રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં રૂપિયા 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરતા લોકોએ હવે 2 હજાર રૂપિયાની નોટ વટાવવા માટે બેંકોમાં લાંબી લાંબી લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું છે, પણ આજે આપણે અહીં વાત કરીશું ગુજરાવાસીઓના અનોખા ગુજ્જુ જુગાડ વિશે અને ગુજરાતમાં લોકોએ 2000ની નોટ વટાવા માટે બેંકોમાં નહીં પણ પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો લગાવી છે.
શુક્રવારે મોડી સાંજે આરબીઆઈ દ્વારા આ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી અને આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જાહેરાત બાદથી જ દેશભરમાં અફડાતફડીનો માહોલ જોવા મળે છે. રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં બેંકોના બદલે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાઈનો જોવા મળીરહી છે અને રાજ્યના વિવિધ વિસ્તારમાં પેટ્રોલ પંપ અનેક લોકો 2 હજારની નોટ વટાવવા આવી રહ્યા છે. અત્યાર સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ જે લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હતા એ લોકો પણ હવે ગુલાબી નોટ પેમેન્ટ તરીકે આપી રહ્યા છે.
લોકો ઘરમાં રહેલી રૂપિયા 2 હજારની નોટોનો નિકાલ કરવા પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે. અમદાવાદ, રાજકોટ સહિતના ગુજરાતના અનેક શહેરોના પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાઈનો લાગી ગઈ છે. તેઓ તેમના વાહનોમાં ફ્યુઅલ ભરાવ્યા બાદ 2 હજારની નોટ આપી રહ્યા છે. અમદાવાદના પેટ્રોલપંપ પર 2 હજાર રૂપિયાની નોટનો વધારો થયો છે.
આ મામલે પેટ્રોલ પંપના એક કર્મચારીએ એવું જણાવ્યું હતું કે, જેવા સમાચાર આવ્યા કે 2000ની નોટ ચલણમાંથી બાદ કરવામાં આવી રહી છે ત્યાર બાદથી પંપ પર 2000 રૂપિયાની નોટ પેમેન્ટ તરીકે વધારે જોવા મળી રહી છે. વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલ પૂરાવીને સીધી 2 હજારની નોટ સામે ધરી રહ્યા છે. પહેલાંની વાત કરીએ તો આખા દિવસ દરમિયાન પેટ્રોલ પંપ પર 2 હજાર રૂપિયાની 10થી 15 નોટ જ આવતી હતી અને હવે સમાચાર આવ્યા બાદ મોટી સંખ્યામાં 2-2 હજારની નોટો આવી રહી છે અને હવે દિવસથી 25થી 30 નોટ પેમેન્ટ તરીકે આવી રહી છે.
અમદાવાદ સિવાય રાજકોટના પેટ્રોલ પંપ પર પણ આવી પરિસ્થિતી જોવા મળી રહી છે. રાજકોટના પેટ્રોલપંપ પર પણ 2 હજાર રૂપિયાની નોટનો વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલ ભરાવીને લોકો રૂપિયા 2 હજાર રૂપિયાની નોટનો જ ઉપયોગ કરી રહ્યા છે. રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં 2000ની નોટોની આવક વધી છે. અત્યાર સુધીમાં લાખો રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટ પેટ્રોલ પંપ પર આવી છે. મોટાભાગના લોકો 2,000ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ અને અન્ય ચલણનો પણ લોકો દ્વારા ઓછો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પેટ્રોલ પંપના માલિકો દ્વારા આપવામાં આવી રહી છે.
જ્વેલર્સ પાસે પણ આવી રહી છે 2000 રૂપિયાની નોટ
પેટ્રોલ પંપની સાથે સાથે લોકો જ્વેલર્સ પાસે જઈને સોનું ખરીદીને પણ આ રૂપિયા 2000ની નોટ પેમેન્ટ તરીકે આપી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે લાખ રૂપિયા સુધીની 2000ની નોટ અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના વટાવી શકો છો, એટલે લોકો પેટ્રોલની સાથે સાથે સોનામાં પણ ઈન્વેસ્ટ કરીને પોતાના ઘરમાં પડી રહેલી 2000 રૂપિયાની નોટ વટાવી રહ્યા છે.