વાનખેડે સ્ટેડિમમાં ઊભું કરાશે ક્રિકેટ જગતના લિજેન્ડનું સ્ટેચ્યુ
મુંબઈ: સચિન તેંડુલકરના ૫૦મા જન્મદિન નિમિત્તે તેને એમસીએ તરફથી એક ખાસ ભેટ આપવામાં આવશે. શહેરના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમ પર ભારતરત્ન ક્રિકેટના સ્ટાર સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવશે. એમસીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સચિન તેંડુલકરનું આ પૂતળું ચારથી પાંચ મહિનામાં પૂરું કરી દેવામાં આવશે, એવી માહિતી એમસીએએ આપી હતી.
સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ વાનખેડે સ્ટેડિયમમાં જે ઠેકાણે ઊભું કરવામાં આવશે એ જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે. એમસીએ લોન્જની નજીકની જગ્યા પર સચિન તેંડુલકરનું આ પૂતળું ઊભું કરવામાં આવશે. વાનખેડે સ્ટેડિયમ પર ઊભું કરવામાં આવનારા આ પૂતળાનું અનાવરણ વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે, એવું એમસીએ જણાવ્યું હતું.
એમસીએના અધ્યક્ષે આ અંગે વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે સચિન તેંડુલકરનો ૫૦મો જન્મદિન ૨૪મી એપ્રિલે છે અને એ ભારતરત્ન છે. આને કારણે તેમના ૫૦મા જન્મદિન પ્રસંગે એમસીએ તરફથી ખાસ ભેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મારા માટે આ મોટી ભેટ છે: સચિન તેંડુલકર
વાનખેડે સ્ટેડિયમમાં પોતાનું સ્ટેચ્યુ ઊભું કરવા માટે એમસીએએ લીધેલા નિર્ણય અંગે સચિન તેંડુલકરે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારી ક્રિકેટની કારકિર્દી આ જ મેદાનથી શરૂ થઇ હતી. હું ૧૨ વર્ષની ઉંમરથી મુંબઈ વતી ક્રિકેટ રમું છું. શારદાશ્રમ શાળા તરફથી રમતો હતો ત્યારે હું મારી એક સિનિયર ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં એક વાર આવ્યો હતો અને બીજી બાજુ મારા ગુરુ આચરેકરે મારી મેચ શિવાજી પાર્કના મેદાનમાં રાખી હતી. એ સમયે મને મારા ગુરુએ ખૂબ ઠપકો આપ્યો હતો અને ઘણું સંભળાવ્યું હતું. એમના ઠપકાએ મને ઘણો આંચકો આપ્યો હતો અને એ દિવસથી મારી ક્રિકેટ જર્ની શરૂ થઇ હતી.
એ સમય બાદ હું ત્યાં રણજી ટ્રોફી રમ્યો. ક્રિકેટમાં સૌથી મોટો દિવસ એટલે વર્લ્ડ કપ. જે વખતે અમે વર્લ્ડ કપ જીત્યા હતા એ પણ આ જ મેદાન હતું. ક્રિકેટમાં મારા માટે એ દિવસ ખૂબ જ મહત્ત્વનો હતો. મારી નિવૃત્તિ સુદ્ધાં આ જ મેદાન પર થઇ હતી. એસોસિયેશને મને આટલું માન આપ્યું એ જ મારા માટે મોટી ભેટ છે.