નાગપુર: નાગપુરમાં આવેલલા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના હેડ ક્વાર્ટરને શનિવારે અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપતા નાગપુર પોલીસતંત્ર સતર્ક થઈ ગયું છે.
પોલીસ કન્ટ્રોલ રૂમમાં આજે નનામો ફોન કરીને સંઘનું મુખ્યાલય ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસતંત્ર સાબદુ થઈ ગયું હોય સંઘના મુખ્યાલયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યાલયમાં સીઆઈએસએફ અને ત્યાર બાદ પોલીસ સિક્યોરિટી ગોઠવવામાં આવે છે. હવે આ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા પણ સંઘના મુખ્યાલયને ઉડાડી દેવાની ધમકી મળી ચૂકી છે.
દરમિયાન મુંબઈ પોલીસને કન્ટ્રોલરૂમમાં મુંબઈમાં બોમ્બ ધડાકા કરવાનો ઈશારો આપતો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ અઝહર હોવાનું જણાવ્યું હતું અને પોતાની પાસે આરડીએક્સ અને હથિયાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે તપાસ કરીને નરેન્દ્ર કવળે નામના વ્યક્તિની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કર્યો હતો. નરેન્દ્રએ નશાની હાલતમાં ફોન કર્યો હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.