રૉન્ગ નંબરે પોલીસને દોડતી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વિવિધ સ્થળે બૉમ્બ-આતંકવાદી હુમલાની ધમકીનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે મંગળવારે જૂહુ સ્થિત એક રહેવાસીને આવેલા રૉન્ગ નંબરે પોલીસની ઊંઘ ઉડાડી મૂકી હતી. જૂહુના ઇસ્કોન મંદિર નજીક રહેતા સર્વેશ કુમારને ફોન પર શંકાસ્પદ વાત સાંભળવા મળ્યા પછી પોલીસે લગભગ ત્રણ કલાક સુધી દોડધામ કરવી પડી હતી. આખરે એક વેપારીને ભોપાલમાં ફોન કરવો હતો, પરંતુ ભૂલથી સર્વેશને કૉલ લાગી જતાં ગેરસમજ ઊભી થઈ હોવાની ખાતરી થતાં પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
પોલીસ તપાસ અનુસાર જૂહુમાં રહેતો સર્વેશ મંગળવારે ન્યૂઝ ચૅનલ પર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સંભવિત આતંકવાદી હુમલા સંબંધિત સમાચાર જોઈ રહ્યો હતો. આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય ઈરફાન શેખ તરીકે ઓળખ આપનારા શખસે ઍરપોર્ટ પર કૉલ કરી ધમકી આપી હતી. આ કેસમાં પોલીસે ચેમ્બુરથી એક યુવકને પકડી પાડ્યો હતો. આ સમાચાર ચૅનલ પર આવી રહ્યા હતા ત્યારે જ સર્વેશના મોબાઈલ ફોન પર એક કૉલ આવ્યો હતો.
કહેવાય છે કે સર્વેશને કૉલ કરનારા શખસે ‘સબ કુછ તૈયાર હૈ ના, મૈં ૧૭ તારીખ કો આ રહા હૂં, યુસુફ કો મિલ લિયા? શક તો નહીં હુઆ ના?’ એમ કહીને ફોન મૂકી દીધો હતો. ફોન પરની વાત સાંભળી સર્વેશ ડરી ગયો હતો. તેણે તાત્કાલિક આ બાબતે પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. પ્રખ્યાત ઈસ્કોન મંદિર નજીક હોવાથી પોલીસે આ ફોનને ગંભીરતાથી લીધો હતો.
જૂહુ પોલીસે સર્વેશના ઘરે પહોંચી જે નંબર પરથી કૉલ આવ્યો હતો તેની વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્રણ કલાકની જહેમત પછી પોલીસને કૉલ કરનારી વ્યક્તિની માહિતી મેળવવામાં સફળતા મળી હતી. ફોન કરનારી વ્યક્તિ એક વેપારી હોવાનું જાણવા મળ્યું હતું. વ્યવસાય સંદર્ભે તે ભોપાલમાં ફોન કરવા માગતો હતો. કહેવાય છે કે વેપારીને ભોપાલ જવાનું હોવાથી તેણે આવી વાતચીત કરી હતી. જોકે ફોન ભૂલથી સર્વેશને લાગી ગયો હતો. રૉન્ગ નંબર લાગ્યો હોવાનું જાણતાં જ તેણે કૉલ કરી નાખ્યો હતો.