એક દાયકા કરતાં પણ લાંબા સમયથી ગામનો એક એક ખેડૂત જૈવિક ખેતી કરીને લોકોના આરોગ્યની રક્ષા કરી રહ્યો છે
કવર સ્ટોરી -દર્શના વિસરીયા
આજકાલ બધે જ ભેળસેળ જોવા મળે છે, પછી એ ખાવા-પીવાની વાત હોય કે પછી માણસના સ્વભાવની વાત હોય…ભેળસેળયુક્ત ભોજન ખાવાથી આરોગ્ય બગડે અને સ્વભાવમાં ભેળસેળ હોય તો સંબંધ અને મન બંને બગડે. ખેર, આ સ્વભાવમાં ભેળસેળનો તો કોઈ ઈલાજ નથી અને કદાચ એના વિશે વાત કરવા બેસીશું તો સમય અને સ્પેસ બંને ઓછા પડશે એટલે એ વાત ફરી ક્યારેક પણ આજે આપણે અહીં વાત કરીશું ખાણી-પીણી વિશે. આજના આ સ્ટ્રેસફૂલ સમયમાં શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવું એ સહેલું તો નથી જ અને એમાં પણ ત્યારે તો ખાસ જ્યારે તમારી ખાણી-પીણીમાં ભેળસેળ હોય. આજે પૌષ્ટિક ભોજનના વિકલ્પોની પસંદગી કરવાનું જેટલું અઘરું છે એનાથી પણ વધુ અધરું તો એ વાતની કાળજી રાખવાનું છે કે આખરે કેમ કરીને કેમિકલયુક્ત ભોજનથી દૂર રહી શકાય. આ જ કારણ છે કે વધુને વધુ લોકો ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહ્યા છે અને આને કારણે ભારતમાં પણ જૈવિક ખેતીનો દિનપ્રતિદિન વધુને વધુ વિસ્તાર થઈ રહ્યો છે. પણ ક્યારેય કોઈ એવા ગામ વિશે કે જેને આજે આપણે અહીં વાત કરીશું ભારતના એક એવા ગામ વિશે કે જ્યાં એક-બે નહીં પણ ગામના તમામે તમામ ખેડૂતો રસાયણ વિના ખેતી કરે છે.
શક્ય છે કે પહેલી વખતમાં તો તમને આવા કોઈ ગામનું અસ્તિત્વ છે કે નહીં એ જ જાણવું જ રસપ્રદ થઈ પડશે કે જ્યાં આખેઆખું ગામ કેમિકલ ફ્રી ફાર્મિંગના રૂલને ફોલો કરે છે અને તેઓ જૈવિક અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનું અનુસરણ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહેવાનું થાય તો ભારતનું આ ગામ આજે પૂર્ણપણે કેમિકલ ફ્રી બની ચૂક્યું છે અને અહીંના ખેડૂતો ખેતીથી લઈને પોતાના રોજબરોજના કામમાં રસાયણનો જરાય ઉપયોગ કરતાં નથી. ચાલો, વાતમાં વધારે મોણ નાખ્યા વિના જણાવવાનું થાય તો આ ગામ છે તેલંગણાનું ઈનભાવી. આ ગામની અનોખી ઓળખ ત્યારે જ છતી થઈ જાય છે જ્યારે તમે આ ગામમાં એન્ટ્રી લો છો, કારણ કે એન્ટ્રી પર જ આ ગામના પથ્થર પર મોટા મોટા અક્ષરોમાં કેમિકલ ફ્રી ગામ એવું લખેલું વંચાય છે. એટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે ઈનભાવીએ શક્યત: તેલંગણાનું પહેલું જૈવિક ગામ છે.
અહીં એક-બે નહીં પૂરા તેર-તેર વર્ષથી કેમિકલલેસ ખેતી કરવામાં આવે છે. પણ એની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એવું જણાયું કે ખેતી કરી રહેલા ખેડૂતોનું ધ્યાન રસાયણના ઉપયોગથી ઘટી રહેલી ફળદ્રુપતા, પાકના ઉત્પાદનમાં ઘટાડો અને વધતી જતી બીમારીઓ જેવી અનેક સમસ્યાઓ પર પડ્યું. રસાયણના ઉપયોગથી ઉગાડવામાં આવેલું અનાજ બીમારીઓને આમંત્રણ આપવાનું સાબિત થાય છે જેની સામે જૈવિક ખેતી કરીને મળનારો આહાર શરીર માટે આરોગ્યવર્ધક સાબિત થાય છે. હૈદરાબાદથી ૮૫ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં લોકો એક દાયકા કરતાં વધુ સમયથી જૈવિક ખેતી જ કરે છે. આપણે મોટાં મોટાં શહેરોમાં રહેનારા લોકો જે જોખમ અને મુશ્કેલીઓને ના પારખી શક્યા એ મુશ્કેલી ગામવાસીઓએ પારખી લીધી અને તેમણે એ સમયથી જૈવિક ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. ૫૨ પરિવારવાળા તેલંગણાના આ ગામમાં એક પણ ખેડૂત ખેતી માટે રસાયણનો ઉપયોગ નથી કરતો.
જોકે, પરિસ્થિતિ હંમેશાંથી આવી નહોતી, ૧૩ વર્ષ પહેલાં અહીંના ખેડૂતો પણ રાસાયણિક ખેતીનો સહારો લેતા હતા અને મોટા પ્રમાણમાં રસાયણનો ઉપયોગ કરીને ખેતી કરતાં, વધુ નફો મેળવતા હતા, પરંતુ સમયની સાથે ખેડૂતોને ધ્યાનમાં આવ્યું કે રસાયણનો ઉપયોગ કરીને કરવામાં આવેલી ખેતીને કારણે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું હતું અને જંતુનાશક અને અન્ય કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે તો જ પાકનું ઉત્પાદન વધે છે. આવા સમયે વડવાઓની એક વાત ખેડૂતોને યાદ આવી અને આ વાતે જ આખા ગામને ઉગારી લીધું. વડવાઓ એવું કહેતાં કે ધીમું ઝેર જ એક દિવસ બધાના મૃત્યુનું કારણ બનશે.
કેમિકલનાં દુષ્પરિણામોને જોતા આ ગામના ખેડૂતોએ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો અને જૈવિક ખેતી કરવાનો નિર્ણય લીધો. ૧૫ હજારની લોન લઈને તેમણે એક અનોખી અને આરોગ્યદાયી ખેતીની શરૂઆત કરી. નવા પ્રકારની ખેતીને કારણે ઉત્પાદન તો વધ્યું જ અને તેમાં સફળતા મળવાની સાથે જ તેમણે લીધેલી લોન પણ ચૂકવી દીધી. આ પ્રકારની ઈનભાવી ગામના બધા જ ખેડૂતો આજે લોનમુક્ત અને કેમિકલમુક્ત ખેતી કરે છે.
આજની તારીખમાં ખેડૂતો કેમિકલ ફ્રી જૈવિક ખેતીની મદદથી ધાન, કપાસ, મરચાં સહિત અન્ય ફળોની ખેતી કરે છે. ગામવાસીઓની વાતને માનવામાં આવે તો આ ગામ આજની તારીખમાં વિક્રમી ઉત્પાદન આપે છે અને આ બધું શક્ય બન્યું છે જૈવિક ખેતીને કારણે. જૈવિક ખેતીને કારણે જ આજે તેલંગણામાં આવેલા હૈદરાબાદના ઈનભાવ ગામના જૈવિક ખેતરોનાં ઉત્પાદનો દેશભરની બજારોથી લઈને વિદેશમાં સિંગાપોર સુધી વેચાય છે અને લોકો હસીખુશી આ ઉત્પાદનો ખરીદી રહ્યા છે.
આપણે કહેવાતા પ્રગતિશીલ અને આધુનિક વિચાર ધરાવનારા શહેરીજનો જે સમસ્યાનો ઉકેલ લાવવામાં અચકાતા હતા એ ઉકેલ આ નાનકડા ગામના ખેડૂતોએ લાવ્યો અને હિંમત કરીને આપણા આરોગ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં એક નાનકડી તો નાનકડી પહેલ કરી એ માટે તેમને અભિનંદન આપીએ એટલા ઓછા છે.