મુંબઈ: વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતા ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦ના સુધારાને બાદ કરતાં ટીન, નિકલ, ઝિન્ક સ્લેબ, કોપર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૨૭નો ઘટાડો આવ્યો હતો અને એલ્યુમિનિયમ તથા બ્રાસ શીટ કટિંગ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.
ગઈકાલે ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના ઔદ્યોગિક ઉત્પાદન તથા રિટેલ વેચાણના ડેટા નબળા આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વે પણ આગામી વર્ષે વ્યાજદરમાં વધારો કરવાનો અભિગમ જાળવી રાખવાનો સંકેત આપ્યો હોવાથી વૈશ્ર્વિક અર્થતંત્ર મંદીની ગર્તામાં સરી જવાની ભીતિ સપાટી પર આવતાં આજે લંડન ખાતે વિવિધ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જેમાં કિલોદીઠ ધોરણે ટીનના ભાવ રૂ. ૨૭ ઘટીને રૂ. ૨૦૮૦, કોપર વાયરબારના ભાવ રૂ. ૮ ઘટીને રૂ. ૭૫૦, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૭ ઘટીને રૂ. ૬૦૮, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને નિકલના ભાવ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૬૭૯, રૂ. ૬૬૯ અને રૂ. ૨૦૪૫, ઝિન્ક સ્લેબના ભાવ રૂ. ૪ ઘટીને રૂ. ૨૮૨ અને કોપર આર્મિચર તથા બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. ૨ ઘટીને અનુક્રમે રૂ. ૬૫૦ અને રૂ. ૪૬૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૨૦૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૦૫, રૂ. ૧૬૧ અને રૂ. ૨૨૨ના મથાળે ટકેલા રહ્યા હતા.