નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
હજારો વર્ષો પૂર્વે શ્રીમદ્દ ભાગવદ્દમાં ‘જીવો જીવસ્ય જીવનમ્’ જેવી વાસ્તવલક્ષી થિયરી અપાઈ છે. એક જીવ બીજા જીવનું ભોજન છે અને બીજાનું જીવન ટકાવી રાખવા માટેનો આધાર બને છે. ઈકો સાઇકલ એટલે કે જૈવિક ચક્ર અને પરસ્પરનું અવલંબન જેવા પાશ્ર્ચાત્ય સિદ્ધાંત તો બહુ મોડા આવ્યા. ભારતીય દર્શનશાસ્ત્રને તૂત ગણીને હસી કાઢનારાઓ એક વાર ભારતીય દર્શનશાસ્ત્રને જોવા સમજવા પ્રયાસ કરશે ત્યારે સમજાશે કે એ માત્ર તત્ત્વજ્ઞાન નથી, પરંતુ જીવનના વાસ્તવમાંથી નીપજેલું વૈજ્ઞાનિક જ્ઞાન છે.
વાત કરીએ જીવો જીવસ્ય જીવનમ્ થિયરીની. એક જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજા જીવોનું ભક્ષણ કરે, પરંતુ જેમ શિકારીને શિકાર કરીને પોતાનું પાપી પેટ ભરવું હોય છે, એ જ રીતે જે જીવો શિકાર થવા સર્જાયેલા હોય છે તેઓ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ તો કરવાનાને ? બસ શિકાર કરવાની અને શિકાર ન થવાની આ ગડમથલમાંથી લગભગ તમામ જીવોએ પોતાનું રક્ષણ અને બચાવ માટે અનેક પ્રકારની બચાવ પ્રયુક્તિઓ સિદ્ધ કરી છે. અમુક જીવોએ તદ્દન સહજ અને સામાન્ય રસ્તા અપનાવ્યાં છે જ્યારે કેટલાંક જીવો એવા છે જેમણે આપણું તાર્કિક મન માનવા તૈયાર ન થાય અને અચંબિત થઈ જવાય એવી તરકીબો શોધી
કાઢી છે.
આ પૃથ્વી પર સૌથી મોટી સંખ્યામાં જેનો શિકાર થતો હોય તે જીવ છે કીટક. કીટકોને જેમ જેમ સમજાતું ગયું કે પોતે સૌથી વધુ શિકાર બની રહ્યા છે ત્યારે તેમણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સહેલો નુસખો અજમાવ્યો, જે છે કરોડોની સંખ્યામાં પ્રજોત્પતિ અને પ્રજનનનો સમયગાળો ટૂંકો કરી દીધો. એ જ રીતે જે જીવો પોતે શિકારી હતા અને તેમના જીવ પર ખતરો નહોતો અથવા ઓછો હતો તેઓના બચ્ચાંની સંખ્યા ઓછી થતી ગઈ. કુદરતની કરામતો પણ કેટલી અજીબોગરીબ હોય છે નહીં ? જાળ હોય, જમીન હોય કે આસમાન હોય દરેક પરયાવાસમાં જીવતા જીવોએ આ ટેકનિક અપનાવી જ છે. જમીન પર શિકાર થયેલા કીટકોને જમીન પર વસવામાં ખતરો લાગવા લાગ્યો, તેથી ધીમે ધીમે ઊડતા કીટકોની જાતો વિકસિત થઈ. અને જેમ જેમ આ કીટકોનો શિકાર કરતા જીવોને કીટકોની આ ચાલાકી સમજાઈ ત્યારે કરોળિયા જેવા જીવોએ વૃક્ષો પર રહી જાળ ગૂંથીને શિકાર કરવાનું ચાલુ કર્યું. અમુક જીવો જે સમુદ્રના પાણીમાંથી પૃથ્વી પર રહેવા અનુકૂલન સાધી રહ્યા હતા તેઓને સમજાયું કે પૃથ્વી પર પણ એટલો જ ખતરો છે, તેથી તેમણે પોતાના શરીરની રચનાને સંપૂર્ણ પણે બદલીને જળચર અને ભૂચર એમ બન્ને સ્થિતિમાં જીવી શકાય તેવી બનાવી દીધી. આ જીવોએ આપણે ઉભયજીવી તરીકે વર્ગીકૃત કર્યા છે. આવાં પ્રાણીઓમાં પાણીના કાચબા, દેડકા અને એવા બીજા થોડા જીવોનો સમાવેશ થાય છે.
આવી જ એક ઉભયજીવી જાતિ અંગે આપણે વાત કરીશું. વિશ્ર્વમાં એક જાતિ છે જે ગરોળી જેવી જ છે પરંતુ તે ઉભયજીવી છે. આ જાતિ છે સાલામાન્ડર. વિશ્ર્વમાં આશરે ૬૫૦ જેટલી જાતિના સાલામાન્ડર છે અને એ જાતિમાની એક પ્રજાતિ છે ન્યૂટ. સાલામાન્ડરની જ એક પ્રજાતિ એવી ન્યૂટની લગભગ ૬૦ કરતાં પણ વધારે જાતિઓ છે. એવું કહેવાય છે કે બધા સાલામાન્ડર ન્યૂટ નથી હોતા, પરંતુ બધા ન્યૂટ સાલામાન્ડર હોય જ છે. મહદઅંશે આ જીવ જળ સ્રોતની આજુબાજુમાં જ જોવા મળે છે. આ ન્યૂટસ પોતે નાના શિકારી હોવા છતાં તેનો શિકાર પણ થાય છે, તેથી આ જાતીએ પોતાના બચાવમાં અન્ય જીવોની જેમ અવનવી બચાવ પ્રયુક્તિઓ શોધી કાઢી છે. સર્પોમાં આવી વિવિધ પ્રયુક્તિઓ જોવા મળી છે. એક સર્પ હુમલાનો ભય દેખાય તો પોતે મૃત્યુ પામેલો છે એવું નાટક તો કરે જ છે પરંતુ વધુમાં સડી ગયેલો મૃતદેહ છે એવી ગંધ છોડે છે ! અમુક જાતિના સર્પો પોતે બિનઝેરી હોવા છતાં અન્ય ઝેરી સર્પો જેવા રૂપ રંગ અને આક્રમકતા અપનાવીને પોતાનો બચવા કરે છે. આફ્રિકન સર્પોની અમુક જાતિઓએ પોતાનો બચાવમાં ઝેરની પિચકારી છોડતા શીખી લીધું છે.
હવે વાત કરી આપણા ન્યૂટ ભાઈની. ભારત અને સમગ્ર એશિયા ખાંડમાં આપણાં ન્યૂટભાઈની કુલ મળીને આશરે ૪૦ જેટલી જાતિઓ જોવા મળે છે. તેમાં હિમાલયન ન્યૂટ, ક્રોકોડાઈલ ન્યૂટ, રેડ નોબી ન્યૂટ જેવી જાતિઓનો સમાવેશ થાય છે. આ તમામ ન્યૂટસની જાતિઓમાં પોતાના બચાવ માટે એક સામાન્ય બચાવ પ્રયુક્તિ જોવા મળે છે. શિકારી જ્યારે ન્યૂટ પર હુમલો કરે છે ત્યારે તમામ પ્રકારના ન્યૂટસ પોતાની ચામડીમાંથી એક પ્રકારનું સફેદ ચીકણું ઝેરી પ્રવાહી છોડે છે. આ પ્રવાહી શિકારીઓને ભયંકર તકલીફ અને પીડા આપે છે અને અમુક કિસાઓમાં આ ઝેર શિકારી માટે ઘાતક પણ પુરવાર થાય છે.
ન્યૂટની એક જાતિ છે સ્પેનિશ ‘રીબ્ડ ન્યૂટ’ નામની એક પ્રજાતીએ પોતાના બચાવના આ ઝેરીલા બચાવમાં થોડો વધારો કરીને વધુ ઘાતક બનાવ્યો છે. આ સ્પેનિશ ન્યૂટ પર જ્યારે હુમલો થાય છે ત્યારે તે પોતાની ચામડીના છિદ્રોમાંથી ઝેર તો કાઢે જ છે, પરંતુ તેને ખ્યાલ છે કે ઝેર કદાચ પૂરતું ન થઈ રહે તો કશુંક નવું કરવું પડશે. તેથી પોતાનું ઝેર શિકારીના રક્ત સુધી પહોંચાડવા માટે કશુંક નવું કરવું પડશે. સ્પેનિશ ન્યૂટે એ માટે એક નવો તરીકો શોધી કાઢ્યો છે. હુમલાના કિસ્સામાં કે હુમલાનો ડર લાગે ત્યારે સ્પેનિશ ન્યૂટ પોતાની પાંસળીઓને ૫૦ ડિગ્રી સુધી સીધી કરીને પોતાની જાડી ચામડીને ચીરીને બહાર આવે તેવું કરે છે. ચામડી ચીરીને બહાર આવેલી આ પાંસળીઓ ઝેરીલા કાંટાનું કામ કરે છે જે તેના શિકારીની ત્વચાને ભેદીને ન્યૂટનું ઝેર તેના રક્ત સુધી પહોંચાડી દે છે. આમ ન્યૂટનું ઝેર ઘાતક તો હોય જ છે, પરંતુ તે જો શિકારીના રક્ત સાથે ભળે તો મોટું નુકસાન પહોંચાડે છે. મજાની વાત એ છે કે પોતાના જ ઝેરની અસર ન્યૂટને પોતાને નથી થતી અને પાંસળીઓથી ઈજા થયેલી ચામડીને ન્યૂટભાઈ પોતાને અજબ શક્તિઓ વડે ખૂબ જ ઝડપથી રુઝાવી શકે છે.