મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઈટલ્સ: કાશ, અવકાશમાં ક્યાંક ‘હાશ’ હોત. (છેલવાણી)
પતિ પાસેથી ઘરની પરાણે કરાવાતી સાફ સફાઇ દરમ્યાન પતિએ પત્નીને કહ્યું, ‘હું તારાથી કંટાળી ગયો છું, ગૂંગળામણ થાય છે, મને સ્પેસ આપ.’
‘પત્નીએ દીકરાના ફટાકડાંમાંથી રોકેટ ઉઠાવીને આપ્યું ને બોલી,’ લે આ રોકેટ, આને સળગાવીને એના પર બેહીને પહોંચી જા સ્પેસમાં!’
સ્પેસ..અવકાશ…આકાશ..ગૂઢ વિષય છે. આજે જે વાત કરીશું એમાં સ્પેસ છે, સસ્પેંસ છે, રોમાન્સ છે, પરીકથા છે અને ‘કોનમેનશિપ’ પણ છે. ‘કોનમેનશિપ’ એટલે છેતરપીંડી, હાથસફાઈ, ફ્રોડગીરી આ બધા માટે એક શબ્દ વપરાય છે: ‘કોન-ગેમ’. આ કોન-ગેમ એટલે ‘કોન્ફિડન્સ ગેમ’નું શોર્ટફોર્મ. જે આ ‘કોન-ગેમ’ રમે એ ‘કોન-મેન’! સામેના માણસને પોતાની વાતોમાં લલચાવે ને પછી પોતાની કલાકારી દેખાડીને તમારું ’કરી’ નાખે! જૂઠાબોલા, ચાલાક, ચતુર ‘કોનમેન’ની કોન-ગેમથી આ દુનિયા ખદબદે છે. (નોંધ: આમાં આજના કોઇ નેતાઓ પર કોઇ કટાક્ષ નથી!)
હમણાં જાપાનમાં ૬૫ વર્ષની વૃદ્ધ સ્ત્રી સાથે ઈન્ટરનેશનલ જ નહીં પણ ઇંટરસ્પેસ રોમાન્સ-કાંડ થઇ ગયો. એ સ્ત્રી, એક માણસને (ઈન્સ્ટાગ્રામ જેવા) જાપાનીઝ સોશિયલ મીડિયા ‘લાઇવ’ પર ટકરાઇ ગઇ. બન્ને વચ્ચે દોસ્તી થઈ. પેલા માણસે રશિયન અવકાશયાત્રી તરીકે પોતાની ઓળખ આપી અને એ રશિયાની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરે છે એવું એના સ્પેસના ફોટા વગેરે દેખાડીને કહ્યું. પછી ધીમે ધીમે કહેવાતા અવકાશયાત્રીએ સ્ત્રીને કહ્યું: ‘હું તને પ્રેમ કરું છું ને તારી સાથે લગ્ન કરવા છે..પ્રેમ કોઈ સીમા જાણતો નથી, ગ્રહોની પણ નહીં!’ પછી એણે સ્ત્રીને જાપાનની ધરતી પર મળવાની ઈચ્છા જણાવી. સ્ત્રી તો કિલન-બોલ્ડ! પછી પેલા અવાકાશયાત્રીએ કહ્યું,’ શું છે કે ડાર્લિંગ, તારી સાથે લગ્ન કરવા માટે મારે પૃથ્વી પર આવવું પડશે ને એના માટે મારે રોકેટ ભાડે રાખવું પડશે! એને જાપાનમાં લેન્ડ કરવા માટે તગડી ‘લેન્ડિંગ’ ફી પણ ચૂકવવી પડશે.. આવું બધું કહીને એ અવકાશી રાજકુમારે, સ્ત્રી પાસેથી થોડા થોડા કરીને ૨૧ લાખ રૂ. જેટલા ‘જાપાનીઝ યેન’, પડાવી લીધા!
આમ તો કથાઓમાં, સ્વર્ગમાં કે આકાશમાંથી નોર્મલી કોઈ અપ્સરા ઊતરી આવતી હોય એવી કલ્પના પુરુષો કરતા હોય છે, પણ આ સ્ત્રી તો અવકાશમાંથી એના માટે કોઇ ‘અપ્સરો’ આવશે એવી કલ્પનાઓ કરવા માંડી. જાપાની બેનને થયું હશે કે લગ્ન પછી એ એસ્ટ્રોનટ એને અવકાશ પર ફરવા લઈ જશે, જાણે એયને કાંકરીયાની ફૂટપાથ પર આંટો મારવા કેમ ના જતાં હોય! .પણ પછી સમય જતાં વધુને વધુ પૈસા પેલા એસ્ટ્રોનોટે માંગવા માંડ્યા ત્યારે સ્ત્રીએ પોલીસમાં ફરિયાદ કરી ને ખબર પડી કે ‘હાઇલા હું તો છેતરાઇ ગઇ!’
ઈંટરવલ:
ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો
હમ હૈ તૈયાર ચલો! (પાકિઝા)
માન્યું કે પ્રેમ આંધળો કે બહેરો હોય છે, પણ આટલો બેવકૂફ કેવી રીતે હોય શકે? જોકે યુગોથી છોકરીઓ એમ માનતી હોય કે એનો પ્રેમી, આકાશમાંથી ચાંદ-તારા તોડી લાવશે તો પછી આખેઆખો પ્રેમી જ આકાશમાંથી કેમ ના અવતરી શકે?-આવુંયે ઈશ્કમાં વિચારી શકાયને? નવાઈની વાત એ છે કે, એ સ્ત્રીને પૈસા આપતી વખતે એકવાર પણ વિચાર ન આવ્યો કે જો એનો પ્રેમી, સ્પેસ સ્ટેશનમાં કામ કરે છે, તો એ ત્યાંથી મેસેજ કેવી રીતે મોકલતો હશે?’ આપણે પ્લેનમાં હોઈએ ત્યારે પણ આપણે ફોન પર કે વોટ્સ એપ, ફેસબુક વગેરે પર વાત નથી કરી શકતા! જો અવકાશમાંથી કોઇપણ સાથે લોકલ નંબર જેમ વાત કરી શકાતી હોત તો નાસા વગેરેમાં મોટાંમોટાં સાધનોની શી જરૂર પડે? જો કે આપણે દરેક ધર્મમાં સ્વર્ગમાં રહેતા દેવી-દેવતા, ફરિશ્તાઓ,એંજલ્સ પર વિશ્ર્વાસ કરીએ છીએ, તો પેલી સ્ત્રી અવકાશમાં રહેતા પ્રેમીનો ભરોસો કેમ ના કરે? જેમ સ્વર્ગમાંથી આકાશવાણી થઈ શકે તો અવકાશમાંથી પ્રેમવાણી પણ થઈ જ શકેને?-એવા લોજિકથી સ્ત્રીએ ભરોસો કર્યો હશે! જ્યારે પેલાએ કહ્યું કે,‘પૃથ્વી પર આવવા માટે રોકેટ ભાડે લેવું પડશે’ ત્યારે પણ સ્ત્રીને એકવારેય વિચાર નહીં આવ્યો હોય કે- રોકેટ કંઈ રિક્શા-ટેક્સી નથી જેને આપણે હાથ હલાવીને સ્પેસમાં ઊભી રાખી શકીએ! જો કે જેમ આપણે સાદા અમસ્તા સી-પ્લેનથી ખુશ થઈ જઇએ છીએ તો એ સ્ત્રી, મસમોટાં રોકેટથી ઈમ્પ્રેસ થઈ જ શકેને? વળી, આજકાલ તો લગ્નમાં વરરાજાઓ હેલિકોપ્ટરમાં પધારતા હોય છે તો ’મારો પ્રેમી રોકેટમાં અવતરી આવશે’-એવા વિચારથી બેન ખુશ થતા હશે. એને માટે તો બધું એક પરીકથા જેવું હશે.
જેમ વરસો અગાઉ ત્યારનાં પી.એમ. ઇંન્દિરા ગાંધીએ, રાકેશ શર્મા નામના ઈન્ડિયન એસ્ટ્રોનોટને પૂછ્યું હતું, ‘ત્યાં અવકાશમાંથી ભારત કેવું દેખાય છે?’ ત્યારે રાકેશ શર્માએ કહ્યું હતું, ‘સારે જહાં સે અચ્છા’ એજ રીતે જાપાની બેને પૂછ્યું હશે: ‘ત્યાંથી હું કેવી દેખાઉં છું?’ તો કહેવાતા અવકાશયાત્રી પ્રેમીએ કહ્યું હશે,‘દુનિયાની બધી સ્ત્રીઓથી સુંદર!’ બસ આવી પ્રેમભરી વાતોમાં આવીને સ્ત્રી, ફિદા ને પછી પાયમાલ! પ્રેમમાં કોઈની જરાં અમસ્તી લાગણીના તારને છંછેડી દો તો સામેની વ્યક્તિ સર્વસ્વ આપી શકે છે. જાપાનીઝ સ્ત્રીએ ૪૧,૩૪૦ ડોલર એટલે કે ૨૧ લાખ આપી દીધા.
જોકે અજાણી વ્યક્તિ સાથે અજાણ્યાં સંબંધોમાં, પ્રેમ કરીને કે લગ્ન કરીને ‘સબકુછ લૂંટાવી’ને આપણે સૌ પણ આ રોમાંચક રિસ્ક ક્યાં નથી લેતાં?
એંડ-ટાઈટલ્સ
ઇવ: તું પરીકથામાં માને?નઆદમ: તને મળ્યા પહેલાં
માનતો!