Homeઈન્ટરવલઅજબગજબની દુનિયા

અજબગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

વિલનનું સત્કાર્ય, ખૂબ આવકાર્ય
દરેક દેખાતા ચહેરાની પાછળ બીજો એક ચહેરો છુપાયેલો હોય છે એવું કહેવાય છે. મચ્છર છે તો નાનો અમથો જીવ પણ કેવો કાળો કેર વર્તાવવાની ક્ષમતા ધરાવે છે એ વાતથી આપણે બધાને સુપેરે પરિચય છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ લોહી પીવાનું કામ માત્ર માદા જ કરે છે, નર તો ફૂલ અને છોડમાંથી રસપાન કરીને ગુજરાન ચલાવી લે છે. હવે તમે જો આને મનુષ્ય જીવનની ફિલસૂફી સાથે જોડવાનો પ્રયત્ન કરતા હો તો તમે તમારું જાણો. વિજ્ઞાન એમ કહે છે કે માદાને તેના બચ્ચાના વિકાસ માટે મનુષ્યના લોહીની જરૂર પડે છે. બીમારી ફેલાવતા મચ્છરને પૃથ્વી પરથી નામશેષ કરવા અબજો રૂપિયા ખર્ચાયા છે, પણ સફળતા હાથ નથી લાગી. આપણે આજે વિલન તરીકે ઓળખ મેળવનાર મચ્છરના સારા કામની વાત કરવી છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર કાતિલ માદા મચ્છર દુનિયાભરમાં જોવા મળતા વર્ષાવનની (રેઇન ફોરેસ્ટની) રક્ષાની અને એની સારસંભાળની જવાબદારી પાર પાડે છે. એમેઝોન અને દક્ષિણપૂર્વ એશિયાનાં જંગલો આ મચ્છરના ઉપદ્રવને કારણે જ ટકી રહ્યાં છે. અલબત્ત મચ્છર બહુ બદનામ જંતુ છે. હકીકત એ છે કે એની ત્રણેક હજાર જાતમાંથી ગણીને ત્રણ જાત જ રોગચાળો ફેલાવવા માટે જાણીતી છે. ચોંકી ગયા ને?
———-
વેશપલટો કરી ઑફિસરની નગરચર્યા
અસલના વખતમાં પ્રજાની સમસ્યા – તકલીફ, દુ:ખ દર્દ જાણવા રાજા વેશપલટો કરી નગરચર્યા કરવા નીકળતા. રાજાને મોઢે શરમ કે સંકોચને કારણે કદાચ સાચી હકીકત ન જણાવી શકતી પ્રજાની પરેશાનીથી રાજા વાકેફ થતો અને ઘટતું કરતો. તાજેતરમાં મહિલા આઈપીએસ અધિકારી ચારુ નિગમે વેશપલટો કરી ઉત્તર પ્રદેશ પોલીસની સતર્કતા જાણવાની કોશિશ કરી હતી. પોલીસની કાર્યદક્ષતાની પરીક્ષા લેવા મેડમ પોલીસ મુખ્યાલય નજીકના એક વિસ્તારમાં પહોંચી ૧૧૨ નંબર પર પોલીસને ફોન કરી મોટર સાઈકલ પર આવેલા બે શખ્સે ડરાવી – ધમકાવી તેમને લૂંટી લીધા હોવાની કાલ્પનિક ફરિયાદ કરી. થોડી જ વારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વેશપલટો કરી આવેલા ચારુ નિગમે મોઢા પર રૂમાલ બાંધી અભિનય ચાલુ રાખ્યો. પોલીસની તત્પરતા અને ફરિયાદની દિશામાં આગળ વધવાની ચીવટ જોઈ મેડમ ખુશ થઈ ગયા અને પોતાની સાચી ઓળખ તપાસ કરવા આવેલા પોલીસ સમક્ષ રજૂ કરી દીધી. સામે મેડમને જોઈને ફરજ બજાવી રહેલા પોલીસ ચોંકી ગયા. મનમાં કદાચ વિચાર પણ આવ્યો હશે કે સારું થયું કે સમયસર પહોંચી ગયા, નહીંતર નોકરી ખોવાનો કદાચ વારો આવત. અલબત્ત આ ઘટના પછી યુપીની પોલીસ વધુ સતર્ક થઈ હશે, કારણ કે મેડમ પાછા ક્યારે નગરચર્યા કરવા નીકળી પડે કહેવાય નહીં.
———
બન કે પંછી ગાયે પ્યાર કા તરાના…
‘… મિલ જાએ અગર આજ કોઈ સાથી મસ્તાના, તો ઝૂમે ધરતી ઔર ઝૂમે આસમાં’ એવું સાઈકલ પર સવાર નૂતન એની સહેલીઓ સાથે ગુંજતી હોય છે ત્યારે એ ક્ધયાઓ મુક્ત પંખીઓની જેમ ઊડતી અને કલરવ કરતી લાગે છે. ચિનુ મોદીએ શમણાંને પંખીની ઉપમા આપી છે. પંખી એ સંગીત અને સ્વતંત્રતાનું પ્રતીક મનાય છે. શાળામાં ‘હું પંખી હોઉં તો’ નિબંધ લખતી વખતે કલમને અસંખ્ય પાંખો ફૂટતી હોય છે. એકવીસમી સદીમાં તાણમાં જીવતા મનુષ્ય માટે દવા કરતાં દુવા વધુ કામ કરે એ ભાવનાના સંદર્ભમાં પંખીના સહવાસની ભલામણ કરવામાં આવી છે. વિદેશી સંશોધન અનુસાર રોજેરોજ પક્ષીના સીધા કે આડકતરા સહવાસમાં રહેવાથી હતાશામાં સરી પડેલા લોકોનો મૂડ ઠીક થાય છે અને એકંદરે જનતા માટે લાભદાયી ઠરે છે. સંશોધનમાં જ્યાં પંખીઓના ટોળેટોળા ઉડાઉડ કરી કલરવ કરતા હોય એવા પાર્ક કે કેનાલના વિસ્તારમાં હરવાફરવાથી માનસિક રાહત મળે છે એવું હવે ડૉકટરો પણ કહે છે. આ સાથે વાતાવરણની જાળવણી કરવાની અને કુદરતી જંગલો અને હરિયાળીનો ખુરદો બોલાવી કોન્ક્રીટ જંગલ બનાવી રહેલા મનુષ્યને પ્રકૃતિનું લાલન પાલન કરવા વિશે પણ સમજણ આપવામાં આવી છે. યુકે, યુરોપ, યુએસએ, ચીન અને ઑસ્ટ્રેલિયાના લોકોનો સમાવેશ સંશોધન માટે કરવામાં આવ્યો હતો. પંખીને જોયા પછી કે સાંભળ્યા પછી લોકોની માનસિક હાલત બહેતર બની હોવાનું જાણવા મળ્યું હતું.
———-
પૃથ્વી પર કેટલી કીડી છે: ૨૦ને માથે ૧૫ મીંડાં
કીડી દેખાવમાં એક ઝીણું જંતુ છે. એક સૂક્ષ્મપત્રી ષટ્પદી જીવની ઓળખ ધરાવે છે.. કીડી નાની, મોટી, લાલ, કાળી વગેરે ઘણી જાતની થાય છે. કીડી વિશે અનેક પ્રકારના સંશોધન થતા રહ્યા છે, કારણ કે એ અચરજનો વિષય છે. પૃથ્વી પર માનવ વસતી આઠ અબજની આસપાસ હોવાનો અંદાજ છે. હેરત પમાડનારી વાત એ છે કે પૃથ્વી પર સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ વસતી કીડીબાઈની છે. ઑસ્ટ્રેલિયા, હોંગકોંગ અને જર્મનીના વૈજ્ઞાનિકોના સહિયારા સંશોધન અને અભ્યાસને અંતે એવું તારણ નીકળ્યું છે કે પૃથ્વી પર ૨૦ Quadrillion – સાદી ભાષામાં કહીએ તો ૨૦ પછી ૧૫ શૂન્ય (૨૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) આવે એટલી કીડી અસ્તિત્વ ધરાવે છે. કીડી તો પામર જીવ છે અને મોટેભાગે નુકસાન નથી કરતી. માનવ વસતીમાં વધારો ચિંતાજનક મનાય છે, પણ કીડીની સંખ્યાને ક્યારેય સમસ્યા તરીકે ઓળખ નથી મળી. જોકે, વૈજ્ઞાનિકોની દલીલ છે કે આ સંખ્યાને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે આ કીડીબાઈઓના વજનમાં ૧૨ મિલિયન ટન કાર્બન છે. પૃથ્વી પરના પ્રત્યેક જંગલી સસ્તન પ્રાણીઓ અને જંગલી પક્ષીઓના વજન કરતાં કીડીબાઈના કાર્બનનું વજન વધારે છે. કીડીની વધતી જતી વસતી કાર્બનના મુદ્દે મોટી સમસ્યા બની શકે એવી સંભાવના વ્યક્ત થઈ છે. પૃથ્વીના વિશાળ પટ પર હાજર વિવિધ જંતુઓની સરખામણીએ કીડીની વસતી એક ટકો માનવામાં આવે છે. એના પરથી પૃથ્વી પર જંતુઓની સંખ્યાની ગણતરી જાતે કરશો તો આંખો પહોળી જરૂર થશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -