્ન ઓછું હોય તો આપણે ત્યાં ગીરમાં જે કરમદા ઊગે છે એમાં ૩૭ ટકા આયર્ન હોય છે. એટલે દરેક ગર્ભવતી બહેનને બે કિલો અથાણું કરમદાનું આપવાનું. એવા ઘણા બધા રસ્તા છે.
“અમેરિકામાં વસતા કનુભાઈ પટેલ આ કાર્યો જોઈને અમારી સાથે જોડાયા. તેમની મદદથી અમે હવે બહુ વિશાળ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. ગર્ભસંસ્કારનું જ્ઞાન આપવા માટે અમે વૈદ પાસે તાલીમ અપાવીએ છીએ. અત્યાર સુધી ગર્ભસંસ્કાર કેન્દ્ર પ્રાથમિક હતું. હવે ૫૦૦૦ સ્ક્વેર ફૂટનું બનાવ્યું છે. અને અલગથી ૧૮૦૦ સ્ક્વેર ફૂટનું કિચન બનાવ્યું છે. અત્યારે સ્ટાફમાં નવી ભરતીમાં ૧૫ માણસો લીધા છે. અને જૂના જે હતા દસેક જણા એ તો છે જ. રસોઈ માટે પણ ગામડાના લોકોને જ રાખ્યા છે જેથી તેમને રોજગારી મળે…
પુરુષોત્તમભાઈએ અસ્ખલિતપણે હજુ ઘણું કહ્યું. તેમણે કહેલી બધી વાતો એક લેખમાં સમાવવી એ ગાગરમાં સાગર સમાવવા સમાન છે એટલે લેખ અહીં પૂરો કરું છું.
બાય ધ વે, પુરુષોત્તમભાઈ માત્ર બાર ધોરણ સુધી ભણેલા છે અને તેમની સાથે ખભેખભા મિલાવીને કામ કરતા તેમના પત્ની સુશીલાબેન દસ ધોરણ સુધી ભણેલા છે અને હા, તેમના બંને દીકરા મિકેનિકલ એન્જિનિયર બન્યા છે, પણ તેમણે સ્વેચ્છાએ પિતાની સાથે ખેતી અને પશુપાલન પ્રવૃત્તિમાં જોડાવાનું પસંદ કર્યું છે.અને તેમની શિક્ષિત પત્નીઓ પણ બત્રીસોની વસ્તીવાળા ગામમાં રહેવામાં શરમ કે સંકોચ નથી અનુભવતી! મોટામોટા બણગાં ફૂંકતા રાજકારણીઓને બદલે આવા દેશી કોઠાસૂઝવાળા માણસોને રાજકારણમાં અને બને તો રાજ્યસભામાં લઈ જવા જોઈએ. અલગ રીતે વિચારી શકતા આવા માણસો દેશને નવી દિશા આપી શકે. રમેશભાઈએ કહ્યું કે “ગામના લોકોએ પોતાના ખર્ચે શ્રમદાનથી ૫૧ ચેકડેમ- તળાવ બાંધ્યાં છે. ગામ આખું પાણીના કારણે સુખી થયું. ગામલોકોએ ગૌપાલક્ષ શરુ કર્યું અને ૪૫૦ જણાએ પોતાના ઘરે ગીર ગાય બાંધી છે. અમારા ગામમાં ગાય આધારિત ખેતી થાય છે. અમારા ગામમાં મફત શિક્ષણ અપાય છે. અમારા ગામની આગવી ઓળખ આ બધા કાર્યોને કારણે થઈ છે અને દેશ-વિદેશના માણસો આ બધું જોવા માટે અહીં આવે છે.