ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
ભવ્ય વાર્તાઓ સંગોપીને બેઠેલ ઇતિહાસ આપણામાં જિજ્ઞાસા જગાવીને કઈક નવી ખોજ કરવા માટેનું ઇજન પૂરું પાડે છે. સતત કંઈક નવું ખોજતા રહેતા જનો માટે ગુજરાતમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યો અને એની સાથે જોડાયેલી વાર્તાઓ જાણે તેમની આત્માનો ખોરાક છે. ગુજરાતમાં માનવ સંસ્કૃતિના ખેડાણ થયા ત્યારથી માંડીને અત્યાર સુધીના સાંસ્કૃતિક ખેડાણને જોઈએ તો એક વાત સ્પષ્ટ રીતે તારવી શકાશે કે ગુજરાતી પ્રજા હંમેશા વ્યાપારી અભિગમ ધરાવતી રહી છે. વ્યાપાર અર્થે હંમેશાં દૂર દૂર સુધીના પ્રદેશોનું ખેડાણ થતું આવ્યું છે. એક સમયે વ્યાપારી વર્ગ દેશભરમાં વણઝારી આલમ તરીકે ફરતો અને મોટાં નગરોનાં પાદરે વિસામો કરતો અને હાટડીઓ માંડતો. પાણી એ સહુની મુખ્ય જરૂરિયાત રહેતી અને સૂકો પ્રદેશ ધરાવતા રાજસ્થાનથી લઈને છેક મધ્ય ગુજરાત સુધી વહેતી નદી કે સરોવરો ખાસ પ્રમાણમાં નહોતા. આવા વટેમાર્ગુઓ જ નગરપ્રમુખ કે રાજાઓની મદદથી કૂવાઓ ખોદીને વાવનું સર્જન કરતા એટલે જ જે વાવનું કોઈ નામ કે ઓળખ ન હોય એ વણઝારી વાવ તરીકે ઓળખાતી. વાવની નજીક જ દેવીનું સ્થાનક રહેતું અને વાવમાં પ્રમાણમાં ઠંડક રહે આ પ્રકારે જ એનું સર્જન કરવામાં આવતું. તરસ્યાને પાણી અને થાકેલાને વિરામ એવો હેતુ અહીં સામાન્ય રીતે સિદ્ધ થતો. ગુજરાતમાં નાની મોટી અનેક વાવ આવેલી છે. દરેક વાવનું લોક કલ્યાણ સાથે સાથે ધાર્મિક અને પુરાતત્વીય મહત્ત્વ પણ છે. સામાન્યત: ખૂબ વખણાયેલી એવી પાટણની વાવ અને અડાલજની વાવ વિષે મોટા ભાગના પ્રવાસીઓ સમેત આપણે સહુ જાણીએ જ છીએ પણ અડાલજથી નજીક જ આવેલી અંબાપુરની વાવનું અનેરું સૌંદર્ય ચૂકવા જેવું તો નથી જ.
આશરે ૧૫મી સદીમાં અડાલજ જેવી જ એક અદ્ભુત વાવનું બાંધકામ ગાંધીનગર નજીકના અંબાપુર ગામે થયેલું. સામાન્ય રીતે લૂંટારાઓ જ્યારે ચઢાઈ કરીને ફરી વળતા ત્યારે તેઓ આપણી ભવ્ય સંસ્કૃતિને તોડી મરોડીને જડ મૂળમાંથી ખતમ કરી નાખવામાં કશું જ બાકી નહોતા મૂકતા. દેવી દેવતાઓનાં સ્થાનકો તો તેઓ પહેલા જ તોડી પાડતા, પણ આ વાવનું બાંધકામ કરનારા શિલ્પીઓની સૂઝબૂઝ કાબિલે તારીફ છે. વાવમાં પ્રવેશતા જ નિસર્ગનાં અલગ અલગ તત્ત્વોનો સહારો લઈને કોતરણી કરવામાં આવી છે. આ અદ્ભુત સ્થાપત્ય પાંચ માળ ધરાવતી આ અદભૂત વાવની મુખ્ય ઓળખ ઇલિકા ભાતવાળું તોરણ છે. આ ઉપરાંત આખીયે વાવમાં દેવી દેવતા તરીકે પ્રકૃતિનાં તત્વો જેવા કે કમળ, કોઈ છોડ તો વળી શક્તિનું ચક્ર કંડારાયેલું છે તો વળી ક્યાંક સપ્તમાતૃકાની મૂર્તિઓ સરળતાથી ખ્યાલ ન આવે એ રીતે પ્રકૃતિમાં જ વણી લેવામાં આવી છે. વિવિધ ફૂલો, છોડ અને લક્ષ્મીનું પ્રતીક એવા કમળનાં ફૂલની વિશિષ્ટ કોતરણી કરીને તેઓએ વાવ પર આવતા આભડછેટનાં ઓછાયાને દૂર રાખવા પ્રયત્ન કર્યો છે. વાવની વચ્ચો વચ્ચ છેક ત્રીજા માળે પહોંચીએ ત્યાં સરળતાથી નજરે ન ચઢે એવી નાની સરખી સપ્તમાતૃકાની કોતરણી કરવામાં આવી છે, એ સિવાય બધા જ ભાગમાં છૂપી રીતે કુદરતનાં પ્રતીકોનો ઉપયોગ કરીને દેવી દેવતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાલી ગોખ પણ જોવા મળે છે જેમાં દેવી દેવતાની સ્થાપના કરીને પૂજા સિવાયનાં સમયે સરળતાથી એ શિલ્પોનું સ્થાન બદલી શકાય. વાવ એ માત્ર જળનું સ્ત્રોત છે એવો સંદેશ આપીને કદાચ આ વાવને સુરક્ષા આપવા પ્રયત્ન કરાયો છે, છતાં સાંસ્કૃતિક અને ધાર્મિક પાસાઓને બાંધકામની શૈલીમાં જ આવરી લીધા છે. કોઈ પણ શિલાલેખ વિનાની આ બેજોડ વાવમાં જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ શીતળતાનો ગજજબનો અનુભવ કરી શકાય. મુખ્ય કૂવા અને છેલ્લા પગથિયાંની વચ્ચે એક દરવાજો અને દરવાજા પહેલા એક બીજા કૂવાની રચના કરવામાં આવી છે જેનો ઉપયોગ કદાચ રોજ બરોજનાં વપરાશ માટે પાણીનો ઉપયોગ કરવા માટે થતો હશે અને પીવાનાં પાણી તથા વાપરવાનાં પાણી અલગ રાખવાથી સ્વચ્છતાનો હેતુ પણ સર થઇ શકે.
સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ પણ આ વાવ અતિશય રસપ્રદ છે. શરૂઆતનાં ભાગમાં બે-બે કરીને ચાર સ્તંભો અને વચ્ચે ચાર-ચાર કરીને આઠ સ્તંભો પર વાવનું બાંધકામ કરવામાં આવ્યું છે અને દરેક ભાગમાં ઇલિકા ભાતનું વિશિષ્ટ તોરણ કંડારવામાં આવ્યું છે. જે તે સમયે આ માર્ગ મુખ્ય માર્ગ હોવો જોઈએ એવું પ્રતીત થાય છે. સહુથી ઉપરના ભાગમાં આખીયે વાવથી સાવ અલગ પાડતું અંબાજીનું મંદિર છે જે પાછળથી બંધાયેલું હોવું જોઈએ. દરેક સ્તંભો અને ઝરૂખાઓ પર વિવિધ પ્રકારનાં ફૂલો અને છોડને વિશિષ્ટ રીતે કંડારવામાં આવ્યા છે. આ વાવનાં બાંધકામ વિષે કોઈ ખાસ વાર્તા કે તેની સાથે જોડાયેલ તવારીખનો પણ ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. ભૂતકાળનાં સમયમાં આ વાવનો ઉપયોગ થતો હશે ત્યારે આ સ્થળની ભવ્યતાનો માહોલ એક અલગ જ પ્રકારનો હશે એ આ વાવમાં પ્રવેશતા જ કળી શકાય. લોક-ઉત્સવો કે દરબારી મુલાકાતો જેવા પ્રસંગો સહુ સાથે મળીને અહીં ઉજવતા હશે. વાવનો મધ્ય ભાગ દરેક ઝરૂખામાં રહેલી વ્યક્તિઓ જોઈ શકે એ રીતે બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે વાવને તેના પ્રવેશદ્વારના આધારે ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક પ્રવેશદ્વારવાળી વાવ નંદા , બે પ્રવેશદ્વારવાળી વાવ ભદ્રા, ત્રણ પ્રવેશદ્વારવાળી વાવ જયા અને ચાર પ્રવેશદ્વારવાળી વાવ વિજયા તરીકે ઓળખવામાં આવે છે. અડાલજની વાવની જેમ અંબાપુરની વાવ પણ જયા પ્રકારની પાંચ માળની વાવ છે. દરેક વાવની ખાસિયત એ છે કે તેનું બાંધકામ એવી રીતે કરવામાં આવે કે તે પક્ષીઓને પણ આશરો આપી શકે. આજે પણ ઘણા બધા કબૂતરો અહીં તેની મોકળાશ માણી રહ્યાં છે. વાવ સ્થાપત્ય ભૂગર્ભ જળના સ્થાપત્યોનો ઉત્કૃષ્ટ નમૂનો છે. ગુજરાતમાં આવી અનેક વાવો આવેલી છે. અડીકડીની વાવ, બાઈ હરિની વાવ, ગંગા વાવ, માધા વાવ, બત્રીસ કોઠાની વાવ, રાણકી વાવ, નવલખી વાવ, અમૃત વર્ષીણી વાવ વગેરે. સદીઓ જૂની વાવને જાળવવામાં નહિ આવે તો કદાચ આવનારા સમયમાં આખી પેઢી વાવ નામનાં કોઈ સ્થાપત્યથી જ અજાણ થઇ જાય તો નવાઈ નહિ. ઉત્તર ભારતનાં રાજ્યો જ્યા પાણીનો પ્રશ્ર્ન જ નથી હોતો ત્યાં આ પ્રકારનાં સ્થાપત્યો જોવા મળતા જ નથી.
મોટાં મોટાં શહેરોની ઝાકમઝોળ વચ્ચે આપણી સાંસ્કૃતિક ધરોહરની ભવ્યતા વિસરાઈ જાય અને ખરા વારસાથી આપણે જ અલિપ્ત રહી જઈએ એવું ન બને એ જોવાની જવાબદારી આપણી જ છે. ક્યારેક ઘર આંગણે પણ પ્રવાસ થઇ જાય છે જો આપણે આપણા જ શહેર અને રાજ્યનાં ખૂણે ખાંચરે નજર કરીયે તો.. અડાલજની જેમ જ અંબાપુરની વાવ સરળતાથી ગાંધીનગર અને અમદાવાદ બંને સ્થળોએથી પહોંચી શકાય છે. અહીં કોઈ જ પ્રકારની ટિકિટ વિના મુલાકાત લઇ શકાય છે. હાલ ગુજરાત સરકારનાં પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ આ વાવ પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે. કુદરતમાં મહાલતા મહાલતા હું હંમેશાં અચંબિત થયો છું અને આજની તારીખે માનવો જે સર્જન કરે છે એ જોઈને માનવસર્જિત મહાકાય શહેરોથી અલિપ્ત પણ થયો છું પણ આપણા પૂર્વજોનાં અમુક બેજોડ સર્જનોને જોઈને એમની દીર્ઘદ્રષ્ટિ, એમનું કુદરત પ્રત્યેનું સમર્પણ, પ્રકૃતિને સહેજ પણ આભડછેટ ન આવે એ રીતે પ્રકૃતિને જ ધ્યાનમાં લઈને બનાવેલ ગુજરાતના આવા વાવ સ્થાપત્યને જોતા જ સહજપણે હોઠમાંથી “વાઉ શબ્દ સરી પડે. આવા સ્થળોએ જઈને ખાલી આપણા પૂર્વજોએ નિર્મિત કરેલા સંસ્કૃત સમાજને પિછાણવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણે કેટલા ભાગ્યશાળી છીએ એવું અનુભવી શકાય.