Homeઈન્ટરવલઅજબ ગજબની દુનિયા

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

હનુમાનદાદાને નોટિસ: બિલ ન ભર્યું તો…
અજબ દુનિયામાં ક્યારેક એવા ગજબ ખેલ જોવા મળે છે કે આશ્ર્ચર્યથી આંખો પહોળી થવા જગ્યા ઓછી પડે છે. છત્તીસગઢમાં મોકલવામાં આવેલી નોટિસમાં હનુમાનદાદાને આદેશ આપવામાં આવ્યો છે કે ‘૪૦૦ રૂપિયાનું પાણીનું બિલ ૧૫ દિવસમાં નિગમના કાર્યાલયમાં આવી ભરી જવું. બિલ લાવનારને પૈસા ન આપવા. જો બજરંગબલી સમયસર બિલ નહીં ભરે તો નિયમાનુસાર સરચાર્જ સાથે દંડની રકમ વસૂલ કરવામાં આવશે. સંભવ છે કે પાણીનું જોડાણ કાપી નાખવામાં આવે.’ વાત એમ છે કે રાયગઢ શહેરમાં અનેક લોકોએ પાણીના બિલ નથી ભર્યા. એની વસૂલી માટે પાલિકાએ કમર કસી છે અને ડિફોલ્ટરોને નોટિસ મોકલવામાં આવી રહી છે. આ યાદીમાં હનુમાન મંદિર પણ છે. અલબત્ત નોટિસ મંદિરના વહીવટકર્તાઓને મોકલવાની હતી, પણ પાલિકાની લાપરવાહીને કારણે નોટિસ બજરંગબલીના નામે મોકલી દેવાઈ છે. આ માનવ ભૂલને રાજકીય સ્વરૂપ મળી ગયું છે અને શાસક પક્ષે હિન્દુ દેવી – દેવતાઓનું અપમાન કર્યું છે એવો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. રાયગઢની પાલિકા આવા છબરડા માટે જાણીતી છે. ગયા વર્ષે જમીન અતિક્રમણના સંદર્ભે મંદિરના સંચાલકોને બદલે શિવશંભુને નોટિસ મોકલવામાં આવી હતી.
———
શિક્ષણપ્રધાનનો છબરડો: દેવને દેવી બનાવ્યા
પ્રમાણભાન ભૂલવા માટે જાણીતા અરવિંદ કેજરીવાલ તેમના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા વિશ્ર્વના શ્રેષ્ઠ શિક્ષણ પ્રધાન છે જેવી પ્રશંસા કરતા થાકતા નથી. પણ પેલું કહેવાય છે ને કે વખાણેલી ખીચડી ક્યારેક દાઢે વળગે, એવું જ કંઈ અરવિંદ કેજરીવાલના આ મોસ્ટ ફેવરિટ શિક્ષણ પ્રધાનના કેસમાં પણ થયું છે. જોકે, આ પ્રધાને તાજેતરમાં એવો છબરડો માર્યો છે કે કેજરીવાલને ચક્કર આવી ગયા હશે. મિસ્ટર સિસોદિયાએ દિવાળી નિમિત્તે ટ્વિટ કર્યું હતું કે ‘સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની દેવી મા ધન્વંતરિને પ્રાર્થના કરું છું કે બધાના જીવનમાં સુખ શાંતિ જળવાય અને સર્વેની મનોકામના પૂર્ણ થાય. બધા દેશવાસીઓને ધનતેરસની શુભકામના.’ વિશ્ર્વના કહેવાતા સર્વોત્તમ શિક્ષણ પ્રધાનને શું ખબર નથી કે ધન્વંતરિ દેવી નહીં પણ દેવ છે. મનિષ સિસોદિયાની આ ભૂલને સોશિયલ મીડિયા ખાસા એવા ટ્રોલ કરવામાં આવ્યા. નેટીઝનોએ અજ્ઞાન બદલ સિસોદિયાને ઝાટકી નાખ્યા અને પરિણામે પ્રધાનશ્રીએ ટ્વિટ ડિલીટ કરવું પડ્યું. સિસોદિયાને હિન્દુ દેવી – દેવતા અને તહેવારો વિશે જાણકારી આપવાની જરૂર છે એવી રજૂઆત પણ કેટલાક લોકોએ કરી છે. સુશ્રુતના ગુરુ ધન્વંતરિ આયુર્વેદના કર્તા હોવાનો અને ભગવાન વિષ્ણુના અવતાર હોવાનો ઉલ્લેખ પુરાણોમાં છે.
——
‘રોજનો ઝઘડો’ સુખી દાંપત્યની જડીબુટ્ટી
આલ્ફ્રેડ દાદા અને જોસેફાઈન દાદી એવું દંપતી છે જેની કથા સાંભળ્યા પછી દરેક યુગલને ઈર્ષા ન થાય તો જ નવાઈ. યુકેના આ દાદા – દાદીના જીવનમાં અનોખો સંગમ રચાયો છે. ચોથી ઑક્ટોબરે દાદીમા ૧૦૦ વર્ષનાં થયાં અને ૧૯ નવેમ્બરે દાદા સેન્ચુરી પૂરી કરશે. વાત પૂરી નથી થઈ. આ વર્ષે તેમણે ૭૫મી લગ્ન તિથિ ઉજવી. બીજું વિશ્ર્વયુદ્ધ શરૂ થયું એના એક વર્ષ પહેલા બંને પબમાં મળ્યા અને લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું થયું. બીજું વિશ્ર્વયુદ્ધ પતી ગયા એના બે વર્ષ પછી તેમણે મેરેજ કરી લીધા. દાદા યુગલના ૭૪ વર્ષના પુત્રના કહેવા અનુસાર ’દરરોજ એક વારનો ઝઘડો એ તેમના સુખી દાંપત્ય જીવનનું રહસ્ય છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી કોઈ વાતને ગંભીરતાથી લેવી જ નહીં એ તેમનો જીવનમંત્ર છે. આજના જમાનામાં લગ્ન ઝાઝા ટકતા નથી એવા વાતાવરણમાં દાદા – દાદીનું જીવન ઉદાહરણરૂપ અને પ્રેરણા આપનારું છે. ડેડીને વ્હિસ્કી અત્યંત પ્રિય છે. રોજ લંચ સાથે લેવા જોઈએ અને એનાથી સ્વાસ્થ્ય સારું રહે છે એવી એમની દલીલ છે. અલબત્ત અહીં શરાબનું સેવન કરવાની હિમાયત નથી કરવાની. પાંચ એપ્રિલ, ૧૯૪૭ના દિવસે પરણેલા આ જૈફ યુગલને ચાર પૌત્ર – પૌત્રી છે અને આઠ પ્રપૌત્ર – પ્રપૌત્રી છે.
———
માને જેલમાં પૂરી દ્યો: ટેણિયાની ફરિયાદ
પોલીસ સ્ટેશનમાં આવતી ફરિયાદોમાં ગજબનાક વરાયટી જોવા મળે છે. ‘એક યુવતી મારું દિલ ચોરી ગઈ’ અને ‘મારી ભેંસ દૂધ નથી આપતી’ જેવી વિચિત્ર અને હાસ્યાસ્પદ ફરિયાદોની યાદીમાં એક અલાયદી પોલીસ કમ્પ્લેઈનનું નામ ઉમેરાઈ ગયું છે. મધ્ય પ્રદેશના બુરહાનપુર પોલીસ સ્ટેશનમાંથી સબ ઇન્સ્પેક્ટર પ્રિયંકા નાયક કામસર પોલીસ થાણામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ત્રણ વર્ષનો ટેણિયો ફરિયાદ લખાવવી છે એવું કહી મેડમને અંદર લઈ ગયો. બાળકની ફરિયાદનો સૂર એ હતો કે ‘માએ એની કેન્ડી અને ચોકલેટ ચોરી’ લીધા હતા અને ધોલધપાટ કરી હતી. એને જેલમાં પૂરી દ્યો. ફરિયાદ સાંભળી પોલીસ સ્ટેશનમાં હાજર બધા હસી પડ્યા હતા. ફરિયાદ લખી પ્રિયંકા મેડમે ટેણિયાને સાઈન કરવા કહ્યું ત્યારે તેણે પેનથી કંઈક ચિતરામણ પણ કર્યું. મજેદાર વાત તો એ છે કે પિતાશ્રી જ બાળકને લઈને આવ્યા હતા. તેમના કહેવા મુજબ ‘બાળકને નવડાવી મા એને કાજળ લગાડતી હતી અને ટેણિયો બદલામાં ચોકલેટ માગતો હતો. માએ ના પાડી અને હળવેથી ગાલ પર એક ટપલી મારી એટલે એ રડવા લાગ્યો. મને પોલીસ પાસે લઈ જાવ એમ તેણે કહ્યું એટલે હું એને અહીં લઈ આવ્યો.’ ફરિયાદ લખ્યા પછી મહિલા પોલીસે માએ કંઈ ખોટું નથી કર્યું એ સમજાવ્યું ,બાળક માની ગયો અને ઘરે ગયો. વાત રાજ્યના ગૃહ પ્રધાન સુધી પહોંચી અને પ્રધાનશ્રીએ પ્રિયંકા નાયકની પ્રશંસા કરી બાળકને ચોકલેટ અને સાઈકલ ભેટ તરીકે આપવા જણાવ્યું જે મેળવી ટેણિયો ગેલમાં આવી ગયો.
———–
કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો
પોલીસ અને વકીલ કાયદાની તરફદારી અને જાળવણી કરનારો વર્ગ તરીકે માન્યતા ધરાવે છે. અલબત્ત સમાજમાં એવી ઘટના બનતી હોય છે જ્યારે સીધે રસ્તે ચાલવાની શીખ આપનારા જ આડે રસ્તે ચાલતા દેખાય. તાજેતરમાં સ્પેનમાં કાયદાનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન કાયદાની ઐસીતૈસી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટૂંકમાં કહીએ તો રક્ષક જ ભક્ષક બન્યો છે. કાયદાની પરીક્ષા પાસ કરવી આસાન નથી હોતું, પણ સ્પેનના વિદ્યાર્થીએ છેતરપિંડી કરી પરીક્ષામાં અવ્વલ આવવાની કોશિશ કરી હતી. દિમાગનું દહીં થઈ એની છાસ વલોવાઈ જાય એવી આ ઘટનામાં વિદ્યાર્થીએ સમગ્ર અભ્યાસક્રમ ૧૧ બોલપેન પર ઉતારી દીધો. જોકે, એની ચોરી પકડાઈ ગઈ અને અવળા રસ્તે સફળતા મેળવવામાં એ વિદ્યાર્થી સફળ નથી રહ્યો. પહેલી નજરે સામાન્ય લાગતી આ બોલપેન પર ઝીણવટથી નજર ફેરવતા પેનના પ્લાસ્ટિક પર એકદમ ઝીણા અક્ષરોમાં લખાણ નજરે પડ્યું હતું. જે પ્રોફેસરે વિદ્યાર્થીની આ ચોરી પકડી પાડી હતી તતેમણે સોશિયલ મીડિયા પર આખીય ઘટના ફોટોગ્રાફ સાથે શેર કરી હતી. આ પોસ્ટને ચાર લાખ જેટલી લાઈક મળી છે અને ૨૫૦૦૦ વાર એને રી – ટ્વિટ એટલે કે ફરી પોસ્ટ કરવામાં આવી છે. આશ્ચર્ય કે પછી આઘાતજનક બાબત એ છે કે કેટલાકે વિદ્યાર્થીના આ પ્રયાસની પ્રશંસા કરી છે. શોર્ટ કટ અપનાવવાને પ્રાધાન્ય અપાતા સમયમાં આવી કોશિશ આવકારપત્ર ઠરે એની નવાઈ ભલે ન લાગે પણ દુ:ખ તો જરૂર થવું જોઈએ. અલબત્ત કેટલાક લોકોએ કાયદાનો વિદ્યાર્થી ગુનો આચરે એની ટીકા પણ કરી છે.
———
વાછૂટની કમાણી, હૉસ્પિટલમાં સમાણી
પૈસા કમાઈ લેવા મનુષ્યનું દિમાગ કેવી કેવી તરકીબો વિચારી શકે એ સંશોધનનો વિષય છે. અમેરિકન યુટ્યુબર અને સોશિયલ મીડિયા સ્ટાર સ્ટેફની મેટોએ જેની કલ્પના પણ ન થઈ શકે એવી તરકીબને બિઝનેસનું સ્વરૂપ તો આપ્યું, પણ પછી હાથના કર્યા હૈયે વાગ્યા જેવી હાલત થઈ ગઈ. ડિમાન્ડ – સપ્લાય (માંગ અને પુરવઠો)ના સમીકરણ પર માર્કેટ સવાર હોય છે. બજારમાં વાછૂટની જબરી માંગ હોવાની જાણ થતા સ્ટેફની મેડમે એનો બિઝનેસ શરૂ કર્યો અને પોતાની વાછૂટ બોટલમાં પેક કરી અંદર ફૂલની પાંખડીઓની સજાવટ કરી એનું વેચાણ શરૂ કરી દીધું. અહેવાલ અનુસાર સ્ટેફનીને વાછૂટના વેચાણમાંથી દર અઠવાડિયે પચાસ હજાર ડોલર છૂટતા હતા. એક મહિનો તગડી કમાણી કરી લીધા પછી મેડમને હાર્ટ એટેકની સંભાવના સાથે હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. જોકે, તબીબી તપાસમાં જાણ થઈ કે હાર્ટની કોઈ તકલીફ નહોતી પણ વાયુ થઈ ગયો હતો – ગેસની તકલીફ હતી. વધુ વાછૂટ થાય એ માટે સ્ટેફનીએ નિયમિત આહાર બદલાવી યોગર્ટ, ઈંડાં અને બીન્સનું સેવન એકદમ વધારી દીધું હતું. આ આહારના અતિરેકે હૉસ્પિટલની હવા ખવડાવી અને હવે મેડમે વાછૂટ વેચાણને વિદાય આપી દીધી છે.
———
ફોટો પડાવો, રોકડા કમાઓ
કોવિડ – ૧૯ની મહામારી પછી રોજગાર – નોકરીની સમસ્યા અનેક ઠેકાણે જોવા મળે છે. નોકરી મેળવવા ફાંફાં મારતા કાળા માથાના માનવીને પાળેલા પ્રાણીની ઈર્ષા થાય એવી વાત બની છે. વાત એમ છે કે અંગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પાળેલા પ્રાણીઓનો બિઝનેસ કરતી યુકેની એક કંપની કોઈ એક નસીબદાર શ્ર્વાનને મહિને ૧૦૦૦ પાઉન્ડની નોકરીએ રાખી એને દર શુક્રવારે ખાસ શ્ર્વાન માટેનો બિયર આપવા તૈયાર છે. બદલામાં શ્ર્વાને કેમેરા સામે નેચરલ પોઝ આપી ફોટા પડાવવાના. ફોટો પડતો હોય ત્યારે ટટ્ટાર ઊભા રહી પૂંછડી પટપટાવવી ખેલ કરવાના. નોકરી માટે પસંદ કરાયેલો શ્ર્વાન ‘ચીફ ફ્લફ ઓફિસર’ તરીકે ઓળખાશે. ફોટોગ્રાફી સાથે વીડિયો શૂટિંગ થઈ રહ્યું હોય ત્યારે શ્ર્વાન કેટલીક પ્રોડક્ટ અજમાવી આનંદ લઈ રહ્યો છે એવું લાગવું જોઈએ. બસ આ એની નોકરીની જવાબદારી છે. નોકરી મેળવનાર શ્ર્વાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ હશે જ્યાં ફોટોગ્રાફ્સ અને વીડિયો અપલોડ કરવામાં આવશે. પગાર અને બિયર ઉપરાંત શ્ર્વાનને ક્રિસમસ બોનસ સહિત કર્મચારીઓને મળતા અન્ય લાભ પણ મળશે.

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -